અસહ્ય વેરા બીલના વિરોધમાં ટોળુ કોર્પોરેશન કચેરીએ ધસી આવ્યું: ઉગ્ર સુત્રોચ્ચાર મ્યુનિ.કમિશનરનો ઘેરાવ: વાંધા અરજી બાદ વેરો ભરવા અપાતી ખાતરી
શહેરના વોર્ડ નં.૧૨ અને ૧૮ના અનેક વિસ્તારોને મહાપાલિકાની ટેકસ બ્રાંચ દ્વારા તોતીંગ વેરા બિલ ફટકારવામાં આવ્યા છે. જેના વિરોધમાં આજે વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠિયાની આગેવાનીમાં બંને વોર્ડના કોંગી કોર્પોરેટરોએ મ્યુનિ.કમિશનરને આક્રમક રજુઆત કરી હતી અને કોર્પોરેશન પરીસરમાં જ વેરા બીલની હોળી કરી હતી.
વોર્ડ નં.૧૨ અને ૧૮ના કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજા, નિલેશ મારૂ, જયંતીભાઈ બુટાણી, મેનાબેન જાદવ, ઉર્વશીબા જાડેજા, વિજય વાંક, સંજય અજુડીયા અને ઉવર્શીબેન પટેલ સહિતના કોંગી આગેવાનોએ આજે વોર્ડ નં.૧૨ અને ૧૮માં ટેકસ બ્રાંચ દ્વારા ખોટી રીતે વેરાની આકારણી કરી ફટકારવામાં આવેલા તોતીંગ વેરા બીલના વિરોધમાં મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીનો ઘેરાવ કર્યો હતો. બંને વોર્ડના ૫૦૦ થી વધુ લોકોનું ટોળુ આજે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીએ ધસી આવ્યું હતું. જયાં ભાજપના શાસકો અને મ્યુનિ.કમિશનર વિરુઘ્ધ ઉગ્ર સુત્રોચ્ચાર પોકાર્યા હતા. મ્યુનિ.કમિશનરને કરવામાં આવેલી રજુઆતમાં એવું જણાવવામાં આવ્યું હતું કે, વોર્ડ નં.૧૨ અને ૧૮ના અલગ-અલગ પડેલા નવા વિસ્તારને તોતીંગ વેરા બીલ ફટકારવામાં આવ્યા છે. ત્રણ-ત્રણ વર્ષના વેરા વસુલવા માટે વેરા બીલની બજવણી કરવામાં આવી છે પરંતુ ડ્રેનેજ કે પાણીની કોઈ વ્યવસ્થા મહાપાલિકા દ્વારા કરવામાં આવી નથી. જેના કારણે પારાવાર હાર્ડ મારી વેઠવી પડે છે. અધિકારીઓ દ્વારા જવાબદારીની ફેકાફેકી કરવામાં આવે છે. લોકોને આરોગ્ય, સફાઈ, પીવાના પાણી, ડ્રેનેજ, રોશની, હોકર્સ ઝોનજેવી પાયાની સુવિધા આપવા માટે કોઈ આયોજન નથી છતાં તોતીંગ વેરા બિલ ફટકારવામાં આવ્યા છે. જેના કારણે લતાવાસીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. જો તાત્કાલિક ધોરણે પગલા લેવામાં નહીં આવે તો નાછુટકે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે તેવી ચીમકી સાથે આજે કોંગ્રેસના કોર્પોરેટરોએ મ્યુનિ.કમિશનરનો ઘેરાવ કર્યો હતો.
તોતીંગ વેરા બીલના વિરોધમાં લોકોએ કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીના પરીસરમાં વેરા બીલની હોળી કરી હતી. દરમિયાન રજુઆત બાદ મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ તમામને એવી ખાતરી આપી હતી કે જો તેઓનું એવું લાગતું હોય કે વેરાની આકારણી ખોટી થઈ છે તો આ અંગે વાંધાઅરજી કરી શકે છે. વાંધા અરજીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી કોઈપણ પ્રકારનું વ્યાજ વસુલવામાં નહીં આવે તેવી પણ ખાતરી આપી છે.