મોદીની હત્યાનું વિવાદાસ્પદ નિવેદન કરનારા મધ્યપ્રદેશના પૂર્વ મંત્રી રાજા પટેરિયા વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ
મધ્યપ્રદેશના પૂર્વ મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતાએ ’વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરો’ તેવું જાહેર મંચ પરથી નિવેદન કરતા ભારે ઉહાપો મચ્યો છે. જો કે, નિવેદન મામલે ઉહાપો મચતા હાલ તેમણે પોતાનું નિવેદન ફેરવી તોળ્યું છે. હાલ તેમના વિરુદ્ધ આઇપીસીની વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધાયો છે.
મધ્ય પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી રાજા પટેરિયાનું વિવાદીત નિવેદન સામે આવ્યું છે. તેમના નિવેદનમાં રાજા પટેરિયાને કથિત રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાની વાત કરતા સાંભળી શકાય છે. જોકે હવે તેઓ પોતાના આ નિંદનીય નિવેદનથી બિલકુલ વિપરીત વાત કરી રહ્યા છે. પટેરિયાએ પોતાના નિવેદન વિશે જણાવ્યું કે, તેઓ ફક્ત વડાપ્રધાન મોદીને આવનારી લોકસભા ચૂંટણીમાં હરાવવા માંગે છે અને કયારેક ફ્લોમાં આવી વાત નીકળી જાય છે. ભારતીય જનતા પાર્ટીએ તેમના નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરીને કોંગ્રેસ પાર્ટી પર નિશાન તાક્યું છે.
મળતી માહિતી અનુસાર, કોંગ્રેસના દિગ્ગજ નેતા રાજા પટેરિયાએ રવિવારે મધ્ય પ્રદેશના પન્નામાં કોંગ્રેસ ર્કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. કથિત વાયરલ વીડિયોમાં તેમને કહેતા સાંભળી શકાય છે કે, મોદી ઈલેકશન ખતમ કરી નાખશે.મોદી ધર્મ, જાતિ અને ભાષાના નામ પર લોકોમાં ભાગ પાડશે. દલિતો, આદિવાસીઓ અને લધુમતિઓનું જીવન ખતરામાં છે. એટલે સંવિધાન બચાવવું હોય તો મોદીની હત્યા માટે તૈયાર રહો. જ્યારે આ નિવેદન બાદ તે કહે છે, હત્યા એટલે ચૂંટણીમાં હાર.
આ વીડિયો સામે આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ રાજા પટેરિયાના બેફામ નિવેદનને આડે હાથે લીધું છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ મામલે કહ્યું કે, ભારત જોડોનો ઢોંગ કરનારાઓનો અસલી ચહેરો આ નિવેદનથી સામે આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. કોંગ્રેસ નેતાઓના વાણીવિલાસ પર તેમણે કહ્યું કે, વડાપ્રધાનની બરાબરી કરી ન શકનારા નેતાઓ તેમની હત્યાની વાતો કરે છે.
મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ પટેરિયાના નિવેદન પર જણાવ્યું કે, આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે આ મહાત્મા ગાંધીની કોંગ્રેસ નથી. તેમણે વિવાદીત નિવેદનના જવાબમાં વિવાદીત નિવેદન આપતા કહ્યું કે, આ ઈટાલીની કોંગ્રેસ પાર્ટી છે, એટલે મુસોલિનીની માનસિકતાથી ચાલે છે. તેમણે પન્નાના એસપીને પટેરિયા સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે. મધ્ય પ્રદેશ પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને આઈપીસી કલમ 451, 504, 505, 506 અને 153 અંતર્ગત કેસ નોંધ્યો છે.