‘ઘરડી’ કોંગ્રેસ હવે કમજોર બની રહી છે

રાજકોટના વોર્ડ નં.૧૪ના ઉમેદવારે ફોર્મ પાછુ ખેંચી લીધુ ત્યાં સુધી કોંગ્રેસને ખબર ન પડી, હજુ કેટલા ભાજપના સંપર્કમાં છે તેનાથી કોંગ્રેસના દિગ્ગજો અજાણ

વડોદરામાં પણ કોંગ્રેસમાં ગાબડુ: બે ટર્મથી ચૂંટાતા સરસ્વતીબેન દેસાઈ ૨૦૦ કાર્યકરો સાથે ભાજપમાં જોડાઈ ગયા

જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે ઉમેદવારોના નામની જાહેરાત થતાંની સાથે જ કોંગ્રેસનું ઘર ફરી ભાંગશે

ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા રાજીનામું ન આપવા હાલ માન્યા પણ ગમે ત્યારે ફરી રીસાશે

ચૂંટણી પહેલા કોંગ્રેસ ગમે તેટલી સક્રિય હોય પરંતુ ઉમેદવારોના નામોની જાહેરાત થતાંની સાથે જ પક્ષ વેન્ટિલેટર ઉપર આવી જાય છે

ચૂંટણી પ્રચાર કરવો કે પક્ષ વિરોધી પ્રવૃતિમાં મશગુલ કાર્યકરો પર વોચ રાખવી? કોંગ્રેસ માટે મોટી મુંઝવણ

ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવનાર દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી આજે પોતાના અસ્તિત્વ સામેની લડાઈ લડી રહી છે. ઘરડી કોંગ્રેસ હવે દિન-પ્રતિદિન ઘસાઈ-ઘસાઈને જાણે કમજોર બની હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે રાજ્યભરમાં સક્રિય બની પ્રજાના પ્રશ્ર્નોનો વાવટો લઈ નીકળેલી કોંગ્રેસ ઉમેદવારોના નામની જાહેરાત થતાંની સાથે જ રમણ-ભમણ થઈ ગઈ છે. રાજ્યની છ મહાપાલિકાઓ માટે ઉમેદવારોના નામની જાહેરાતથી માંડી ફોર્મ ભરવા અને ત્યારબાદ ફોર્મ પરત ખેંચવા સુધીના ઘટનાક્રમમાં કોંગ્રેસ બિનઅનુભવી રાજકીય પક્ષથી પણ નીચી રહી છે. રાજકોટમાં વોર્ડ નં.૧૪માં કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારે પોતાનું ઉમેદવારી પત્ર પાછુ ખેંચી લીધું ત્યાં સુધી કોંગ્રેસને આ વાતની ખબર પણ ન પડી. કોંગ્રેસ ગુજરાતમાં સતત તૂટી રહી છે. આ માત્રને માત્ર ટ્રેલર છે. આખુ પિકચર હજુ બાકી છે. કારણ કે આગામી બે દિવસમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોના નામની ઘોષણા થતાંની સાથે જ કોંગ્રેસમાં વધુ ગાબડા પડશે. આની કળમાંથી હજુ કોંગ્રેસ બહાર નહીં નીકળ્યું હોય ત્યાં         ૧લી માર્ચે ગુજરાતમાં રાજ્ય સભાની બે બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે તેમાં પણ કોંગ્રેસમાંથી કેટલા ખડે તેવી સંભાવના જણાય રહી છે. અમદાવાદના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા ગમે ત્યારે કોંગ્રેસનો સાથ છોડે તેવું લાગી રહ્યું છે. બીજી તરફ આજે સવારે વડોદરામાં બે ટર્મથી પ્રજાના પ્રતિક પર ચૂંટાઈ કોર્પોરેટર બનતા સરસ્વતીબેન દેસાઈ ૨૦૦થી વધુ કાર્યકરો સાથે ભાજપમાં જોડાઈ ગયા છે. ટૂંકમાં ગામે-ગામ કોંગ્રેસના કાંગરા ખરી રહ્યાં છે. ૨૦૧૫ની ચૂંટણીમાં રાજ્યભરમાં કોંગ્રેસનો દેખાવ સર્વશ્રેષ્ઠ રહ્યો હતો. જો કે, આ પરિણામ પાછળ કોંગ્રેસની કોઈ જ ભૂમિકા ન હતી. માત્રને માત્ર પાટીદાર અનામત આંદોલનના કારણે એક વિકલ્પ તરીકે પ્રજાએ કોંગ્રેસને સ્વીકારી હતી. રાજ્યની છ મહાનગરપાલિકા માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ગત શનિવારે પૂર્ણ થઈ હતી. ઉમેદવારી ફોર્મ ભરવા માટે કોંગ્રેસમાં છેલ્લી ઘડી સુધી ખેંચતાણ ચાલી હતી. પ્રદેશ હાઈ કમાન્ડ દ્વારા ઉમેદવારોના જે નામો જાહેર કરવામાં આવ્યા હતા તેમાં સ્થાનિક આગેવાનોએ કેટલાંક નામો પર કાતર ફેરવી હતી અને પોતાના માનીતાઓને ટિકિટ આપી દીધી હતી. ઉમેદવારી ફોર્મ ભરવાની ઉતાવળમાં કોંગ્રેસના નેતાઓ મેન્ડેટમાં નામ લખવાનું પણ ભૂલી ગયા હતા. કોરૂ મેન્ડેટ આપતા વોર્ડ નં.૧ના ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું. વોર્ડ નં.૪માં પણ આવી જ ઘટના બની હતી પરંતુ ડમીએ કોંગ્રેસનું નાક બચાવ્યું હતું.

આખો દિવસ શહેર કોંગ્રેસના નેતાઓ અને આગેવાનો કલેકટર કચેરીમાં હોવા છતાં તેઓને એ વાતની ખબર પણ ન પડી કે વોર્ડ નં.૧૪માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે જેને મેન્ડેટ આપવામાં આવ્યું છે તે વિજય જાનીએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું છે. આ વાતની જાહેરાત શહેર ભાજપ પ્રમુખે મોડી સાંજે કરી ત્યારે કોંગ્રેસ સ્તબ્ધ બની ગયું હતું. આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે ત્યારે કોંગ્રેસને અંદર ખાને એવો ડર સતાવી રહ્યો છે કે હજુ એકાદ બે વોર્ડના ઉમેદવારો ફોર્મ પરત ખેંચી લેશે. માત્ર રાજકોટ નહીં પરંતુ તમામ છ મહાપાલિકામાં કોંગ્રેસની સ્થિતિ દિન-પ્રતિદિન અત્યંત નાજૂક બની રહી છે. એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિમાં કોંગ્રેસ ગરકાવ થયું છે. ચૂંટણી પ્રચાર શરૂ કરવો કે ઉમેદવારો ફોર્મ પાછુ ન ખેંચી લે તેનું ધ્યાન રાખવું તેવી સ્થિતિ જોવા મળી રહી છે. આજે સાંજે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયા બાદ કોંગ્રેસને પુરતી કળ નહીં વળે કારણ કે પક્ષમાં રહી પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારને પારખવામાં કોંગ્રેસ હમેશા કાચી પુરવાર થઈ રહી છે. મહાપાલિકાની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ કોંગ્રેસની આ સ્થિતિ છે તો હવે વિચારો કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ માટે ઉમેદવારો પસંદ કરાયા બાદ કોંગ્રેસની દશા અને દિશા કેવી થશે.

ગઈકાલે પાલિકા અને પંચાયતની ચૂંટણી માટેનું જાહેરનામુ પ્રસિધ્ધ થતાંની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જે રીતે મહાપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે ઉમેદવારોને મેન્ડેટ આપ્યા હતા તેણે પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી ત્યારે નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં હવે ઉમેદવારોના નામની સત્તાવાર ઘોષણા કરવાના બદલે હવે ડાયરેકટ મેન્ડેટ આપવાની વ્યુહરચના અપનાવવામાં આવે તેવું લાગી રહ્યું છે. એકની એક ઘટનાનું સતત પુનરાવર્તન થવા છતાં કોંગ્રેસ તેમાંથી કોઈ બૌદ્ધપાઠ લેતી નથી. અઢી વર્ષ પૂર્વે રાજકોટમાં વોર્ડ નં.૧૩ના કોંગી કોર્પોરેટર નીતિન રામાણીએ રાજીનામુ આપી ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. જેના કારણે વોર્ડની પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારે છેલ્લી ઘડીએ ફોર્મ પાછુ ખેંચી લીધું હતું. આવી સમાન ઘટના જ ગઈકાલે ઘટી હતી જેમાં સત્તાવાર ઉમેદવારનું ફોર્મ માન્ય ન રહ્યાં બાદ ડમી ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું અને કોંગ્રેસે રાહતનો શ્ર્વાસ લીધો હતો. તો પાછળથી વોર્ડ નં.૧૪ના સત્તાવાર ઉમેદવાર વિજય જાનીએ પોતાનું ફોર્મ પરત ખેંચી લેતા કોંગ્રેસને મરણતોલ ફટકો પડ્યો છે. હવે રાજકોટમાં કોંગ્રેસ માત્ર ૭૦ બેઠકો પર જ ચૂંટણી લડી રહી છે. સત્તાવાર ઉમેદવારનો પક્ષ પલ્ટો માત્ર એક ટ્રેલર જ છે. આગામી દિવસોમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે ઉમેદવારોના નામના ઘોષણા થતાં કોંગ્રેસે આખુ પિકચર જોવું પડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.