કોંગ્રેસે વિરોધ કરી કલેકટરને કરી રજૂઆત: સમજણ બાદ મામલો ઠાળે પડ્યો
આજરોજ વિધાનસભાની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ છે ત્યારે રાજકોટની પશ્ચિમ બેઠકની મતગણતરી પર સવારે ગરમાગરમી જોવા મળી હતી. જેમાં કોંગ્રેસ દ્વારા ઇવીએમ મશીનમાં સીલ તૂટ્યાનો આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સ્થળ પર હાજર કલેકટર અરુણ મહેશ બાબુને રજૂઆત કરી હતી. જ્યાં કલેકટર દ્વારા સમજણ આપ્યા બાદ મામલો ઠાડે પડ્યો હતો.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ વિધાનસભાની ચૂંટણીના મતગણતરી દરમિયાન રાજકોટમાં પશ્ચિમ બેઠક પર સ્ટ્રોંગ રૂમમાં રહેલા બે કે ત્રણ ઇવીએમ મશીનમાં સીલ તૂટેલા હોવાનુ કોંગ્રેસના ઉમેદવાર મનસુખભાઈ કાલરીયાના ધ્યાને આવતા તેઓએ વિરોધ દર્શાવ્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર મનસુખ કાલરીયા અને ઈલેકશન એજન્ટ કૃષ્ણદતભાઈ દ્વારા વિરોધ દર્શાવી સ્થળ પર જ હાજર કલેકટર અરુણ મહેશ બાબુને રજૂઆત કરવામાં આવી હતી.
આ રજૂઆતને ધ્યાને રાખી કલેકટર અરુણ મહેશ બાબુ અને અન્ય અધિકારીઓ દ્વારા કોંગ્રેસના ઉમેદવાર મનસુખભાઈ કાલરીયાને સમજણ આપવામાં આવી હતી કે ઇવીએમ મશીનના ઉપરના સીલ ગૌણ હોય છે. ટ્રાન્સપોર્ટ દરમિયાન આ સીલ થોડું ક્ષતિગ્રસ્ત થયું હોય શકે. પરંતુ ઇવીએમ મશીનનું બીજી મુખ્ય સીલ યોગ્ય રીતે જ હોય જેથી કોઈ શંકા જેવી વાત નથી. આમ સમજણ આપ્યા બાદ સ્થળ પર મામલો ઠાડે પડ્યો હતો અને કોંગ્રેસના ઉમેદવારે પણ બધું યોગ્ય હોવાનો અભિપ્રાય આપ્યો હતો.