ભાવ વધારો પાછો ખેંચવા કલેકટરને આવેદન
છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ અને ડીઝલમાં થઇ રહેલા સતત ભાવ વધારાના પગલે સુરેન્દ્રનગર જીલ્લાના કોંગ્રેસ કાર્યકર્તાઓ અને આપના કાર્યકર્તા દ્વારા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું છે. જેમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવવધારો પાછો ખેેંચવા તેમજ પાક વીમો મંજુર કરવાની માંગ કરવામાં આવી છે.હાલમાં કોવિડ-૧૯ વૈશ્ર્વિક મહામારીના કારણે જે ૩ માસનો લોક ડાઉન આપણા સમગ્ર દેશમાં કરવામાં આવેલ છે. તેનાથી લોકોને ધંધા રોજગારમાં આર્થિક નુકશાનના કારણે ગરીબ અને માઘ્યમ વર્ગની આર્થિક સ્થિતિ વધુને વધુ કથળી રહી છે તેમજ પરિવાર ચલાવવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે તેવા સમયમાં જયારે કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલીયમ પેદાશોના ભાવમાં જે ધરખમ ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે તે એક ગંભીર બાબત તેમજ સામાન્ય ગરીબ અને મઘ્યમ વર્ગના પરીવારો પર ગંભીર આર્થિક રીતે અસરકારક સાબિત થઇ રહ્યો છે. ત્યારે આમ આદમી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા જીલ્લાના ગરીબ-મઘ્યમ વર્ગની પરિસ્થિતિને ઘ્યાનમાં રાખીને આપ કલેકટર ડયુટી ધટાડી અને તત્કાલ ધોરણે ભાવ વધારો પાછો ખેંચવામાં આવે તેવી માંગ છે.