સરકાર સુપ્રીમ કોર્ટના મુક્તિના આદેશ સામે રીવ્યુ પિટિશન દાખલ કરે તેવી કોંગી નેતાઓની માંગ
કોંગ્રેસ રાજીવ ગાંધીના છ હત્યારાઓને મુક્ત કરવા સાથે અસંમત છે. પાર્ટીએ સરકાર સામે સવાલ ઉઠાવ્યો છે કે શુ તે સુપ્રીમ કોર્ટની મુક્તિ સામે રિવ્યુ પિટિશન દાખલ કરશે? તે જ સમયે, વરિષ્ઠ વકીલ અને કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે સોનિયા અને પ્રિયંકા ગાંધીએ દોષિતોને માફ કરી દીધા હશે, પરંતુ પાર્ટી આ નિર્ણયથી સંતુષ્ટ નથી. આ મામલે ડીએમકે કરતા કોંગ્રેસનો મત અલગ છે.સુપ્રીમ કોર્ટે શુક્રવારે રાજી ગાંધી હત્યા કેસમાં નલિની શ્રીહરન અને આરપી રવિચંદ્રન સહિત તમામ છ દોષિતોને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ નલિની શ્રીહરન, રવિચંદ્રન, સંથન, મુરુગન, રોબર્ટ પાયસ અને જયકુમારને મુક્ત કરવામાં આવ્યા હતા.
નલિની શ્રીહરન અને રવિચંદ્રને અકાળે મુક્તિની માગણી સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.સિંઘવીનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટના મુક્તિના નિર્ણયે દેશની જનતાને હચમચાવી દીધી છે. તેમણે એ કહેવતનો પુનરોચ્ચાર કર્યો કે ’ન્યાય માત્ર થવો જોઈએ નહીં, પરંતુ તે થાય છે તે દેખાવો પણ જોઈએ’. મુક્તિનો એકપક્ષીય અધિકાર સંપૂર્ણ નથી. દરેક કેસ સંજોગો પર આધાર રાખે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે રાજીવ ગાંધીના હત્યારાઓને મુક્ત કરવા અંગે કોંગ્રેસનો અભિપ્રાય હંમેશા તમિલનાડુમાં શાસક પક્ષના સાથી પક્ષ ડીએમકેથી અલગ રહ્યો છે. તેમણે કહ્યું કે સોનિયા ગાંધીના પોતાના મંતવ્યો છે, પરંતુ પાર્ટી આ મંતવ્ય સાથે સહમત નથી. અમે તેમના દૃષ્ટિકોણનું સન્માન કરીએ છીએ.
કોંગ્રેસે વડાપ્રધાન સમક્ષ મુક્યા 4 પ્રશ્ર્નો
બીજી તરફ, કોંગ્રેસના મહાસચિવ અને કર્ણાટકના પ્રભારી રણદીપ સુરજેવાલાએ પણ રાજીવ ગાંધી હત્યાના દોષિતોને મુક્ત કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયને બંધારણના મૂળભૂત સિદ્ધાંતોની અવગણના ગણાવ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ચાર સવાલ પૂછતાં તેમણે પૂછ્યું છે કે શું કેન્દ્રની ભાજપ સરકાર આ નિર્ણય પર રિવ્યુ પિટિશન આપશે? સુરજેવાલાએ કહ્યું કે રાજીવ ગાંધીની હત્યા કરનારા આતંકવાદીઓને જેલમાંથી મુક્ત કરવાનો નિર્ણય અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે.
આજે ઉગ્રવાદ સામે લડવાની દરેક દેશવાસીની મૂળ ભાવનાનો પરાજય થયો છે અને સૌથી યુવા પીએમની હત્યાના ઘા ફરી તાજા થઈ ગયા છે.તેમણે સવાલ ઉઠાવ્યા કે શું વડાપ્રધાન મોદી અને તેમની સરકાર ભૂતપૂર્વ પીએમ રાજીવ ગાંધીની હત્યા કરનારા આતંકવાદીઓને છોડાવવાનું સમર્થન કરે છે? મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાનું સ્ટેન્ડ મજબૂતીથી કેમ રજૂ ન કર્યું? શું આ ઉગ્રવાદ પર મોદી સરકારનું બેવડું ધોરણ નથી? શું ભાજપ સરકાર નિર્ણય પર રિવ્યુ પિટિશન દાખલ કરશે?