પ્રેક્ષક ગેલેરી ખોલવાના મુદ્દે કોંગ્રેસે કર્યો મેયરનો ઘેરાવ
બોર્ડમાં ૭૪ પ્રશ્નને બદલે માત્ર એક પ્રશ્ન પર જ ચર્ચા તે પણ અધુરી
રાજકોટ મહાનગરપાલિકામાં આજે મળેલી જનરલ બોર્ડની બેઠકમાં વિરોધ પક્ષ કોંગ્રેસે પ્રેક્ષક ગેલેરી ખોલાવાના મુદ્દે ભારે ધમાલ મચાવી હતી. પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવા માટે મળતો એક કલાકનો પ્રશ્નોતરીકાળ આ ધમાલમાં ધોવાઈ ગયો હતો. બોર્ડમાં ૭૪ પ્રશ્નો રજુ થયા હતા.જે પૈકી માત્ર એક જ પ્રશ્નની ચર્ચા થઈ હતી તે પણ અધુરી થવા પામી હતી. વેતન વધારા સહિતના અનેક મુદ્દે જાણે ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો ભાઈ-ભાઈ બની ગયા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. નગરસેવકોના વેતન વધારાની દરખાસ્ત સર્વાનુમતે મંજુર કરવામાં આવી હતી.આજે જનરલ બોર્ડની બેઠકમાં ૩૦ કોર્પોરેટરોએ ૭૪ જેટલા સવાલો રજુ કર્યા હોય બોર્ડ તોફાની બની રહે તેવી સંભાવના પહેલેથી જ વર્તાતી હોય મહાપાલિકા કચેરી રિતસર છાવણીમાં ફેરવાઈ ગઈ હતી.
ગેરલાયક ઠરેલા કોંગી નગરસેવિકા ધર્મિષ્ઠાબા જાડેજાને બદલે પોલીસે ઉર્વશીબા જાડેજાને સભાગૃહમાં આવતા અટકાવતા ભારે વિવાદ સર્જાયો હતો. બોર્ડના પ્રશ્નો તરીકાળમાં આજે સૌપ્રથમ કોર્પોરેટર બાબુભાઈ આહિરના વૃક્ષારોપણના પ્રશ્ન અંગે ચર્ચા શરૂ થઈ હતી. જોકે ચર્ચા પૂર્ણ થાય તે પહેલા જ કોંગ્રેસે જનરલ બોર્ડમાં છેલ્લા ઘણા સમયથી બંધ પ્રેક્ષક ગેલેરી ખોલવાના મુદ્દે ધમાલ મચાવી હતી. કોંગ્રેસના મહિલા નગરસેવિકાઓ પ્રેક્ષક ગેલેરી ખોલવાની માંગ સાથે મેયરની વ્હેલ સુધી ધસી ગયા હતા અને પ્રેક્ષક ગેલેરી ખોલશે કે નહીં ? તેવા પ્રશ્નોનો જવાબ માંગ્યો હતો. આ ધમાલ ૪૦ મીનીટ સુધી ચાલતા પ્રશ્નોતરીકાળનો મોટાભાગનો સમય વેડફાય ગયો હતો. બોર્ડમાં કોંગી નગરસેવકોએ સુત્રો પણ પોકાર્યા હતા.
આજે જનરલ બોર્ડમાં ચાર મુખ્ય દરખાસ્ત ઉપરાંત પાંચ અરજન્ટ બિઝનેસ દરખાસ્ત રજુ કરવામાં આવી છે. જેમાં શ્રી અરવિંદભાઈ મણીયાર પુસ્તકાલયના બોર્ડમાં મહાપાલિકાના પ્રતિનિધિ તરીકે દુર્ગાબા જાડેજાની નિમણુક કરવામાં આવી હતી. કોર્પોરેટરોના માનદ વેતન અને ભથ્થામાં વધારો કરવાની દરખાસ્ત સર્વાનુમતે બહાલ કરાઈ હતી. ટીપી સ્કીમ નં.૧ (રૈયા)ના અંતિમ ખંડ નંબર ૧૨/૭૬માં બગીચા હેતુના પ્લોટમાં આવેલી સોમનાથ સોસાયટી-૩ને રહેણાંક હેતુફર કરવાની દરખાસ્તને પણ બહાલી આપવામાં આવી હતી જયારે મહાપાલિકામાં (આઈટી)ની જગ્યા પર સંજીવ ગોહિલની નિમણુક કરવામાં આવી છે.આ ઉપરાંત બોર્ડમાં સભા અધ્યક્ષ મેયર બીનાબેન આચાર્યએ ત્રણ શોક ઠરાવ રજુ કર્યા હતા. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈ, પૂર્વ નગરસેવક પ્રફુલચંદ્ર પરસોતમભાઈ કકકડ અને પૂર્વ નાણામંત્રી તથા રાજકોટના રાજવી મનોહરસિંહજી જાડેજાના દુ:ખદ અવસાન બદલ બોર્ડમાં શોક ઠરાવ પસાર કરી બે મિનિટનું મૌન પાળી અંજલિ અર્પણ કરવામાં આવી છે.સાગઠિયાની બાલીસતા: બોર્ડમાં નીતિન ભારદ્વાજને પગે લાગ્યા!પ્રેક્ષક ગેલેરી ખોલવા માટે હાથ જોડીને આજીજી કરી: ખુદ ભારદ્વાજે ઘટનાને વખોડી કાઢી
સઘ્ધર અને સક્ષમ વિપક્ષને લોકશાહીનો આધારસ્તંભ ગણવામાં આવે છે પરંતુ રાજકોટવાસીઓના નશીબ જાણે ફુટી ગયા હોય તેમ મહાપાલિકામાં શાસકોને હફાવે તેટલા વિપક્ષી સભ્યોની સંખ્યા હોવા છતાં પ્રજાના પ્રશ્નો અંગે કયારેય તંદુરસ્ત ચર્ચા થતી નથી.
આજે મહાપાલિકામાં મળેલી જનરલ બોર્ડની બેઠકમાં વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠિયાએ પોતાની બાલીસતા પ્રગટ કરી હતી. પ્રેક્ષક ગેલેરી ખોલાવવાની માંગ સાથે તેઓ ભાજપના સિનીયર કોર્પોરેટર નિતીનભાઈ ભારદ્વાજને પગે લાગતા અન્ય નગરસેવકોને ભારે આંચકો લાગ્યો હતો જોકે આ ઘટનાને ખુદ ભારદ્વાજે વખોડી કાઢી હતી.
નિતીનભાઈ ભારદ્વાજે જણાવ્યું હતું કે, વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયાએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી જેવું બાલીસતા ભર્યું કૃત્ય કર્યું છે. લોકસભામાં રાહુલે પણ વડાપ્રધાનને ગળે મળ્યા હતા જયારે આજે જનરલ બોર્ડની બેઠકમાં વશરામ સાગઠિયા મને પગે લાગ્યા હતા.
વાસ્તવમાં આ વાત વ્યાજબી ગણાવી શકાય નહીં. છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ જનરલ બોર્ડની બેઠક ચાલવા દેતું નથી. દર બે મહિને મળતી બોર્ડ બેઠકમાં પ્રજાના પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ જેના બદલે કોંગ્રેસ ખોટી ધમાલ કરે છે.
ધર્મિષ્ઠાબાના બદલે પોલીસે ઉર્વશીબા જાડેજાને બોર્ડમાં જતા અટકાવ્યા: વિવાદ
કોંગ્રેસે આ મુદ્દે બોર્ડમાં ધડબડાટી બોલાવી બોર્ડ પૂર્વે અનેક કોંગી આગેવાનોની અટકાયત
રાજકોટ મહાનગરપાલિકામાં આજે સવારે જનરલ બોર્ડની બેઠક મળી હતી. વોર્ડ નં.૧૮ના કોંગી નગરસેવિકા ધર્મિષ્ઠાબા જાડેજાને કોર્પોરેટરપદે ગેરલાયક ઠેરવવામાં આવ્યો હોય તેઓ માટે બોર્ડમાં પ્રવેશબંધી લાદી દેવામાં આવી હતી. દરમિયાન આજે એસીપી ભરતભાઈ રાઠોડ સહિતના પોલીસ સ્ટાફે ધર્મિષ્ઠાબાને બદલે ઉર્વશીબા જાડેજાને બોર્ડમાં અટકાવતા ભારે વિવાદ સર્જાયો હતો. આ અંગે કોંગી કોર્પોરેટરોએ જનરલ બોર્ડમાં ભારે હંગામો મચાવ્યો હતો અને ત્યારબાદ પોલીસ કમિશનરને પણ ઉગ્ર રજુઆત કરી જવાબદારો સામે પગલા લેવાની માંગ કરી હતી.
બોર્ડમાં વોર્ડ નં.૧૮ના ગેરલાયક ઠરેલા કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજા માટે પ્રવેશબંધી હોય આજે મહાપાલિકા પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું ત્યારે ધર્મિષ્ઠાબા જાડેજા જેવો થોડો ઘણો ચહેરો ધરાવતા વોર્ડ નં.૧૨ના કોર્પોરેટર ઉર્વશીબા જાડેજાને કોર્પોરેશનમાં ફરજ માટે હાજર એસીપી ભરતભાઈ રાઠોડ સહિતના પોલીસ સ્ટાફે અટકાવી દીધા હતા.
ઉર્વશીબાએ કોર્પોરેટર તરીકેનું આઈકાર્ડ બતાવ્યું છતાં પોલીસે રૌફ જમાવી બોર્ડમાં જતા અટકાવતા ભારે વિવાદ સર્જાયો હતો. આ મુદ્દો બોર્ડમાં પણ ગાજયો હતો અને મોટાભાગના નગરસેવકોએ આ ઘટનાને વખોડી કાઢી હતી. કોંગ્રેસ દ્વારા આ અંગે પોલીસ કમિશનરને પણ રજુઆત કરી જવાબદારો સામે પગલા લેવાની માંગણી કરી છે.