ખર્ચનું માળખુ વિકાસ, મહિલા બજેટ અને પરિણામ લક્ષી અંદાજ પત્રના દસ્તાવેજો રજૂ ન થયાનો વિપક્ષનો આક્ષેપથી ચકચાર
ગુજરાત સરકારે વિધાનસભામાં તાજેતરમાં 2023-24 માટે જે રૂ . 3.01 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું છે તે સરકારના ખર્ચમાં 2022-23ના બજેટ કરતાં આશરે રૂ . 50,000 કરોડનો વધારો દર્શાવે છે , પરંતુ આ ખર્ચ અંગે જે વિગતો વિધાનસભાને કે ગુજરાતના ભારતીય નાગરિકોને પ્રાપ્ત થવી જોઈએ તે રાજ્યની ભાજપ સરકારે ચાર દસ્તાવેજો વિધાનસભા સમક્ષ રજુ નહિ કરીને છુપાવી છે .
આ દસ્તાવેજો છે. મધ્યમ ગાળા માટેના ખર્ચના માળખાનું પત્રક, પરિણામલક્ષી અંદાજપત્ર મહિલા અંદાજપત્ર અને વિકાસલક્ષી કાર્યક્રમ. આ ચારેય દસ્તાવેજો બજેટની વિગતોને સમજવા માટે તેમજ સરકારની મંશાનો અંદાજ મેળવવા માટે અત્યંત અગત્યના છે અને તેમ છતાં તે વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યા નથી તેમજ તે સરકારના નાણા વિભાગની વેબસાઈટ પર ઉપલબ્ધ થતા નથી. આ ચારેય દસ્તાવેજો હંમેશાં બજેટનો ભાગ રહેતા હતા અને તે બજેટ પ્રાન નંબર સાથે રજૂ થતા હતા . આ દસ્તાવેજો રજૂ ના થવાથી સરકારે સુશાસનના પારદર્શિતા અને ઉત્તરદાયિત્વના પાયાના સિદ્ધાંતોનો સરેઆમ ભંગ કર્યો છે.
મધ્યમગાળા માટેના ખર્ચના માળખાનું પત્રક
આ પત્રક રજૂ ના થવાથી 2022-23ને બજેટ રજૂ થયું ત્યારે તેમાં સરકારના જુદા જુદા વિભાગોના અને તેમના કાર્યક્રમો કે પ્રવૃત્તિઓના ખર્ચના 108 અંદાજો રજૂ થયા હતા. તેને લીધે વિધાનસભ્યોને અને નાગરિકોને સરકારનો ત્યો વિભાગ કયા કામ માટે હાલ કેટલું ખર્ચ કરે છે અને આગામી ત્રણ વર્ષમાં કેટલું ખર્ચ કરવાનો છે તેની જાણકારી મળતી હતી.
વિકાસ કાર્યક્રમ
સામાન્ય રીતે તે બજેટ પ્રકાશન નંબર -35 તરીકે રજૂ થતો દસ્તાવેજ છે. આ દસ્તાવેજ રજૂ નહિ કરીને ગુજરાત સરકારે તેના વિકાસ કાર્યક્રમ અંગેની વિગતો છુપાવી છે એટલું જ નહિ પરંતુ ગુજરાત સરકાર ગુજરાતનો કે તેના આશરે 6.5 કરોડ નાગરિકોનો વિકાસ કરવા માંગે છે કે નહિ તેના વિષે જ શંકા જાય છે . શું રાજ્ય સરકાર એમ માને છે કે હવે રાજ્યમાં વિકાસ કરવાની જરૂર છે જ ની કે પછી રાજ્યના તમામ 6.5 કરોડ લોકોનો વિકાસ થઈ ગયો છે અને હવે તેમનો વિકાસ કરવાની પણ જરૂર છે જ નહિ ?
મહિલા બજેટ
ગુજરાત સરકારે 2004 માં મહિલા વિકાસ નીતિની જાહેરાત કરી હતી. તે પછી મહિલા બજેટ રજૂ કરવાની શરૂઆત થઈ હતી.
તે રજૂ ના થતાં આ અંગેની અલગ માહિતી પ્રાપ્ત થતી નથી . 2022-23ના બજેટમાં અને અગાઉ જ્યારે જેન્ડર બજેટ રજૂ થતું હતું ત્યારે તેમાં 100 ટકા મહિલાઓ માટેની અને 30 ટકાથી 99 ટકા ખર્ચ મહિલાઓ માટે થવાનું હોય તેવી યોજનાઓની વિગતો આપવામાં આવતી હતી . પરંતુ હવે આ માહિતી પ્રાપ્ત થતી નથી .
પરિણામલક્ષી અંદાજપત્ર
ગુજરાત સરકારના બજેટમાં સામાન્ય રીતે આ દસ્તાવેજનો પ્રકાશન નંબર 56 રહેતો હતો . ગુજરાતમાં તે રજૂ કરવાની પ્રથા 2017-18થી શરૂ થઈ હતી . તેનો મુખ્ય હેતુ અંદાજપત્રીય જોગવાઈઓને વિવિધ યોજનાઓનાં વિકાસનાં પરિણામો સાથે સાંકળવાનો હોય છે . તે સરકારની અગ્રતાઓ , નિર્ણયો , ઉદ્દેશો અને કાર્યક્રમોને મૂર્ત સ્વરૂપ આપવામાં મદદરૂપ થાય છે . તેમાં આ ત્રણ બાબતો હોય છે : (1) જે હેતુ માટે નાણાંની જોગવાઈ કરવામાં આવી હોય તે (2) એ હેતુઓ સિદ્ધ કરવા માટે જે વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ વિચારવામાં આવ્યાં હોય તેનું ખર્ચ. (3) દરેક કાર્યક્રમ કે પ્રવૃત્તિ હેઠળ જે સેવા પૂરી પડાઈ હોય અથવા જે કામ થયું હોય તેનું જથ્થાત્મક વર્ણન.
આ બજેટમાં આગામી ત્રણ વર્ષમાં જુદા જુદા વિભાગોની મહત્ત્વની યોજનાઓ પાછળ કેટલું ખર્ચ થશે અને તેમાં શું સિદ્ધ થશે તેની વિગતો પ્રાપ્ત થતી હોય છે. એટલે કે નાણાંકીય લક્ષ્યાંકો અને ભૌતિક લક્ષ્યાંકો બંનેની વિગતો પ્રાપ્ત થાય છે. પરંતુ આ બજેટ રજૂ નહિ કરીને ખરેખર ભૌતિક સિદ્ધિઓ મેળવવામાં આવશે તેનો કોઈ અંદાજ સરકારે આપ્યો નથી. શું એનો અર્થ એ છે કે બજેટમાં ખર્ચ થશે પણ એ ખર્ચથી શું સિદ્ધ થશે એને વિષે સરકાર પોતે જ અજાણ છે, કે પછી અનિશ્ચિત છે?