- પ્રદેશ કોગ્રેસ અઘ્યક્ષ શકિતસિંહ ગોહિલ અને પ્રભારી મુકુલ વાસનીક દિલ્હીમાં: આ મહિનાના અંત સુધીમાં ગુજરાતની ર6 બેઠકો માટે ઉમેદવારો ફાઇનલ કરી લેવામાં આવે તેવી સંભાવના
લોકસભાની સામાન્ય ચૂંટણીના આડે હવે ત્રણ મહિનાથી પણ ઓછો સમય બચ્યો છે. ત્યારે છેલ્લા 10 વર્ષથી સત્તા વિહોણી કોંગ્રેસ દ્વારા લોકસભાની આગામી ચુંટણી માટે તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં લોકસભાની એક પણ બેઠક છેલ્લી બે ચુંટણીથી જીતી શકી નથી. સતત ત્રીજી વખત રકાસ ખાળવા માટે ચુંટણી લક્ષી આયોજન કરવામાં આવી રહ્યા છે. દિલ્હીમાં આજે કોંગ્રેસ સ્કીનીંગ કમીટીની બેઠક મળશે. જેમાં ગુજરાતની બેઠકો માટે ઉમેદવારો નકકી કરવા માટે મનોમંથન કરવામાં આવી રહ્યું છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રમુખ શકિતસિંહ ગોહિલ, વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિતભાઇ ચાવડા, શૈલેષભાઇ પરમાર, સિઘ્ધાર્થ પરમાર, નારણ રાઠવા ઉપરાંત ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિક અને રજનીકાંત પાટીલ સહિતના પક્ષના હોદેદારો દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય અઘ્યક્ષ મલ્લીકાર્જુન ખડગે સહિતના હાઇકમાન્ડ દ્વારા ગુજરાતના નેતાઓ સાથે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. ગઇકાલે રાત્રે કલાકો સુધી બેઠકનો ધમધમાટ ચાલ્યો હતો. દરમિયાન આજે સવારથી ફરી બેઠકમાં મનોમંથન કરવામાં આવી રહ્યું છે.
લોકસભાની આગામી ચુંટણી માટે ગુજરાતની ર6 બેઠકો માટે ઉમેદવારો નકકી કરવા માટે બેઠક વાઇઝ ઉમેદવારોના નામની પેનલ બનાવવામાં આવી હતી. આ પેનલ દિલ્હી દરબાર સમક્ષ રજુ કરી દેવામાં આવી છે. ભાજપને બરાબરની ટકકર આપી શકે અને જીતી શકવામાં સક્ષમ ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની કોંગ્રેસની રણનીતી છે. પેનલમાં પણ એવા જ ઉમેદવારોના નામ મૂકવામાં આવ્યા છે. જે ખરેખર પક્ષ માટે સમર્પિત હોય છે. ભાજપને બરાબરની ટકકર આપવા માટે સક્ષમ હોય, દિલ્હી ખાતે હાલ ચાલી રહેલી સ્ક્રીનીંગ કમિટીની બેઠકમાં ગુજરાતની કેટલીક બેઠકો માટે ઉમેદવારોના નામ ફાઇનલ કરી લેવામાં આવશે. ફેબ્રુઆરી અંતમાં પસંદગી પામેલા ઉમેદવારોને છાનાખુણે તૈયારીઓ શરુ કરી દેવાની જાણ પણ કરી દેવામાં આવશે.
ગુજરાતની રાજયસભાની ચાર બેઠકો માટે આગામી ર7મી ફેબ્રુઆરીના રોજ યોજનાર ચુંટણીમાં કોંગ્રેસે ઉમેદવાર નહી ઉતારવાનો નિર્ણય લીધો છે. હવે કોંગ્રેસે સંપૂર્ણપણે ફોકસ લોકસભાની ચુંટણી પર વધારી દીધું છે. આગામી દિવસોમાં કેટલીક બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરાશે અથવા ફાઇનલ કરી લેવામાં આવશે.
ગુજરાત, હરિયાણા, ગોવા માટે ઉમેદવાર નકકી કરવા ‘આપ’ની 13મીએ બેઠક
દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના અઘ્યક્ષ સ્થાને બેઠક મળશે
ગુજરાત, હરિયાણા અને ગોવાની લોકસભા બેઠક માટે ઉમેદવારોના નામ નકકી કરવા માટે આગામી 13મી ફેબ્રુઆરીના રોજ દિલ્હી ખાતે આમ આદમી પાર્ટીની એક મહત્વપૂર્ણ બેઠક મળશે. ગુજરાત વિધાનસભાની ગત ચુંટણીમાં પ્રથમવાર ઝંપલાવનાર આમ આદમી પાર્ટીને સારી એવી સફળતા સાંપડી હતી. હાથમાં પાંચ બેઠકો જીતવામાં સફળ રહી હતી. લોકસભાની આગામી ચુંટણીમાં ગુજરાતની તમામ ર6 બેઠકો પરથી ચુંટણી લડવાની ઘોષણા આપ દ્વારા કરવામાં આવી છે. લોકસભાની સામાન્ય ચૂટણીના આડે હવે ત્રણ માસથી પણ ઓછો સમય બચ્યો છે. ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા ચુંટણી લક્ષી તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. આગામી 13મી ફેબુઆરીના રોજ દિલ્હી ખાતે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની અઘ્યક્ષતામાં એક બેઠક મળશે. જેમાં ગુજરાત ઉપરાંત હરિયાણા અને ગોવાની લોકસભાની બેઠકો માટે ઉમેદવારો નકકી માટે મનોમંથન કરાશે.