રિજીયોનલ ફાયર સેફટી ઓફિસર સાથેની બેઠકમાં બિલ્ડરોએ પ્રશ્નો પુછયાં
સુરેન્દ્રનગરમાં નિયમ પહેલાં બનેલી 100થી વધુ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીની સુવિધા મુદ્દે ગૂંચવણ રહેણાક અને વાણિજ્યિક ઇમારતોમાં ફાયર સેફ્ટીની સુવિધા સરકારે ફરજિયાત કરી છે. સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાએ 39 ઇમારતના બિલ્ડર-સંચાલકને નોટિસ ફટકારી છે પણ તેમાંથી માત્ર 1 બિલ્ડિંગમાં જ આ નિયમનો અમલ કરાયો છે. આ સ્થિતિમાં ફાયર સેફ્ટીના નિયમ પહેલાં બનેલી 100 ઇમારતમાં આ સુવિધા ઊભી કરવાનો મુદ્દો ગુંચવાયો છે.
ફાયર સેફટીની સુવિધા ઊભી કરવા માટે આ 100થી વધુ ઇમારતમાં કુલ રૂ. 5.20 કરોડ જેટલો ખર્ચ થવાનો અંદાજ છે અને આ ખર્ચ બિલ્ડિંગના વપરાશકારોના માથે આવે તેવી શક્યતા છે. આ સ્થિતિમાં 100થી વધુ બિલ્ડિગમાં ફાયર સેફટીની કામગીરી કોણ કરે તે સહિતની સમસ્યાના ઉકેલ માટે સુરેન્દ્રનગરમાં રિજિયોનલ ફાયર સેફ્ટી ઑફિસર અમિત ડોંગરેએ બેઠક યોજી હતી. રાજ્યની આ પ્રકારની સૌપ્રથમ બેઠકમાં બિલ્ડરોએ પ્રશ્નો રજૂ કર્યા હતા. ઉચી ઇમારતોમાં જયારે આગ લાગે ત્યારે અનેક લોકોના જીવ જોખમમાં મુકાઈ જાય છે.
સાથેસાથે મિલકતોને પણ નુકસાની થવાનો ભય રહે છે. આ માટે કોર્ટના આદેશ અનુસાર લો રાઇઝ અને હાઇરાઇઝ બિલ્ડિંગના માલિકોએ ફાયર સેફ્ટીની કામગીરી કરવી ફરજિયાત બનાવી છે. આ માટે સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત પાલિકાએ અત્યાર સુધીમાં 39 બિલ્ડિંગના માલિકોને નોટિસ પણ ફટકારી છે, જે પૈકી માત્ર 1 બિલ્ડિંગમાં ફાયરની કામગીરી કરવામાં આવી છે. આ નિયમ લાગુ નહોતો ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં જ અંદાજે 100 જેટલી બિલ્ડિંગ બનાવવામાં આવી હતી.
બિલ્ડરોએ વેચી દીધેલી બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીની કામગીરી કોણ કરે, તે મોટો પ્રશ્ન સર્જાતાં સુરેન્દ્રનગરમાં રિજિયોનલ ફાયર સેફ્ટી ઑફિસર અમિત ડોંગરેની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં પાલિકા પ્રમુખ વિરેન્દ્ર આચાર્ય, બિલ્ડરો અને એન્જિનિયરો હાજર રહ્યા હતા. આ બેઠકમાં બિલ્ડરોએ સમસ્યાઓ રજૂ કરી હતી. ફાયરના નિયમના અમલ માટે 15 દિવસ બાદ ફરીથી બેઠક બોલાવવામાં આવશે, જેમાં ચોક્કસ અને અસરકાર નિર્ણય લેવામાં આવશે.
બિલ્ડરોની આ મુખ્ય સમસ્યા છે
નિયમ પહેલાં બનેલી બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીનો ખર્ચ કોણ કરે? ફાયર સેફ્ટીની સગવડતા વગર બનાવેલી બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી કેવી રીતે કરવી? 9 મીટરની હાઇટના નિયમનો ઉપયોગ પહેલા માળથી કરવો. – ઓછા ખર્ચે નિયમનું પાલન થાય તેવું આયોજન કરવું.
એક લો રાઈઝ બિલ્ડિંગમાં 3.50 લાખ જ્યારે હાઈ રાઈઝમાં 12 લાખનો ખર્ચ થઈ શકે
સુરેન્દ્રનગરમાં પહેલાં લો રાઇઝ બિલ્ડિંગનો 4 માળ સુધી સમાવેશ થતો હતો. અત્યારે 5 માળ સુધી લો રાઇઝ બિલ્ડિંગનો નિયમ આવી ગયો છે. શહેરમાં વર્તમાન સમયે કોમર્શિયલ અને રેસિડેન્સ મળીને અંદાજે 100 જેટલી બિલ્ડિંગ આવેલી છે, જેમાં 85 જેટલી લો રાઇઝ બિલ્ડિંગ અને 15 જેટલી હાઇરાઇઝ બિલ્ડિંગ આવેલી છે. એક લો રાઇઝ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીનો ખર્ચ અંદાજે 3.50 લાખ જ્યારે હાઇરાઇઝ બિલ્ડિંગમાં આ ખર્ચ 12 લાખ સુધી થઈ શકે છે. આમ ફાયરનો કુલ ખર્ચ અંદાજે રૂ.5.20 કરોડ થાય તેમ છે.
જૂના બિલ્ડિંગમાં ફ્લેટધારકોએ ફાયર સેફ્ટી માટેનું આયોજન કરવું પડે તેવી સ્થિતિ
બિલ્ડર એસોસિયેશનના પ્રમુખ કે.સી. શાહે જણાવ્યું કે, શહેરમાં એવાં ઘણાં બિલ્ડિંગ આવેલાં છે, જે 10 વર્ષથી પણ જૂના છે. આ બિલ્ડિંગના પ્લાનમાં પણ ફાયર સેફ્ટીનો ઉલ્લેખ નથી. ફાયર માટેનું કોઈ પ્રોવિઝન નથી. આવા ફ્લેટમાં વર્ષોથી લોકો રહે છે. તો જે લોકો રહે છે તેમણે ફાયર સેફટી માટે આયોજન કરવું પડે. બિલ્ડરો તેમાં પેપર વર્કથી લઇને અન્ય બાબતોમાં સહકાર આપી શકે.