કોંગ્રેસના રાષ્ટ્રીય સહમંત્રી નવીન શર્માને જવાબદારી સોંપાય
ગુજરાત વિધાનસભાની ચુંટણીને ઘ્યાનમાં રાખી કોંગ્રેસ દ્વારા પક્ષના મોટા તથા રાષ્ટ્રીય નેતાઓને જવાબદારી સોંપાઇ રહી છે. દરમિયાન વિધાનસભાની ચુંટણી માટે કંટ્રોલરૂમના ઇન્ચાર્જ તરીકે રાષ્ટ્રીય સહમંત્રી નવીન શર્માની નિમણુંક કરવામાં આવી છે.
ગુજરાતમાં કોંગ્રેસ છેલ્લા ર7 વર્ષથી સત્તાથી વિમુખ છે આ વખતે ગુજરાતનો ગઢ ફતેહ કરવા માટે કોંગ્રેસ ખુબ જ ગંભીર છે. છ કાર્યકારી પ્રમુખની વરણી કરવામાં આવ્યા બાદ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે સિનીયર ઓબ્ઝવેર તરીકે નિમણુંક કરવામાં આવી હતી. ઉમેદવારોની પસંદગી કરવા માટે દરેક જિલ્લા અને મહાનગરોમાં ચુંટણી લડવા ઇચ્છુકોના બાયોડેટા લેવામાં આવ્યા હતા. જેમાં પંજાના પ્રતિક પરથી ચુંટણી લડવા 700 જેટલા લોકોએ દાવેદારી નોંધાવી છે દરમિયાન ગઇકાલે કોંગ્રેસના રાષ્ટ્રીય અઘ્યક્ષ શ્રીમતિ સોનીયા ગાંધી દ્વારા ઓલ ઇન્ડીયા કોંગ્રેસ કમિટીના સહમંત્રી નવીન શર્માની તાત્કાલીક અસરથી ગુજરાત વિધાનસભાની આગામી ચુંટણી માટે કંટ્રોલરુમમાં ઇન્ચાર્જ તરીકે વરણી કરવામાં આવી છે.
કોંગ્રેસ દ્વારા આ વર્ષ વિધાનસભાની ચુંટણી માટે ઉમેદવારોના નામની ઘોષણા પણ વહેલી કરી દેવામાં આવે તેવી સંભાવના જણાય રહીછે. દિવાળી પહેલા કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવશે.