ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ કોંગ્રેસને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાસે કોઈ મુદાઓ નથી. તેમના જ મુદાઓ તેમને બુમરેંગ થાય છે. મગફળી કાંડ દ્વારા ફરી એક વખત કોંગ્રેસનો કૌભાંડી ચહેરો પ્રજા સમક્ષ ખુલ્લો પડયો છે. મગફળીકાંડમાંથી બચવા માટે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહેલા ઢોંગી ધરણાને ગુજરાતની જનતા સુપેરે જાણી ચુકી છે. આ સમગ્ર કાંડમાં કુલ ૨૯ લોકોની ધરપકડ થઈ છે. જેમાં કોંગ્રેસના કેટલાક આગેવાનોની ધરપકડ થઈ છે તથા ભાજપાના બે કાર્યકરોની ધરપકડ થઈ છે.

અત્યાર સુધી જયારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ભાજપા સરકારે કોઈની શેહશરમ રાખી નથી. ભાજપાની આ નિષ્પક્ષ સરકાર મગફળીકાંડમાં થયેલી ગેરરીતીમાં સંડોવાયેલા કોંગ્રેસ કે ભાજપા કોઈપણ પક્ષના હોય તેને છોડવામાં નહીં આવે. કોંગ્રેસ દ્વારા થઈ રહેલા આ ધરણામાં ગુજરાતની જનતા કે ખેડુતોનું કયાંય ભલુ દેખાતુ નથી. કોંગ્રેસે કદી જનતાનું સારું વિચાર્યું જ નથી. જે દર્શાવે છે કે, હંમેશા પ્રજાની સુખાકારી માટે તત્પર એવી ભાજપાની છઠ્ઠીવાર ગુજરાતમાં જીત થઈ છે.

વાઘાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પહેલાથી જ જુઠ્ઠું બોલવા ટેવાયેલી છે. નેહરૂથી લઈ રાહુલ ગાંધી સુધીના બધા કોંગ્રેસીઓ જુઠ્ઠાણા ફેલાવવામાં માહિર છે. સમગ્ર દેશ અને ગુજરાતની જનતાએ ભ્રષ્ટાચારી કોંગ્રેસને જાકારો આપ્યો છે ત્યારે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા કોંગ્રેસના નેતાઓ જુઠ્ઠા આક્ષેપો કરી ધરણાના નાટક કરી રહ્યા છે.

ભાવનગર ખાતે થયેલા ધરણામાં કોંગ્રેસના વિપક્ષ નેતા આવીને જુઠ્ઠુ ચલાવીને જનતાને ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો કરે છે. જેમાં તેમના જ પદાધિકારીઓની પુરતી હાજરી હોતી નથી. આવી રીતે ઢોંગ કરીને આવા નાટક કરીને ગુજરાતની જનતા જનાર્દનના વિશ્વાસ જીતવાનો નિષ્ફળ પ્રયાસ કરતી કોંગ્રેસ કદી ફાવી શકવાની નથી. વાઘાણીએ હંમેશા ખોટા આક્ષેપો કરનારી કોંગ્રેસને વખોડતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની નિષ્પક્ષ તથા તટસ્થ ગુજરાત સરકાર આ કાંડમાં કોઈપણ સંડોવાયેલ હશે, તે પછી ચાહે ભાજપના હોય કે કોંગ્રેસના કોઈને પણ છોડવામાં નહીં આવે તેવી ખાત્રી રાજય સરકાર દ્વારા આપવામાં આવી છે. તે જ દર્શાવે છે કે, રાજય સરકાર પ્રતિબઘ્ધતાપૂર્વક કામગીરી કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.