કોંગ્રેસના ત્રણ પ્રભારી જિલ્લાની મુલાકાતે, કાર્યકરોની સેન્સ લીધી: ભાજપે પણ શરૂ કરી તૈયારી
મહાપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભાજપ તથા કોંગ્રેસ પક્ષે બેઠકો યોજવા અને સંભવિત ઉમેદવારો શોધવા માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે. કોંગ્રેસના પ્રભારીઓ જિલ્લાનો પ્રવાસ કરી આગેવાનો, કાર્યકરો સાથે બેઠક યોજી રહ્યાં છે. તો બીજીબાજુ ભાજપના આગેવાનોએ પણ ખાટલા બેઠકો યોજી ભાજપ સરકારે કરેલા કામોની લોકો સુધી જાણકારી આપવામાં આવી રહી છે. ભાજપે તા.૧૦ સુધી ખાટલા બેઠકો યોજી સરકારની યોજનાની લોકો સુધી માહિતી પહોંચાડવાની કાર્યવાહી શરૂ કરી છે.
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીઓ નજીક આવી રહી છે, અને થોડા દિવસોમાં જ ચૂંટણીપંચ દ્વારા આ અંગેની જાહેરાત કરાય તે પહેલાં જામનગર કોંગ્રેસ પાર્ટી દ્વારા તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે અને સંભવિત ઉમેદવારો માટેની યાદી નક્કી કરવા માટે અને જુદાજુદા વોર્ડના દાવેદારોની સેન્સ લેવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માંથી ત્રણ પ્રભારીઓનું જામનગરમાં આગમન થયું છે અને ત્રણ દિવસનો પડાવ રાખ્યો છે. જેમાં પ્રથમ દિવસે અલગ-અલગ પાંચ વોર્ડમાં સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે જ્યારે બાકીના બે દિવસો દરમિયાન અન્ય વોર્ડના દાવેદારોની સેન્સની પ્રક્રિયા હાથ ધરી લેવામાં આવશે.
પ્રદેશ કોંગ્રેસના ત્રણ પ્રભારીઓ રાજુભાઈ પરમાર, ખુર્શીદભાઈ સૈયદ, અને ચંદ્રિકાબેન ચુડાસમાનું જામનગરમાં આગમન થયું છે. જેઓ ત્રણ દિવસનો જામનગરમાં મુકામ કરશે અને તેની પ્રક્રિયા હાથ ધરાશે. સૌપ્રથમ સવારે લીમડાલેનમાં મુખ્ય કાર્યાલયમાં શહેર-જિલ્લાના તમામ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો સાથેની બેઠકોનો દોર યોજ્યો હતો. ત્યારપછી જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં કોર્પોરેશનની ચૂંટણીમાં જુદા જુદા વોર્ડ માટેના દાવેદારોની સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રથમ દિવસે વોર્ડ નંબર ૧, વોર્ડ નંબર ૨, વોર્ડ નંબર ૪, વોર્ડ નંબર ૧૨ અને વોર્ડ નંબર ૧૫ના દાવેદારોની સેન્સ લેવામાં આવી હતી. આ ઉપરાંત બાકીના બે દિવસોમાં અન્ય વોર્ડના દાવેદારોની પણ સેન્સની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ જામનગર માટે નિમાયેલા પ્રભારી અને રાજયકક્ષાના પૂર્વ સાંસદ રાજુભાઇ પરમાર,ઓલ ઇન્ડિયા માઈનોરોટીના પ્રમુખ સૈયદ ખુરશીદ તેમજ પ્રદેશ મહામંત્રી ચંદ્રિકાબેન ચુડાસમા સહિતના આગેવાનોએ મંગળવારે જામનગરમાં ચૂંટણી સંદર્ભે સ્થાની કોંગી આગેવાનો અને કાર્યકારી સાથે બેઠક યોજી હતી. જામનગરમાં લીમડા લાઇન ખાતે આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા કોંગ્રેસની જનરલ મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના પ્રભારીઓ દ્વારા ઉપસ્થિત આગેવાનો આગામી ચૂંટણીની રણનીતિ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ મિટિંગ કાર્યક્રમમાં કોંગી ધારાસભ્ય વિક્રમ માડમ, શહેર પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, કોંગી અગ્રણી ભીખુભાઇ વારોયરીયા, મહિલા કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી સહારાબેન મકવાણા, જામ્યુંકો વિરોધ પક્ષના પૂર્વ નેતા અલ્તાફ ખફી, તૌસિફખાન પઠાણ, આનંદ ગોહિલ, જૈનમબેન ખફી, મહિપાલસિંહ જાડેજા તેમજ વિશાળ સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો-પૂર્વ કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપે શરૂ કરી ખાટલા બેઠક
સરકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવા
કેન્દ્ર અને રાજ્ય સરકારની દરેક યોજનાઓ અને સિદ્ધિઓ શહેર તથા ગામડાઓ અને તાલુકાઓમાં છેવાડાના માનવી સુધી પહોંચે તે હેતુસર ભાજપ દ્વારા તા.૨ થી ૧૦ જાન્યુઆરી સુધી ભાજપ જિલ્લા પ્રમુખ રમેશભાઈ મુંગરા દ્વારા ખાટલા બેઠક શરૂ કરી કાર્યકરોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. આ ખાટલા બેઠકોમાં જિલ્લાના તમામ પદાધિકારીઓ જેવા કે સાંસદ, જિલ્લા પ્રમુખ, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ પ્રમુખો, મહામંત્રીઓ, જિલ્લા-તાલુકા પંચાયતોના ચૂંટાયેલા સભ્યો તેમજ ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.