વોર્ડ નં.૧૩ની પેટાચુંટણીમાં કોંગ્રેસના આગેવાનો અપક્ષ ઉમેદવાર સંજયસિંહ વાઘેલાના પ્રચારમાં લાગ્યા: જોકે પક્ષે ટેકો જાહેર કર્યો ન હોવાની પ્રમુખ મહેશ રાજપુતની ચોખવટ
વોર્ડ નં.૧૩ની પેટાચુંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. કોંગ્રેસના સતાવાર ઉમેદવાર નરશી પટોરિયાએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ફોર્મ પાછું ખેંચી ભાજપનો કેશરીયો ખેસ ધારણ કરી લેતા કોંગ્રેસની હાલત કફોડી બની જવા પામી છે. પોતાની આબ‚ બચાવવા માટે કોંગ્રેસ અપક્ષ ઉમેદવારને પાછળથી ટેકો જાહેર કર્યો હોય તેવું લાગી રહ્યું છે. છાશ લેવા જવુ ને દોણી સંતાડવા જેવો કોંગ્રેસનો ઘાટ થયો છે. કારણકે કોંગ્રેસના આગેવાનો અપક્ષ ઉમેદવાર સંજયસિંહ વાઘેલાના પ્રચારમાં જોરશોરથી લાગી ગયા છે.
બીજી તરફ કાર્યકારી પ્રમુખ મહેશ રાજપુતે એવી ચોખવટ પણ કરી છે કે કોંગ્રેસે અપક્ષને ટેકો જાહેર નથી કર્યો પરંતુ આગેવાનોએ અંગત ટેકો જાહેર કર્યો છે. જે રીતે કોંગ્રેસના આગેવાનો વોર્ડ નં.૧૩માં અપક્ષ ઉમેદવાર સંજયસિંહ વાઘેલાના પ્રચારમાં લાગી ગયા છે તે પરથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે કોંગ્રેસે અપક્ષને ટેકો જાહેર કરી દીધો છે પરંતુ આ વાત પક્ષ સ્વિકારતું નથી. શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપુતે એવી ચોખવટ કરી છે કે અપક્ષ ઉમેદવાર સંજયસિંહ વાઘેલાને કોંગ્રેસ પક્ષે નહીં પણ અમે શહેર કોંગ્રેસના આગેવાનોએ અંગત ટેકો જાહેર કર્યો છે અને આજે બપોરે રેલીનું પણ આયોજન કર્યું છે અને મારા નિવાસ સ્થાને એક બેઠક પણ રાખવામાં આવી છે.