પોલીસની ઢીલી નીતિ થકી અત્યાચારનો ગ્રાફ ઉંચકાયો હોવાનો દાવો
કચ્છ જીલ્લાનાં રાપર ખાતે ધોળા દીવસે ભરબજાર વચ્ચે ધારાશાસ્ત્રી દેવજીભાઈ મહેશ્વરીની ઘાતકી હત્યા કચ્છ જીલ્લામાં કથળેલી કાયદો વ્યવસ્થા અને પોલીસની ધાક અને ભુમીકા ઉપર અનેક સવાલ ઉભા કરે છે ત્યારે કચ્છ જીલ્લામાં કાયદો વ્યવસ્થા સુદ્રઢ બનાવવામાં આવે તેવી રજુઆત કચ્છ જીલ્લા કોંગ્રેસ સમીતીનાં મહામંત્રી ડો.રમેશ ગરવાએ ગુજરાત રાજયના પોલીસ વડા આશીષ ભાટીયાને પત્ર પાઠવી માંગણી કરેલ છે. ગુજરાત રાજયના પોલીસ વડા આશીષ ભાટીયાને પાઠવેલ પત્રમાં જણાવ્યું છે કે કચ્છ જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી દલીત અત્યાચારના બનાવો વધ્યા છે. પોલીસ પણ એટ્રોસીટી જેવા ગંભીર ગુન્હામાં આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરતી નથી. તાજેતરમાં નખત્રાણા તાલુકાના પાલનપુર (બાંડી) ગામના ભાજપ સમર્થક સરપંચ ઉપર એટ્રોસીટીની કલમો સાથે નોંધાયેલ ગુન્હામાં પશ્ચિમ કચ્છ એસ.સી. પોલીસ વિભાગે બી-સમરી દાખલ કરી ગુન્હો નથી બનેલ તેવું દર્શાવવામાં આવ્યું છે.તો કડલા પોર્ટ ખાતે ચાલુ ફરજે જેટી ઉપરથી દરીયાનાં પાણીમાં પડીને મોતને ભેટેલા દલીત કર્મચારીના મોતના બનાવમાં બેદરકારી દાખવનાર કંડલા પોટનાં અધીકારીઓ વિરૂધ્ધ બનાવના ત્રણ વર્ષ પછી પણ પોલીસે એન્ટ્રોસીટી એકટ હેઠળ ગુન્હો નોંધ્યો નથી. તપાસના નામે મરણજનારના પરીવારને ત્રણ વર્ષથી ધકકા ખવડાવવામાં આવી રહયા છે.તો વીસ દીવસ અગાઉ ગાંધીધામ ખાતે વ્યાજખોરો,કંડલા પોર્ટના અધીકારીઓ અને ઠેકેદારોનાં ત્રાસના લીધે આત્મહત્યા કરનાર દલીત વાલ્મીકી સમાજના યુવાનનાં મોતમાં આત્મહત્યા પુર્વેની વિડીયો કલીપ,આત્મહત્યા પહેલા લખેલ ચિઠીમાં તમામ આરોપીઓનાં નામજોગ ઉલ્લેખ છતાં બનાવના વીસ દીવસ પછી પણ એક પણ આરોપીની ધરપકડ કરવામાં આવેલ નથી,રામપર વેકરાનાં દલીત યુવાનની જમીનનાં મામલામાં એટ્રોસીટીના ગુન્હાના આરોપી નખત્રાણાનાં તાલુકા વિકાસ અધીકારીનાં સ્થાનીકે જામીન નામંજુર થયા હોવા છતાં પોલીસે આજદીન સુધી ધરપકડ કરવામાં આવેલ નથી. પોલીસ આવા એટ્રોસીટીના ગુન્હામાં આરોપીઓની ધરપકડ નહી કરીને સ્થાનીકે અથવા તો નામદાર હાઈકોર્ટમાંથી આગોતરા જામીન મેળવી શકે તે માટે પોલીસ દ્વારા ઈરાદા પુવક ઢીલી નીતી અપનાવવામાં આવી રહી છે. આમ આવા દલીત અત્યાચારના અનેક બનાવો કચ્છમાં અવારનવાર બને છે, છતાંય પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. પરીણામે દલીતો વિરૂધ્ધ અત્યાચાર કરનારાઓ વધુ બેફામ બનતા હોય છે.જેથી કચ્છ જીલ્લામાં દલીત અત્યાચારનાં ગુન્હામાં જવાબદારો સામે તાત્કાલીક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સાથે ડો.રમેશ ગરવા દ્વારા પત્ર લખીને ધારદાર રજૂઆત ગુજરાત રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાને કરવામાં આવી છે.