સુરેન્દ્રનગર જીલ્લાના લોકસભાના સાંસદ અવાર-નવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનો અને સોશ્યલ મીડીયામાં મેસેજને કારણે ચર્ચામાં આવી ચુક્યા છે ત્યારે ફરી એકવાર સાંસદ ડો.મહેન્દ્ર મુંજપરાએ સોશ્યલ મીડીયામાં દુ:ખ વ્યક્ત કરવાને બદલે અભિનંદન પાઠવતી કોમેન્ટ કરતાં ચર્ચામાં આવ્યાં હતાં અને આ મુદ્દે લોકોમાં રોષ જોવા મળ્યો હતો મળ્યો હતો જો કે સાંસદે પોતાની ભુલની જાણ થતાં આ બાબતે સોશ્યલ મીડીયામાં પોસ્ટ કરી દિલગીરી વ્યક્ત કરી હતી.
મળતી માહિતી મુજબ તાજેતરમાં રાજ્યના પૂર્વ નાણામંત્રી અને ધ્રાંગધ્રાના પનોતાપુત્ર એવા અરવિંદભાઈ સંઘવીનું દુ:ખદ નિધન થયું હતું અને તેમના નિધનથી સમગ્ર જીલ્લા સહિત રાજ્યભરમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી અને સોશ્યલ મીડીયામાં પણ પૂર્વ નાણામંત્રીના નિધન અંગે શહેરીજનો, રાજકીય આગેવાનો, જાગૃત નાગરિકો, બુધ્ધિજીવી લોકો સહિતનાઓએ પણ આ અંગે દુ:ખ વ્યક્ત કરતા મેસેજ અને પોસ્ટ સોશ્યલ મીડીયામાં મુકી શ્રધ્ધાંજલી વ્યક્ત કરી હતી જે પૈકી કોઈ એક જાગૃત નાગરિક દ્વારા પૂર્વ નાણામંત્રીના નિધન અંગે સોશ્યલ મીડીયામાં પોસ્ટ કરી હતી ત્યારે આ પોસ્ટમાં શહેરીજનો સહિત અનેક લોકોએ દુ:ખ વ્યક્ત કરી ઓમ શાંતિ સહિતની અનેક કોમેન્ટો કરી શ્રધ્ધાંજલી પાઠવી હતી.
પરંતુ સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ ડો.મહેન્દ્ર મુંજપરાએ દુ:ખી લાગણી વ્યક્ત કરવાને બદલે પોસ્ટમાં કોંગ્રેચ્યુલેશન (અભિનંદન)ની કોમેન્ટ કરી હતી ત્યારે સાંસદની આ પ્રકારની કોમેન્ટથી રાજકીય માહોલ ગરમાયો હતો અને અનેક ચર્ચાઓ વહેતી થઈ હતી. જો કે બાદમાં સાંસદે તેઓના સોશ્યલ મીડીયાના સંચાલક દ્વારા ભુલથી કોંગ્રેચ્યુલેશન લખાઈ ગયું હોવાનું જણાવ્યું હતું.