રાજુલા જાફરાબાદ ખાંભા મત વિસ્તારના તાઉતે વાવાઝોડામાં વિવિધ નુકસાન સહાય ચુકવણીમાં થયેલા અન્યાય અને વધતા જતા પેટ્રોલ ડિઝલ અને ગેસનો ભાવ વધારો પરત ખેંચવાની માંગ સામે ધારાસભ્ય અંબરીષ ડેર અને કોંગ્રેસના આગેવાનોની આગેવાનીમાં સૌ પ્રથમ ખાંભા ત્યારબાદ જાફરાબાદ અને હવે રાજુલા ખાતે રેલી આવેદનપત્ર અને ધરણાં પ્રદર્શન કરી જન આંદોલન કરવામાં આવી રહ્યા છે. તેમાં દરેક તાલુકામાં બહોળી સંખ્યામાં લોકો સ્વયંભૂ ઉમટી પડ્યા હતા.
વાવાઝોડાના કારણે લોકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો ત્યારે લોકોને સરકાર પાસે મોટી આશા હતી પરંતુ વાવાઝોડા ને 2 મહિના જેટલો સમય થવા આવ્યો પરંતુ હજું પણ મોટા ભાગના લોકો સહાયથી વંચિત છે અથવા તો પૂરતો સર્વે કરવામાં આવ્યો નથી તેમજ ભાજપના મળતિયાઓને સહાય ચુકવણી કરવામાં આવી હોવાનાં કોંગ્રેસ દ્વારા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે નામંજૂર અને ગૂમ થયેલા ફોર્મનાં લાભાર્થીઓને સહાય ચુકવવા તથા ફરી વિવિધ સહાય માટે રિ સર્વે કરવાની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે.
દૈનિક વધતા જતા પેટ્રોલ ડિઝલ અને ગેસનાં ભાવોમાં થતાં વધારાનાં પગલે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો મુશ્કેલી વેઠી રહ્યા છે જેના કારણે લોકોમાં પણ ભારે આક્રોશ છે. ત્યારે રાજુલા ખાતે કોંગ્રેસનાં ધારાસભ્ય અંબરીષ ડેર તથા કોંગ્રેસ અગ્રણીની ઉપસ્થિતિમાં રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતેથી તાલુકા પંચાયત કચેરી સુધી રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર કરતા કરતા તેમજ પ્લેકાર્ડ સાથે રાખીને પગપાળા તાલુકા પંચાયત કચેરીએ બહોળી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં આવેદનપત્ર આપેલ અને રજૂઆત કરી હતી.
તાઉતે વાવાઝોડામાં રાજુલા તાલુકામાં ભારે નુકસાની સર્જાઇ છે ત્યારે સરકાર શ્રી દ્વારા જાહેર કરેલ સહાય માં યોગ્ય સર્વે કરવામાં આવ્યો નથી તેમજ ધણાં ફોર્મ ગુમ પણ થયેલા છે તેમજ ઘણા ફોર્મ રિજેક્ટ પણ કરવામાં આવેલ છે તો ધણાં લોકોનાં ખેતીવાડી વિસ્તારમાં હજુ પણ વીજ પુરવઠો કાર્યરત થયો નથી તેનાં કારણે ખેડૂતો હેરાન પરેશાન છે તેમજ જેમનાં ફોર્મ મંજૂર થયા તેમને પણ હજું સુધી નાણાં મળ્યા નથી. તેમજ સહાય ચુકવણીમાં પણ મળતીયાઓ અને લાગતાં વળતા લોકોને સંપૂર્ણ નુકસાન સહાય નાં ફોર્મ મંજૂર કર્યા પરંતુ ખરેખર જરૂરીયાતવાળા પરિવારો હજું પણ સહાય થી વંચિત છે. તેમજ મોટા ભાગના લોકોને નુકસાન કરતા પણ બહું નજીવી રકમ ચુકવી મજાક કરવામાં આવી છે.
લોકોમાં ભારે આક્રોશ છે બીજી તરફ વધતાં જતાં પેટ્રોલ ડિઝલ અને રાંધણ ગેસ નાં ભાવોનાં કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો નું બજેટ ખોરવાયું છે ત્યારે સરકાર દ્વારા કરેલ ધરખમ ભાવ વધારો પરત ખેંચવાની માંગ સાથે ખૂબ મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં જાફરાબાદ શહેર અને તાલુકા કોંગ્રેસના આગેવાનો દ્વારા રાજ્યપાલ ને મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી મારફતે આવેદનપત્ર આપ્યું હતું. કાર્યક્રમ નાં અંતે રાજુલા પોલીસ દ્વારા ધારાસભ્ય અંબરીષ ડેર રાજુલા નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ લાખણોત્રા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગાંગાભાઈ હડિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત જોષી, તા.પં વિરોધ પક્ષના નેતા જોરુભાઈ મેગળ, યુવા નેતા અજય શિયાળ, હિતેશ સોલંકી કોંગ્રેસનાં આગેવાનો ની અટકાયત કરવામાં આવી હતી.