પાટીદાર અનામત આંદોલન સમિતિએ ૨૨ બેઠકો માંગી ત્યારે અલ્પેશ ઠાકોરે પોતાની રીતે ઉમેદવારો નક્કી કરી લેતા કોંગ્રેસની હાલત કફોડી

વિધાનસભા ચૂંટણી નજીકમાં છે ત્યારે કોંગ્રેસ ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર અને પાટીદાર નેતા હાર્દિક પટેલ વચ્ચે જોલા ખાઈ રહી છે. અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલે માંગેલી બેઠકો કઈ રીતે આપી શકશે તે મોટો પ્રશ્ર્ન છે. એક તરફ અલ્પેશને વધુ પડતું મહત્વ આપી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓના રોષનો ભોગ કોંગ્રેસ બની રહી છે. બીજી તરફ હવે ટિકિટ ફાળવણી બાબતે પણ ઘેરી અસમંજસમાં મુકાઈ ગઈ છે.

અલ્પેશ ઠાકોર સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. જયારે કોંગ્રેસને હાર્દિક પટેલ પાછળથી ટેકો આપે છે. બન્ને નેતાઓએ કોંગ્રેસ પાસે કેટલીક બેઠકોમાં પોતાના ઉમેદવારો ઉભા રાખવાની માંગણી કરી છે. સૂત્રોના મત મુજબ પાટીદાર અનામત આંદોલન સમીતીએ કોંગ્રેસ પાસે ૨૨ બેઠકો માંગી છે જયારે અલ્પેશ ઠાકોરે પણ પોતાની રીતે ટિકિટ લઈ લેવાનું નક્કી કરી લીધુ છે. તાજેતરમાં જ અલ્પેશે નોર્થ ગુજરાતમાં ગનીબેન ઠાકોર નામના ઉમેદવારને ટિકિટની જાહેરાત કરી નાંખી હતી.

હાર્દિક પટેલ અને તેના સાથીદારો તેમજ અલ્પેશ ઠાકોર અને તેના સાથીદારો ઉપરાંત કોંગ્રેસના પોતાના નેતાઓ ટિકિટો માટે લાઈન લગાવી ઉભા છે. હવે આ ટિકિટ ફાળવણીની કામગીરી કોંગ્રેસ માટે વધુ જટીલ બની ગઈ છે. અંદરથી અસંતોષની આગ ફાટી નીકળે તેવી શકયતા છે. માટે કોંગ્રેસ હાલ થોભો અને રાહ જુઓની સ્થિતિમાં જણાય રહી છે. અલબત આ પધ્ધતિ તેને કેટલા સમય માટે નિર્ણય લેતા બચાવી શકશે તે જોવાનું રહ્યું.

કોંગ્રેસ દ્વારા અલ્પેશ ઠાકોર સહિતના કેટલાક નેતાઓને વધુ પડતું મહત્વ આપી કોંગ્રેસના જૂના જોગીઓની અવગણના થતી હોય. તેવા આક્ષેપો તો ઘણા સમયથી થઈ રહ્યાં છે. જેના પરિણામ હવે જોવા મળી ર્હયાં છે. હાલ ગુજરાત કોંગ્રેસ રીલીફ કમીટીના ચેરમેન વિજય કેલ્લાએ રાજીનામુ આપી દીધું હોવાનું જાણવા મળે છે. આ મામલે તેમણે જણાવ્યું છે કે, રાહુલ ગાંધી માત્ર કેટલાક લોકોને જ મળે છે તેઓ કાર્યકરો સાથે મુલાકાત લેતા નથી. હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણીને કોંગ્રેસે આપેલા મહત્વથી નાખુશ કેલ્લાએ રાજીનામુ આપી દીધું હોવાનું ફલીત થઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.