પ્રદેશ પ્રવક્તા ભરતભાઇ પંડ્યાએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસના લોકોએ ભાજપાના કાર્યાલયો પર દેખાવો કરવાને બદલે આવી અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં બેંગલોરના ફાઇવસ્ટાર રિસોર્ટમાં જલસા કરતાં ધારાસભ્યોની સામે દેખાવો કરવા જોઇએ. ભાજપા કોઇપણ પરિસ્થિતિમાં જનતાની સાથે, જનતાની વચ્ચે અને જનતાની મદદે ઉભી રહેતી હોય છે. ભાજપા માટે સત્તાએ સેવાનું સાધન છે. જ્યારે, કોંગ્રેસ પ્રજાની વચ્ચે કે લોકસેવામાં ક્યાંય દેખાતી નથી. કોંગ્રેસ માટે સત્તા એ ફક્ત ભ્રષ્ટાચારનું સાધન છે. એટલે જ એ ક્યારેય સત્તામાં દેખાશે નહી અને અત્યારના સંજોગમાં કોંગ્રેસ સત્તામાં તો શું વિરોધપક્ષમાં પણ ઉભી રહે તેવું લાગતું નથી.
કોંગ્રેસના ભરતસિંહ સોલંકીના નિવેદન સામે પ્રત્યાઘાત આપતાં ભરત પંડ્યા એ જણાવ્યુ હતુ કે, ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી અતિવૃષ્ટિના પ્રથમ દિવસથી જ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરીને સતત ચિંતા કરી રહ્યા છે. હવે સતત ૫ દિવસ અસરગ્રસ્ત વિસ્તારમાં કેમ્પ કરીને લોકસેવામાં વ્યસ્ત છે અને સ્થાનિક કોઇપણ સમસ્યા, રજુઆતો, કે પ્રશ્નોના નિરાકણ માટે ત્યાંથી જ તાત્કાલિક પ્રજાલક્ષી નિર્ણયો લઇ રહ્યા છે અને સમગ્ર તંત્ર લોકસેવામાં ખડેપગે છે. કોંગ્રેસના નેતાઓએ અમદાવાદમાં પ્રેસ કરીને રાજકીય આક્ષેપો કરવા કરતા ત્યાં જ મુખ્યમંત્રીને અસરગ્રસ્ત વિસ્તારના કેમ્પમાં જ પોતાની સમસ્યાઓ રજુ કરી હોત તો વધારે સારું હતું. તેમણે માત્ર ફરીયાદ અને આક્ષેપ કરવાને બદલે કોંગ્રેસે અસરગ્રસ્ત વિસ્તારમાં શું કામગીરી કરી ? તેનો ઉલ્લેખ કર્યો હોત તો સા‚ હતુ. પરંતુ કોંગ્રેસ ક્યાંય લોકોની સેવામાં નજરે પડતી નથી અને જે લોકોસેવા કાર્ય કરે છે તેની સામે માત્ર જુઠ્ઠા આક્ષેપો કરીને કોંગ્રેસ પોતાની બેજવાબદારીપણું અને અસંવેદનશીલતાનું પ્રતિબિંબ પાડે છે. રાજ્ય સરકાર તેમજ ભાજપ સંગઠન કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા કટિબધ્ધ છે તેમ ભરત પંડ્યાએ જણાવ્યુ હતુ.
અત્યારે જે રાજકીય ઘટનાક્રમ દેખાય છે એ માત્ર કોંગ્રેસના આંતરિક ઝગડાનો ઘટનાક્રમ છે. કોંગ્રેસ મુકત ધારાસભ્યોને કોંગ્રેસના નેતૃત્વ અને નીતિરીતિ સામે આક્રોશ છે અને જ્યારે કોંગ્રેસના નેતૃત્વને ધારાસભ્યો પર તેમજ ધારાસભ્યોની ફરિયાદો પર જવાબ આપવાને બદલે તેઓનું સતત અપમાન અને અવગણના કરીને અવિશ્ર્વાસ પ્રદર્શિત કરે છે. એટલે કે, કોંગ્રેસમાં બંને બાજુમાં અપમાન-અવગણના અને અવિશ્ર્વાસનું વાતાવરણ છે જે કેટલાક મહિનાઓથી ગુજરાતની જનતા ટી.વી.મીડિયાના માધ્યમથી જોઈ રહી છે.
કોંગ્રેસના જુઠ્ઠા આક્ષેપો સામે તીવ્ર પ્રત્યાઘાત આપતાં ભરત પંડ્યાએ જણાવ્યું હતુ કે, કોંગ્રેસના પોસ્ટરમાંથી પીઢ નેતા શંકરસિંહજીનો ફોટો કાઢી નાખવાની સૂચના ભરતસિંહ સોલંકીને શું ભાજપાએ આપી હતી ? કાર્યક્રમમાં નિમંત્રણ કે ગવર્નરના આવેદનપત્રમાં નામ ન લખવાનું શું ભાજપાએ કીધુ હતુ ? કોંગ્રેસ પોતે જ પોતાના પગ પર કુહાડી મારે છે અને પોતાની ભુલો-નિષ્ફળતાઓ છુપાવવા ભાજપા પર ખોટા આક્ષેપો લગાવે છે. કોંગ્રેસે પોતાની ધારાસભ્યોની ફરીયાદો સાંભળી નથી. કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને અતિવૃષ્ટિના સમયે પોતાના વિસ્તારમાં જવા ન દીધા અને જનતાની સાથે સંપર્ક-સંવાદ અને પ્રવાસ કરવાને બદલે બેંગલોરના ફાઇવસ્ટાર રીસોર્ટમાં નજરકેદ કરીને રાખ્યા છે, બધા ધારાસભ્યોના મોબાઇલ ફોન પણ બંધ કરાવી છીનવી લીધા છે. જો તેમના ધારાસભ્યોને ગુજરાતમાં અસલામતી છે તેવું બહાનું કાઢીને બેંગલોર લઇ ગયા હોય તો કર્ણાટકમાં તો કોંગ્રેસની જ સરકાર છે. તો ત્યાં તેમને બહાર નીકળવાની કે કોઇની સાથે મળવા મંજુરી કેમ નથી આપતા ? શું કર્ણાટકની કોંગ્રેસ સરકારમાં પણ અસલામતી અનુભવી રહ્યા છે ? કોંગ્રેસના આક્ષેપો, નિવેદનો, દાવાઓ, નાટ્યાત્મક અને હાસ્યાસ્પદ છે.