દેશની સૌથી જુની રાજકિય પાર્ટી કોંગ્રેસનું રાજકોટમાં કાર્યાલય નથી : પ્રમુખની ઓફીસ કે મકાન પક્ષનું કાર્યાલય
અગાઉ કાર્યકરોએ બે વખત કાર્યાલયના નામે નાણા ઉઘરાવ્યા પરંતુ તે એકત્ર કરાયેલા નાણાનો કોઈ હિસાબ ન હોવાની ઉઠતી ચર્ચા
કોંગ્રેસનો આજે ૧૩૪મો સ્થાપના દિન છે. આશ્ચર્ય ની વાત તો એ છે કે, દેશની સૌથી જુની રાજકિય પાર્ટી પાસે રાજકોટમાં પોતાનું કાર્યાલય નથી. રાજકોટમાં પ્રમુખની નિમણૂંક થાય એટલે પ્રમુખની ઓફિસને જ પક્ષનું કાર્યાલય બનાવી દેવામાં આવે છે. બાદમાં પ્રમુખ બદલે એટલે પક્ષનું કાર્યાલય પણ બદલે છે આ મુદ્દે એવી પણ ચર્ચા ઉઠે છે કે પાર્ટીના કાર્યકરોએ અગાઉ બે વાર કાર્યાલયના નામે નાણા ઉઘરાવ્યા છે પરંતુ તે એકત્ર કરાયેલા નાણાનો હાલ કોઈ હિસાબ નથી.
દેશની સૌથી જુની રાજકીય પાર્ટી કોંગ્રેસની સ્થાપના ૧૮૮૫માં થઈ હતી. આજરોજ કોંગ્રેસનો ૧૩૪મો સ્થાપના દિવસ છે. કોંગ્રેસે ૬૦ વર્ષ દેશમાં રાજ પણ કર્યું છે. આટલી મોટી સીદ્ધી હોવા છતાં કોંગ્રેસ પક્ષ રાજકોટમાં પોતાનું કાર્યાલય ખોલવામાં અસમર્થ રહ્યું છે. અચરજની વાત છે કે, દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસ રાજકોટમાં અત્યાર સુધી પોતાનું કાર્યાલય બનાવી શકી નથી. અત્યાર સુધી રાજકોટમાં જે કાર્યાલય હતા તે પ્રમુખની ઓફિસોમાં કાર્યરત હતા. રાજકોટમાં પ્રમુખ બદલવાની સાથે પક્ષનું કાર્યાલય પણ બદલ્યા રાખે છે.
રાજકોટ શહેરમાં જયારે જશવંતસિંહ ભટ્ટી પ્રમુખ હતા ત્યારે અમીધારા ખાતે આવેલી તેમની ઓફિસમાં શહેર કોંગ્રેસનું કાર્યાલય કાર્યરત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રમુખ હેમાંગ વસાવડા વખતે તેમના નિવાસ સ્થાને કાર્યાલય ઉભુ કરાયું હતુ. કુંવરજીભાઈ બાવળીયા પ્રમુખ હતા ત્યારે શ્રમજીવી સોસાયટીમાં તેમના નિવાસ સ્થાને પક્ષનું કાર્યાલય શ‚ કરાયું હતું. બાદમાં ઈન્દ્રનીલ રાજયગુરુ પ્રમુખ બન્યા ત્યારે રેસકોર્સ નજીક આવેલી તેમની ઓફિસ ખાતે પક્ષનું કાર્યાલય કાર્યરત કરાવાયું હતું. હાલ મહેશ રાજપુત શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ તરીકે કાર્યરત છે ત્યારે તેઓની સર્વેશ્વર ચોક ખાતે આવેલી ઓફિસે પક્ષનું કાર્યાલય શરૂ કરાયું છે. આમ કોંગ્રેસ પક્ષનું રાજકોટમાં કાર્યાલય નથી પ્રમુખની ઓફિસને જ કાર્યાલય બનાવી દેવામાં આવે છે. બાદમાં પ્રમુખ બદલવાની સાથે પક્ષનું કાર્યાલય પણ બદલે છે.
મળતી માહિતી પ્રમાણે અગાઉ બે વખત કાર્યકર્તાઓએ પક્ષના કાર્યાલયના નામે પૈસા ઉઘરાવ્યા હતા. પરંતુ આ એકત્ર કરાયેલા પૈસા કયાં ગયા તેનો કોઈ હિસાબ ન હોવાની ચર્ચાએ વેગ પકડયો છે.
કોંગ્રેસે ખોટાને આગળ કર્યા, સાચાને અવગણ્યા: ઈન્દ્રનીલ રાજયગુરુ
પૂર્વ કોંગ્રેસી અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરુએ આજે એક પત્રકાર પરિષદ બોલાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું કે, કોંગ્રેસ પક્ષે ખોટા લોકોને આગળ કર્યા છે અને સાચા માણસોને અવગણ્યા છે જે મુદ્દે તેઓ નારાજ હોવાથી કોંગ્રેસ પક્ષમાંથી દૂર થયા છે.
કોંગ્રેસે ખોટા લોકોને પ્રોત્સાહન આપ્યું એટલે અમારે ભોગવવું પડયું: મહેશ રાજપુત
શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ મહેશ રાજપુતે ઈન્દ્રનીલ રાજયગુરુના નિવેદન સાથે સહમત થતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે ખોટા લોકોને પ્રોત્સાહન આપ્યું હોવાથી તેઓને ભોગવવાનો વારો આવ્યો છે. કોંગ્રેસે ખોટા લોકોને આગળ કરીને ટિકિટોની વહેંચણી કરી હોવાથી ગત વિધાનસભા ચૂંટણીમાં ભોગવવું પડયું હતું. વધુમાં મહેશ રાજપુતે પક્ષના કાર્યાલય મુદ્દે જણાવ્યું કે, હાલ શહેરમાં પક્ષની પ્રોપર્ટી ન હોવાથી પ્રમુખની ઓફિસમાં કાર્યાલય કાર્યરત છે. તેઓ દ્વારા પક્ષના કાર્યાલયને શરૂ કરવા માટે પુરતા પ્રયાસો કરાશે. જો આ પ્રયાસો સફળ નિવડશે તો રાજકોટમાં પક્ષનું કાર્યાલય શરૂ થશે.