છેલ્લાં પાંચ દાયકાથી પણ વધુ સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલો ખાટરિયા પરિવાર કમૂરતા ઉતરતાની સાથે જ કેસરિયા કરશે તેવી ભવિષ્યવાળી ‘અબતક’ સાંધ્ય દૈનિક દ્વારા ગત મંગળવારે કરવામાં આવી હતી. અર્જૂન ખાટરિયા ભાજપમાં જઇ રહ્યા હોવાનો અંદેશો મળતા આજે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા તેઓને તાત્કાલીક અસરથી રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષી પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. કોંગ્રેસ દ્વારા આ નિર્ણય લેવાયાના ગણતરીની મિનિટોમાં જ અર્જૂનભાઇ દ્વારા એવી ઘોષણા કરવામાં આવી હતી કે હવે તેઓ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લેશે.
ખાટરિયા પરિવાર હાથનો સાથ છોડી ભાજપનો ખેસ ધારણ કરવા જઇ રહ્યા હોવાના સંકેતો મળતા જ કોંગ્રેસે અર્જૂનભાઇ ખાટરિયાને તાત્કાલીક અસરથી રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષી પદેથી હટાવ્યા: ભાજપની વિચારધારા અને મોદીના વિકાસ યજ્ઞમાં જોડાવાની અર્જૂનભાઇની જાહેરાત
આજે બપોરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ દ્વારા રાજકોટ જિલ્લા પંચાયત વિપક્ષી નેતા પદેથી તાત્કાલીક અસરથી અર્જૂનભાઇ ખાટરિયાને દૂર કરવાનો નિર્ણય લીધો હતો. ગણતરીની મિનિટોમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી સભ્ય અને પૂર્વ વિપક્ષી નેતા અર્જૂનભાઇ ખાટરિયાએ કોંગ્રેસ પર વળતો પ્રહાર કરતા એવી ઘોષણા કરી દીધી હતી કે આગામી દિવસોમાં તે જિલ્લા પંચાયતના સદસ્યો, કાર્યકરો અને સહકારી ક્ષેત્રના આગેવાનો સાથે કેસરિયો ખેસ ધારણ કરી લેશે. તેઓએ ઉમેર્યું હતું કે મેં 25 વર્ષ કોંગ્રેસને આપ્યા છે. હવે વિકાસની રાજનીતી સાથે હું આગળ વધવા માંગું છું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના વિકાસ કાર્યોથી હું ખૂબ જ પ્રભાવિત થયો છું. આગામી દિવસોમાં હવે ભાજપ સાથે જોડાઇ જઇશ.
અત્રે ઉલ્લેખનીય છે કે ખાટરિયા પરિવાર વર્ષોથી કોંગ્રેસ સાથે અડીખમ રીતે જોડાયેલો છે. અર્જૂનભાઇ ખાટરિયાના પત્ની અલ્પાબેન રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચુક્યા છે. જ્યારે વર્ષો પહેલા તેઓના પિતા ઘનશ્યામભાઇ ખાટરિયા પણ કોટડા સાંગાણી તાલુકા પંચાયતના પ્રમુખ રહ્યા હતા. વર્ષોથી તેઓ જિલ્લા બેંકના ડિરેક્ટર છે. ખાટરિયા પરિવારને કોંગ્રેસમાંથી ભાજપમાં લાવવા માટે ડો.ભરત બોઘરા અને ધારાસભ્ય જયેશ રાદડિયાએ ઓપરેશન પાર પાડ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે.