જૂનાગઢ ડિવિઝનના બાહોશ, કડક અને ફરજ સાથે સેવાના આગ્રહી એવા ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા 2018 ના વર્ષ માટે યુનિયન હોમ મિનિસ્ટર્સ મેડલ ફોર એક્સલન્સ ઇન ઇન્વેસ્ટિગેશન એવોર્ડ મળતા, જૂનાગઢ રેન્જના ડિઆઇજી મનીંદર પ્રતાપસિંહ પવાર, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી, રાજ્યભરના પોલીસ અધિકારીઓ, કર્મીઓ, શુભેચ્છકો દ્વારા અભિનંદન આપવામાં આવી રહ્યા છે. સને 2018 ની સાલથી ભારત સરકાર દ્વારા દેશના જુદા જુદા રાજ્યની પોલીસ દ્વારા કરવામાં આવતી પોલીસ તપાસ સારી રીતે કરવામાં આવે તે હેતુથી ખૂબ જ સારા ઇન્વેસ્ટિગેશન માટે પ્રોત્સાહિત કરવા માટે કેન્દ્રના ગૃહ મંત્રાલય દ્વારા મેડલ આપી સન્માનિત કરવામા આવે છે.
સને 2018 ના વર્ષમાં જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને ભાવનગર શહેર ખાતે 2012 ની સાલમાં બનેલ ડબ્બલ મર્ડરના કેસમાં નમૂનેદાર પોલીસ તપાસ કરી, ટ્રાયલ દરમિયાન ભાવનગર સેસન્શ કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદની સજા કરવામાં આવતા, ગૃહ મંત્રાલય દ્વારા 2018 ના વર્ષ માટે યુનિયન હોમ મિનિસ્ટર્સ મેડલ ફોર એક્સલન્સ ઇન ઇન્વેસ્ટિગેશન આપી, સૌપ્રથમ સન્માનિત કારવાનું નક્કી કરવામાં આવેલ હતું, અને ગઈકાલે તા. 29/5/2022 ના રોજ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે પોલીસ આવાસના લોકાર્પણ સમારોહ કાર્યક્રમમાં ભારત સરકારના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના વરદ હસ્તે અત્યાર સુધી આ મેડલ મેળવેલ જૂનાગઢના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા સહિત 10 જેટલા પોલીસ અધિકારીઓને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાત રાજ્યના પોલીસ વડા ડીજીપી આશિષ ભાટિયા, એડીજીપી ટી.એસ.બિસ્ત, વિકાસ સહાય, કે.એલ.એન.રાવ, બ્રજેશકુમાર ઝા, આઈજીપી. વી.ચંદ્રશેખર, સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં ગૃહ મંત્રાલય મેડલથી અલંકૃત કરવામાં આવ્યા હતા.
શું હતો, ભાવનગર ડબ્બલ મર્ડર કેસ..?
તા. 25/10/2022 ના રોજ ભાવનગર ખાતે એ ડિવિઝન પોલીસ સ્ટેશન (હાલમાં નિલમબાગ પોલીસ સ્ટેશન) વિસ્તારના તખતેશ્વર પ્લોટ વિસ્તારમાં આવેલ તિરૂપતિ ફ્લેટમાં ફરિયાદી સભાજીત પાંડેના પત્ની સંગીતાબેન (ઉવ.40) તથા પુત્ર દેવેશ (ઉવ.11) ની હત્યા કરેલી લાશ મળી આવેલ હતી. આ ગુન્હો અનડિટેકટ હતો. હત્યા કોના દ્વારા કરવામાં આવેલ હતી, તે પહેલેથી જ નક્કી ના હતું.
ભાવનગર શહેરમાં બનેલ આ બેવડી નિર્મમ હત્યાએ ભાવનગર પંથકમાં ચકચાર જગાવેલ હતી. આ ચર્ચાસ્પદ કેસની તપાસ તત્કાલીન ભાવનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનનના પોલીસ ઇન્સ. અને હાલ જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા હાથ ધરવામાં આવેલ હતી. આમ, આરોપી સુધીશ દયાશંકર દ્વિવેદીને આજીવન કેદની સજા કરાવનાર ભાવનગરના તત્કાલીન પોલીસ ઇન્સ. અને હાલના જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાની ચકચારી બેવડી હત્યાના ગુન્હાની તપાસમાં ગુન્હો શોધી કાઢવા ઉપરાંત, સાયન્ટિફિક પુરાવાઓ, સાયોગિક પુરાવાઓ, વિગેરે પુરાવાઓ આધારેની સફળ તપાસ બદલ ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા 2018 ના વર્ષ માટે યુનિયન હોમ મિનિસ્ટર્સ મેડલ ફોર એક્સલન્સ ઇન ઇન્વેસ્ટિગેશન માટે પસંદગી કરવામાં આવેલ હતી.