કોરોનાગ્રસ્ત ધારાસભ્ય રાજકોટની સિનર્જી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ
કોંગ્રેસના જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરીયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. હાલ આ ધારાસભ્યને રાજકોટની સિનર્જી હોસ્પિટલના આઇસોલશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
જામનગર જિલ્લાના જામજોધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયાને કોરોના પોઝિટિવ આવતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા છે. બીજી બાજુ આરોગ્ય વિભાગ દ્વારા જામજોધપુરમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નીકળતા આરોગ્ય તંત્ર ઊંધામાથે થઈ ગયું છે. ધારાસભ્ય અનેક લોકોના સંપર્કમાં આવ્યા હોય આરોગ્ય તંત્રએ તેઓના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ શરૂ કરીને તેઓને ક્વોરન્ટાઇન કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
ધારાસભ્ય ચિરાગ કાલરીયા રાજકોટની સિનર્જી હોસ્પિટલના આઇસોલશન વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તેઓ ચૂંટણી દરમિયાન મતદાન કરવા પણ ગયા હતા. જેથી આરોગ્ય વિભાગે કોન્ટેક્ટ હિસ્ટ્રી તપાસી તેના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઇન કરવાની કામગીરી હાથ ધરી છે. તાજેતરમા અનેક નેતાઓ કોરોનાના સંક્રમણમાં આવ્યા છે. જેમાં ધારાસભ્ય ચિરાગ કાલરીયાનું નામ પણ ઉમેરાયું છે.