દૂધસાગર રોડ પર ઢોર પકડ પાર્ટી સાથે 200થી વધુ લોકોના ટોળાંએ કરી જબ્બરી માથાકૂટ: રોડ પરથી પકડેલા ઘેટાં-બકરા ઢોર ડબ્બા સુધી પહોંચે તે પહેલા જ મકબૂલ દાઉદાણીએ ટ્રેક્ટરની ટ્રોલીમાંથી પશુઓને ઉતારી દીધા: એસઆરપી જવાનો પણ લાચાર બની તમાસો નિહાળતા રહ્યાં
રાજમાર્ગો પરથી રખડતા-ભટકતા ઢોર પકડતી કોર્પોરેશનની ઢોર પકડ પાર્ટીએ છાશવારે માલધારીઓ સાથે ઘર્ષણમાં ઉતરવું પડે છે. આજે સવારે શહેરના સામા કાંઠા વિસ્તારમાં કોંગ્રેસના કોર્પોરેટર મકબુલ દાઉદાણીએ હોદ્ાનો દૂરઉપયોગ કરી દાદાગીરી સાથે ઢોર પકડ પાર્ટીએ પકડેલા ઘેટાં-બકરાને ગણતરીની મિનિટોમાં છોડાવી લીધા હતા. આ તમાસો કોર્પોરેશનના અધિકારીઓ મુકપ્રેક્ષક બની માત્ર નિહાળતાં રહ્યા હતા. પોલીસ ફરિયાદ કે અન્ય કોઇ કાર્યવાહી કરવાનું પણ માંડી વાળ્યું હોય તેવું લાગી રહ્યું છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે સવારે કોર્પોરેશનની ઢોર પકડ પાર્ટીની ટીમ શહેરના દૂધસાગર રોડ પર નીકળી હતી. અહિં મોટી સંખ્યામાં અમૂક લોકોએ રોડ પર જ ઘેટાં અને બકરાને બાંધી રાખ્યા હતા અને તેને ઘાસચારો આપી રહ્યા હતા. જેને પકડવા માટે કામગીરી હાથ પર લેવામાંઆવતા જ બબાલ જ શરૂ થઇ જવા પામી હતી. ગણતરીની મિનિટોમાં 150થી 200 લોકોનું ટોળું એકત્રિત થયું ગયુ હતું અને ઢોર પકડ પાર્ટીના સ્ટાફ સાથે બેફામ ગાળાગાળી પર ઉતરી આવ્યું હતું. બંદોબસ્ત માટે હાજર એસઆરપીનો સ્ટાફ પણ તમાસો જોતો રહ્યો હતો. દરમિયાન આ વેળાએ વોર્ડ નં.15ના કોંગ્રેસના કોર્પોરેટર મકબુલ દાઉદાણી આવી ચડ્યા હતા. તેઓએ રિતસર દાદાગીરી કરી હતી અને રોડ પરથી પકડેલા ઘેટાં-બકરા ભરેલું ટ્રેક્ટર ઢોર ડબ્બે પહોંચે તે પહેલા જ રોડ પર આ ટ્રોલીમાં ચડી ગયા હતા અને તમામ ઘેટાં-બકરાને છોડાવી દીધા હતા. નગરસેવકની આ દાદાગીરીનો વિડિયો પણ વાયરલ થયો છે. 200 લોકોનું ટોળું એકત્રિત થઇ જવાના કારણે ઢોર પકડ પાર્ટીનો સ્ટાફ કે એસઆરપી જવાનો પણ કશું કરી શક્યા ન હતા. માત્ર પોલીસ સ્ટેશનમાં ફરજમાં રૂકાવટની અરજી આપવાની તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
રોજની માથાકૂટ છતા ઢોર પકડ પાર્ટી મક્કમ: 319 પશુઓ પકડી લેવાયા
શહેરના આજી ડેમ, ખોડીયાર પરા, આજી વસાહત, માઠા ડુંગર, માન સરોવર તથા આજુબાજુમાંથી 17 પશુઓ, મારવાડીવાસ, બંસીધરપાર્ક, રૈયાધાર, રૈયાગામ, સાધુવાસવાણી રોડ, ગોપાલચોક, રૈયાધાર એનિમલ હોસ્ટેલ પાસે રામેશ્વરપાર્ક, એસ.જી. હોસ્પિટલ પાસે ક્રિષ્નાપાર્ક તથા આજુબાજુમાંથી 35 પશુઓ, પોપટપરા, રેલનગર, જંકશન પ્લોટ, ઉગતા પોળની મેલડી, શીતલપાર્ક ગાર્બેજ, નાગેશ્વર મેઇન રોડ, 25વારિયા ચિથરિયા પીરની દરગાહની પાછળની સોસાયટી, નંદનવન ગેટ પાસે, જામનગર રોડ, છોટુનગર મેઇન રોડ, વોરા સોસાયટી, કૃષ્ણનગર તથા આજુબાજુમાંથી 40 પશુઓ, મુંજકા ગામ, પ્રેમ મંદીર, મોટા મૌવા, કટારીયા ચોક્ડી, કોકોનટ પાર્ટી પ્લોટ પાસે, વગળ ચોકડી, કણકોટ પાટીયા, સિધ્ધી વિનાયક સોસાયટી, ઇસ્કોન મંદીર પાસે તથા આજુબાજુમાંથી 28 પશુઓ, શ્રી રામ સોસાયટી, રણછોડનગર, ગાર્ડન રેસ્ટોરંટ પાસે, ન્યુ શક્તિ સોસાયટી, આર્યનગર, ત્રિવેણીનગર, ભગવતીપરા મેઇન રોડ સાકરીયા બાલાજી ચોક, સરસ્વતીનગર ચોક, બેડીપરા, ચામુંડા સોસાયટી, કુવાડવા રોડ, લાલપરી, શિવમ પાર્ક, માર્કેટ યાર્ડ, માલધારી સોસાયટી, 56નીયા ક્વાર્ટર, પ્રધ્યુમન પાર્ક મેઇન રોડ, જય જવાન જય કિશાન સોસાયટી, હુડકો ક્વાર્ટર, નરસિંહનગર, તિરૂપતી બાલાજી પાર્ક, બાલક્રુષ્ણ સોસાયટી, ગોકુલ આવાસ ની પાસે ભગવતી પરા પુલ નીચે તથા આજુબાજુમાંથી 53 પશુઓ, જીવરાજ પાર્ક, અંબીકા ટાઊનશીપ, ખોડીયાર પરા, મવડી મેઇન રોડ, મવડી પોલીસ હેડ ક્વાર્ટર પાસે, ફોર્ચુન વિવાંતા પાસે, મવડી ગામ, મવડી એનિમલ હોસ્ટેલ પાસે પાસે, અંકુર વિદ્યાલય મેઇન રોડ, માલધારી ચોક, તથા આજુબાજુમાંથી 26 પશુઓ તેમજ અન્ય વિસ્તારોમાંથી મળી કુલ 319 પશુઓ પકડવામાં આવેલ છે.