જિલ્લા કોંગ્રેસ દ્વારા મીટીંગોનો ધમધમાટ
રાજકોટ જિલ્લાની વિધાનસભાની તમામ સીટો ઉપર ઓલ ઈન્ડિયા કોંગ્રેસ દ્વારા લોકસભાના પ્રભારીઓ તેમજ વિધાનસભાના પ્રભારીઓની નિમણુંકો થઈ ચુકી છે.જેઓ તમામ નિરિક્ષકોનો કાફલો રાજકોટ જિલ્લામાં જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખની સાથે વિધાનસભાની સીટ વાઈઝ મીટીંગો તેમજ કાર્યકર્તાઓ સાથે મુલાકાત, નેતાઓ સાથે મુલાકાત અને સાથે સાથે સર્વે તેમજ નિરિક્ષણ કરીને તમામ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.
પોરબંદર લોકસભાની પ્રભારી રાજપાલ શર્માજી જેઓ રાજસ્થાનથી પોરબંદર લોકસભામાં મુકાયા છે. તેઓ દ્વારા ધોરાજી-ઉપલેટા, જેતપુર-જામ કંડોરણા અને ગોંડલ તમામ વિધાનસભા સીટ પર નેતાઓ તેમજ કાર્યકર્તાઓને રૂબરૂ મળીને ચૂંટણી લક્ષી કામગીરી આરંભી દીધેલ છે. આ તમામ વિધાનસભાની સીટ પર ઓલ ઈન્ડિયા કોંગ્રેસ દ્વારા એક એક પ્રભારીની નિમણુંકો થઈ ચુકી છે. જેમાં ધોરાજી-ઉપલેટામાં સુબ્રતોજી બોરા જેઓ આસામથી મુકવામાં આવ્યાં છે. જેતપુર-જામ કંડોરણામાં અનુરાગ વિદ્યા શંકરજી જેઓ રાજસ્થાનથી જામ કંડોરણાની સીટમાં મુકાયા છે. આ ઉપરાંત ગોંડલ વિધાનસભાની સીટ ઉપર રાજેશ ત્યાગી જેઓ મધ્ય પ્રદેશથી મુકાયા છે.
સાથે સાથે રાજકોટ લોકસભાના પ્રભારી તરીકે રાજસ્થાન સરકારના ખાણ ખનીજ કેબિનેટ મંત્રી પ્રમોદ જૈન તેમજ રાજસ્થાનના ધારાસભ્ય પન્નાચંદ મેઘવાલજીની નિમણુંક કરાઈ છે. વિધાનસભા ગ્રામ્ય- 71માં સુમિંદર વોરાની નિમણુંક કરાઈ છે. જસદણ-વિંછિયા વિધાનસભાની બેઠક પર ગૌતમ શંકરજીની નિમણુંક કરાઈ છે. આ તમામ રાજકોટ વિધાનસભાની સીટો પર છેલ્લા ત્રણ દિવસમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અર્જુનભાઈ ખાટરિયા દ્વારા મીટીંગો પૂર્ણ થઈ છે. જેમાં તમામ તાલુકા કોંગ્રેસના પ્રમુખો, જિલ્લાના સંગઠનના હોદ્દેદારો, માજી ધારાસભ્યઓ, પ્રદેશના હોદ્દેદારો તેમજ તમામ મોરચાના પ્રમુખો સાથે રાખી અને કોંગ્રેસ સક્રિય રીતે આગળ વધી રહી છે.તેમજ આગામી વિધાનસભામાં રાજકોટ જિલ્લામાં વિધાનસભાની તમામ સીટો પર કોંગ્રેસ કઈ રીતે જીતી શકે તેમના માટેનું માઈક્રો પ્લાનીંગ કરી રહી છે. આગામી દિવસોમાં જન્માષ્ટમી પછી તુરંત જ નવા કાર્યક્રમો તેમજ ચૂંટણી લક્ષી નવી કામગીરી નેતાઓ તેમજ કાર્યકર્તાઓ સુધી પહોંચાડી વધુમાં વધુ સક્રિય થશે અને પક્ષ તરફી વાતાવરણ બને તે માટેના પ્રયત્નો કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવશે. તેમ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ અર્જુનભાઈ ખાટરિયાની અખબારી યાદીમાં જણાવાયું છે.