કેન્દ્રીય મંત્રીએ એલફેલ ટિપ્પણી કરવા બદલ કોંગી નેતા પવન ખેરા, જયરામ રમેશ, નેતા ડિસોઝાને ફટકારી નોટિસ
કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા સ્મૃતિ ઈરાનીએ ગોવામાં પોતાની પુત્રીના બાર ચલાવવાના આરોપો પર કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો છે. તેમણે હવે આ મામલે કોંગ્રેસના ઘણા નેતાઓને નોટિસ મોકલી છે.
સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ નેતાઓ પવન ખેરા, જયરામ રમેશ, નેતા ડિસોઝા અને કોંગ્રેસને તેમની 18 વર્ષની પુત્રી પરની ટિપ્પણી બદલ કાનૂની નોટિસ મોકલી છે, તેમને બિનશરતી લેખિત માફી માંગવા અને તાત્કાલિક અસરથી આરોપો પાછા ખેંચવા કહ્યું છે. કોંગ્રેસના નેતાઓએ સ્મૃતિ ઈરાનીની પુત્રીનો ગોવામાં બાર હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. શનિવારે સ્મૃતિ ઈરાનીએ પણ આ આરોપોને સખત રીતે નકારી કાઢ્યા હતા અને ગાંધી પરિવાર પર પ્રહારો કર્યા હતા.
જો કે આ પહેલા પણ સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસના આરોપોને ખોટા ગણાવ્યા છે. તેમણે શનિવારે કહ્યું હતું કે તેમની પુત્રી 18 વર્ષની છે. પુત્રી કોલેજની પ્રથમ વર્ષની વિદ્યાર્થીની છે અને કોઈ બાર ચલાવતી નથી. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે કોંગ્રેસ આવા આરોપો લગાવીને તેમની પુત્રીના ચારિત્ર્યનું મૂલ્યાંકન કરી રહી છે.કેન્દ્રીય મંત્રીએ રાહુલ ગાંધીને અમેઠીથી ફરીથી ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતું કે તેઓ તેમને ફરીથી હરાવી દેશે.
કોંગ્રેસે શનિવારે આરોપ લગાવ્યો હતો કે સ્મૃતિ ઈરાનીની પુત્રી ગોવામાં ’ગેરકાયદે બાર’ ચલાવી રહી છે. વિપક્ષી પાર્ટીએ પીએમ મોદીને કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રીને હટાવવાની વિનંતી કરી. જો કે આ આરોપોને પહેલા જ સ્મૃતિ ઈરાનીની પુત્રીએ ફગાવી દીધા છે. કેન્દ્રીય પ્રધાનની પુત્રીના વકીલ કિરાત નાગરાએ જણાવ્યું હતું કે તેમના ક્લાયન્ટ ’સિલી સોલ્સ’ નામની રેસ્ટોરન્ટની માલિકી ધરાવતા નથી કે ચલાવતા નથી.