શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર સહિતનાં આગેવાનોની પોલીસે કરી અટકાયત: કોંગ્રેસનાં પાંચ કોર્પોરેટરો જનરલ બોર્ડમાં પણ સાયકલ સાથે પહોંચ્યા
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ બેરલનાં ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે છતાં દેશમાં છેલ્લા ૨૨ દિવસથી પેટ્રોલ અને ડિઝલનાં ભાવમાં વધારો થઈ રહ્યો છે તેનાં વિરોધમાં આજે કોંગ્રેસ દ્વારા રાજયવ્યાપી વિરોધ પ્રદર્શન રેલી યોજવામાં આવી હતી. રાજકોટમાં કોંગ્રેસને રેલી માટેની મંજુરી ન મળી હોવા છતાં આગેવાનોએ પ્રજા પ્રશ્ર્ને મંજુરી વિના રેલી યોજી હતી. પોલીસ દ્વારા કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપુત અને ૬ નગરસેવકો સહિત ૫૦થી વધુ આગેવાનો-કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી હતી.
પેટ્રોલ-ડીઝલનાં ભાવનાં વિરોધમાં કોંગ્રેસ દ્વારા દેશભરમાં કાર્યક્રમ આપવામાં આવી રહ્યા છે. આજે રાજયવ્યાપી વિરોધ પ્રદર્શન રેલી માટે ગઈકાલે કોંગ્રેસ દ્વારા મંજુરી માંગવામાં આવી હતી પરંતુ પોલીસે ટ્રાફિક સહિતનાં મુદાઓ આગળ ધરીને મંજુરી આપી ન હતી છતાં કોંગ્રેસ દ્વારા આજે શહેરનાં તમામ ૧૮ વોર્ડમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારાનાં વિરોધમાં રેલી યોજવામાં આવી હતી. મહિલા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલા, મનસુખભાઈ કાલરીયા, વિજયભાઈ વાંક, સંજયભાઈ અજુડીયા, નિલેશ મારૂ, જાગૃતિબેન ડાંગર અને જયાબેન ટાંક સહિતનાં કોર્પોરેટરો આજે સાયકલ લઈને જનરલ બોર્ડમાં પહોંચ્યા હતા જોકે ઓડિટોરીયમનાં દરવાજેથી તેઓની પોલીસે અટકાયત કરી લીધી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર અને પૂર્વ પ્રમુખ મહેશ રાજપુત સહિતનાં આગેવાનોએ પેલેસ રોડ પર આશાપુરા મંદિર ખાતેથી વિરોધ રેલી કાઢી હતી જોકે પોલીસે તેઓને પણ દબોચી લીધા હતા. દરમિયાન પેટ્રોલ અને ડિઝલમાં થઈ રહેલા બેફામ ભાવ વધારાથી રાજય અને કેન્દ્ર સરકારે શરૂ કરેલી પ્રજાની ઉઘાડી લુંટ બંધ કરાવવાની માંગણી સાથે કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધતું એક આવેદનપત્ર જિલ્લા કલેકટરને આપવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારાનાં વિરોધમાં છેલ્લા એક સપ્તાહથી કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે.