પેલો મારી ઓફિસવાળો મનીષ સાવ નક્કામો છે…..હોપલેસ….
પેલી બાજુવાળી મીનાક્ષી ..કઇ જાતના કપડા પહેરે છે….શોભે છે એને?…
અરે આ રવિભાઇનો દિકરો જ જૂઓને…છે કોઇ સંસ્કાર?…મેં તે દિવસે કોફીશોપમાં છોકરી સાથે જોયો…
આ બધા ફિલ્મ સ્ટાર્સ….કમ્પલીટ કેરેક્ટલેસ પીપલ….
સરકારના કાંઈ ઠેકાણા છે નહીં…આ લોકો દેશ શું ચલાવવાના??
શુ ખરેખર આપણી આસપાસના મોટાભાગના લોકો ખરાબ છે ? આપણને બધા જ લોકોમાં, બધી જ બાબતોમાં કંઇકને કંઇક ખોડખાપણ દેખાય છે તો એ લોકોને આપણામાં કંઇ ખોડખાપણ નહીં દેખાતી હોય?..કે પછી મારામાં કંઇ વાંધાવચકા કાઢવા જેવું હશે જ નહી?
લોકડાઉનના શરુઆતના ખાસ્સા લાંબા તબક્કામાં જ્યારે આસપાસથી લોકો જ ગાયબ થઇ ગયા, દરેકમાંથી વાંધાવચકા જોઇ લેનારું, પામી લેનારું આ મગજ સ્હેજ નવરું પડ્યું ત્યારે આ બધા વિચારો આવવા માંડ્યા.
આ જ વિચારોની આંગળી પકડી; જ્યારે લોકડાઉને આપેલા એકાંતની કેડીએ ચાલી નીકળ્યો ત્યારે સફરમાં કંઇક કેટલાયે સમજણના મૂકામ જડ્યા . એ જ સમજણની આપ સહુ સાથે લ્હાણી કરું છું.
કોઇ પણ વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહ વિષે એક ક્ષણમાં વગર વિચારે કોઇ અભિપ્રાય બનાવી આપણે સહુ કોઇ એક નિર્ણય પર પહોંચી જઇએ છીએ…
શું કામ?…કોઇ વિશેષ કારણ છે આપણી પાસે આમ કરવા માટે? શું હું એ વ્યક્તિને એટલી સારી રીતે ઓળખું છું? …મારે કોઇને માટે કંઇક ઉતરતું બોલવું જરુરી છે?..શાંત મને ,મારા એકાંતના સંગાથે મને જવાબ મળ્યો.. ’ના’.
તોયે કેમ આમ?
ધીમે ધીમે મનના વલોણામાં વિચારો વલોવાયા અને છેવટે સમજણનું માખણ તરી આવ્યું.
જ્યારે આપણા વિષે કોઇ સ્હેજ ઉતરતું બોલે કે કોઇ અભિપ્રાય બાંધે છે ત્યારે આપણો ઘવાયેલો અહમ્ તરત બૂમો પાડવા માંડે છે કે “મારા સંજોગોથી તું સાવ અજાણ છે..હું જેમાંથી પસાર થયો છું એની તને કંઇ ખબર જ નથી…મારા વિષે આ રીતનો અભિપ્રાય કે મંતવ્ય બનાવી લેવાનો તને કોણે અધિકાર આપ્યો?” અને જ્યારે કોઇ અન્યનો અહમ્ આપણાથી ઘવાય છે ત્યારે એનું મન પણ આવી જ ચીસો પાડતું હશે એ હકીકતનો છડેચોક અસ્વીકાર કરી એના કારણો અને સંજોગોની અવગણના કરતા રહીએ છીએ.
રસ્તા પર ચાલતાં કોઇ કાચ કે અરીસા આગળથી પસાર થતાં વખતે પોતાના પ્રતિબીંબને જોઇ લેવાની તક આપણે ક્યારેય ચૂકતા નથી .આપણે સહુ અરીસાના જીવ છીએ.પોતાની જાતનાં પ્રતિબીંબ જોવાની ટેવ પડી ગઇ છે આપણને. હા, પોતાના અરીસામાં, પોતાના પ્રતિબિંબમાં દેખાતી , પોતાની જાતને પ્રેમ કરવામાં કંઇ ખોટું નથી જ પણ; તકલીફ તો ત્યારે શરુ થાય છે જ્યારે; પોતાની જાતને પ્રેમ કરવાની આ ટેવ વ્યસન બની અન્યના અરીસાઓ માં ડોકિયું કરવા, પારકાં પ્રતિબિંબોને નફરત કરવા, પોતાનાથી વામણા ચીતરવા આપણને મજબૂર કરી દે છે.
પોતાની સ્હેજ અમથી ભૂલ તરફ કોઇ અન્ય અંગૂલીનિર્દેશ કરે તો તરત આપણે આપણા પોતાના બચાવપક્ષના વકીલ (મયરયક્ષભય હફૂયિ) બની, પોતાના પક્ષમાં દલીલો કરવા માંડીએ છીએ; પણ વાત જો બીજાના અવગુણો કે ભૂલ તરફ આંગળી ચીંધવાની આવે ત્યારે એક ક્ષણનો વિચાર કર્યા વગર આપણે ન્યાયાધીશની ખૂરશી પર બેસી ન્યાય કરી ચૂકાદો પણ સંભળાવી દઇએ છીએ.
આપણે જ્યારે અન્ય માટે સત્ય જાણ્યા વગર ઉતરતી વાતો કરીએ છીએ ત્યારે એ ભૂલી જઇએ છીએ કે એ નકારાત્મક ઉર્જા આપણને વધારે નુકશાન કરે છે.
મને પોતાને એવી ટેવ હતી કે ગાડી ચલાવતા વખતે આસપાસથી કોઇ ખોટી રીતે ડ્રાઇવીંગ કરે તો હું બૂમો પાડતો, ગુસ્સે થતો; ત્યારે મારી પત્ની મને હંમેશા કહે કે “આપણી ગાડીના કાચ બંધ છે; તારી બૂમો મારે અને તારે પોતે સાંભળવી પડે છે..જેને કારણે, જેને માટે તેં આ ગુસ્સો કર્યો એ તો ક્યાંય નીકળી ગયો.”
આજે આટલા વખતે સમજાયું છે કે અન્ય માટે કંઇક ઉતરતું બોલીએ છીએ ત્યારે આપણા પોતાના ચરિત્રનો પડઘો જ એમાં વધારે સંભળાય છે. સમાજસુધારક બનવા કરતાં ; સ્વ સુધાર પર સ્હેજ કામ કરશું તો સ્વને અને સમાજને એનો ચોક્કસ ફાયદો થશે.
’અહમ્’ અને ’અહંકાર’ એ બંને સાવ જૂદી વાત છે. ’હું છું’ એ પોતાના અસ્તિત્વની અનુભૂતિ છે જે હોવી જ જોઇએ ; પરંતુ એ ’હું છું’ની જગ્યા જ્યારે ’હું કોણ છું’ લઇ લે છે ત્યારે એ અહંકાર બની જાય છે.
ટૂંકમાં પોતાના અસ્તિત્વની જેમ , પોતાના અહમ્ ની જેમ અન્યના અહમ્ અને અસ્તિત્વને ઠેસ પહોંચાડવાનો આપણને કોઇ અધિકાર જ નથી અને સાચું પૂછો તો જરુરત પણ નથી જ.
સુખી થવાનો અને સુખી કરવાનો એક જ સરળ રસ્તો હોઇ શકે…દરેકને પોતપોતાના અરીસા મુબારક, પોતપોતાના પ્રતિબીંબ મુબારક… મોજ કરોને યાર.