પાલિકામાં શાસન બદલાતા પોતાના નામે ચડાવવા તૈયાર થયા
ધારાસભ્ય રીબડીયા, પાલિકા પ્રમુખે રસ્તાના કામો માટે કરોડથી વધુ રકમ મંજૂર કરાવી છે: તાલુકા કોંગ્રેસ
વિસાવદર પાલિકા વિસ્તારમાં આવેલા વિવિધ રસ્તાના કામો જાગૃત ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયાએ મંજૂર કરાવ્યા હતા પણ પાલિકામાં ભાજપ શાસન આવતા હવે ભાજપના આગેવાનો આ કામો પોતે મંજૂર કરાવ્યાનો લીંબડ જશ લઈ રહ્યાં છે તેમ વિસાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરસનભાઈ વાડોદરીયાએ જણાવ્યું છે.
વિસાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરસનભાઈ વાડોદરીયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ ૨૦૧૯-૨૦ હેઠળ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા અને કોંગ્રેસ શાસિત પાલિકાના તત્કાલીન પ્રમુખ ગીતાબેન રીબડીયાના પ્રયત્નોથી પાલિકા વિસ્તારમાં વિવિધ રસ્તાના કામો માટે રૂા.૧.૦૮ કરોડ મંજૂર કરાવ્યા હતા. તા.૧૨-૩-૨૦૧૯ના રોજ મંજૂરી મળી ગઈ હતી અને એજન્સી નક્કી કરી વર્ક ઓર્ડર પણ આપી દેવાયા હતા.
બાદમાં ચોમાસા દરમિયાન અતિ વરસાદ થતા રસ્તાના કામો ચાલુ થયા ન હતા. બાદમાં પાલિક શાસન બદલાયું હતું અને ભાજપે શાસન સંભાળ્યું હતું. તાજેતરમાં ભાજપ જિલ્લા પ્રમુખે પાલિકા વિસ્તારના રસ્તાના કામો ભાજપે મંજૂર કરાવ્યા હોવાનો દાવો કરી એ અંગે પ્રચાર શરૂ કર્યો છે. આ અંગે વાડોદરીયાએ જણાવ્યું છે કે, ભાજપ ખોટો લીંબડ જશ ખાટી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા તથા પાલિકા પ્રમુખ ગીતાબેન મનિષભાઈ રીબડીયાના પ્રયાસોથી પ્રાદેશિક કમિશનરે તા.૨૨-૨-૧૯ તથા તા.૨૮-૮-૧૯ના રોજથી રસ્તાના કામોને મંજૂરી આપી હતી. વિસાવદર પાલિકામાં કોંગ્રેસનું શાસન હોવાથી સ્થાનિક ભાજપના આગેવાનોએ અદાલતમાં ઘા નાખી કામ બંધ રખાવ્યું હતું. બાદમાં મનાઈ હુકમ અને ચોમાસુ હોવાથી રસ્તાના કામો થઈ શક્યા ન હતા. હવે પાલિકામાં ભાજપની બોડી આવતા આ કામો ભાજપે મંજૂર કરાવ્યા હોવાનો ખોટો જશ લેવામાં આવી રહ્યો છે તેમ વિસાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરસનભાઈ વાડોદરીયાએ અંતમાં જણાવ્યું હતું.