12 બેઠકો પૈકી ચાર બેઠકો બિન હરિફ: આઠ બેઠકો માટે નવ ઉમેદવારો વચ્ચે જંગ:  19મીએ મતદાન

રાજકોટ મહાનગરપાલીકા સંચાલીત નગર પ્રાથમિક  શિક્ષણ સમિતિના 12 સભ્યો પૈકી  ચાર સભ્યો બિન હરીફ જાહેર કરાયા છે. દરમિયાન કોંગેસના ઉમેદવાર કમલેશ કોઠીવારે  ફોર્મ પરત ન ખેંચાતા હવે આઠ બેઠકો માટે આગામી 19મી  જૂને મતદાન   હાથ ધરવામાં આવે લગભગ ફાઈનલ મનાય રહ્યું છે.આવતીકાલે  ચૂંટણી અધિકારી એવા  મેયર ડો. પ્રદીપ ડવ દ્વારા ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે. આ કોઈ કારણોસર  કોંગ્રેસના  ઉમેદવારનું ફોર્મ રદ  થાય તોજ તમામ આઠ સભ્યો બિન હરીફ ચૂંટાશે અન્યથા આગામી 19 જૂને 22 વર્ષ બાદ    શિક્ષણ સમિતિની ચૂંટણી માટે મતદાન કરવાની  ફરજ પડશે.

કોંગ્રેસ પાસે  હાલ માત્ર બે કોર્પોરેટરો છે આવામાં કોંગ્રેસનો  એકપણ સભ્ય શિક્ષણ સમિતિમાં ચૂંટાય તેવી સંભાવના નહિવત છે. કારણ કે  એક સભ્ય માટે ઓછામાં ઓછા છ મતો મળવા જરૂરી છે.કોંગ્રેસના ઉમેદવાર  કમલેશ  કોઠીવારે  સામાન્ય કેટેગરી માટે અનામત બેઠક પરથી  ઉમેદવારી નોંધાવી છે. જેના કારણે  શિક્ષણ સમિતિની 12 બેઠકો પૈકી ચાર બેઠકો જે અનામત  કેટેગરીમાં આવે છે તે બેઠક પર  ઉમેદવારી કરનાર ચારેય સભ્યોને બિન હરીફ જાહેર કરવામાં આવશે. જેમાં અનુસુચિત જાતી અને જનજાતી કેટેગરી માટેની અનામત  બેઠક પર ચૂંટણી લડનારા   ઈશ્ર્વરભાઈ જીતીયા, મેટ્રી કયુલેશન અર્થાત શૈક્ષણીક  લાયકાત  કેટેગરી  માટેની અનામત ત્રણ બેઠકો પર ઉમેદવારી  કરનાર    હિતેશભાઈ   રાવલ,   મનસુખભાઈ  વેકરીયા,  અને સંગીતાબેન  છાંયાને બિન હરીફ  જાહેર કરવામાં આવશે.

સામાન્ય કેટેગરીની આઠ બેઠકો માટે નવ ઉમેદવારો  વચ્ચે ચૂંટણી જંગ જામશે.જેમાં ભાજપના ઉમેદવાર પ્રવિણભાઈ નિમાવત, વિક્રમભાઈ પુજારા, વિક્રમસિંહ જાડેજા, વિરમભાઈ રબારી, રસિકભાઈ બરૂકિયા, અજયભાઈ  પરમાર, જાગૃતીબેન  ભાણવડીયા અને સુરેશભાઈ રાઘવાણી જયારે કોંગ્રેસના કમલેશ   કોઠીવાર વચ્ચે ચૂંટણી જંગ થશે. આવતીકાલે હોદાની રૂએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની  ચૂંટણીના નિર્વાચિન અધિકારી  એવા મેયર ડો. પ્રદિપ ડવ દ્વારા  ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે.

જો કોંગ્રેસના ઉમેદવાર કમલેશ  કોઠીવાર  આવતીકાલ સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત નહી ખેંચે તો 19મી જૂને  મતદાન હાથ  ધરવામાં આવશે. જેમાં ભાજપ અને કોંગ્રેસના  70 કોર્પોરેટરો મતદાન કરશે.  શિક્ષણ સમિતિની ચૂંટણીમાં પ્રેફરન્સ મતનું મૂલ્ય હોય છે. એટલે મતદાર કોર્પોરેટરોએ ચૂંટણી લડતા ઉમેદવારોને એકડા, બગડા એમ પસંદગી મુજબનો ક્રમ આપવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,  ભ્રષ્ટાચાર અને જૂથવાદના કારણે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે શિક્ષણ સમિતિના ચેરમેન, વાઈસ ચેરમેન અને સરકાર નિયુકત ત્રણ સભ્યો સહિત તમામ  15 સભ્યોના સામૂહિક રાજીનામા લઈ લેવામાં આવ્યા હતા.  આથી શિક્ષણ સમિતિને ઘેર ભેગી કરી દેવાયા બાદ હવે સમિતિની રચના કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.  19મીએ  મતદાન  પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તુરંત જ મતગણતરી હાથ ધરવામાં આવશે. ત્યારબાદ મેયર દ્વારા વિજેતા ઉમેદવારોના નામ જાહેર કરાશે. પછી ચેરમેન અને વાઈસ ચેરમેનની વરણી કરવા માટે તારીખનું  એલાન કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.