રજીસ્ટ્રી વિભાગના છ કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા તા.૧૫થી કોર્ટ કાર્યવાહી રાબેતા મુજબ થવામાં પડી મુદત
કોરોના વાયરસને અટકાવવા જાહેર કરાયેલા લોક ડાઉન બાદ તમામ ક્ષેત્રને અનલોક થયા છે પરંતુ કોર્ટ કાર્યવાહી તા.૧૫ જુલાઇથી અનલોક થાય તેમ હતી પરંતુ રજીસ્ટ્રી વિભાગના કર્મચારીઓને કોરોના પોઝિટીવ રિપોર્ટ આવતા અનલોક થવામાં તા.૧૭મી સુધીની મુદત પડી છે.
કોરોનાના કારણે લોક ડાઉન થયેલી કોર્ટ કાર્યવાહીથી કેટલાય વકીલો કફોડી હાલતમાં મુકાયા છે. રાજયમાં તમામ ક્ષેત્ર પુન: ધમધમતું થઇ ગયું છે ત્યારે કોર્ટ કાર્યવાહી પુન: શરૂ કરવા વકીલો દ્વારા ઉઠેલી માંગને ધ્યાને લઇ તા.૧૫ જુલાઇથી કોર્ટમાં અનલોક જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ હાઇકોર્ટ રજીસ્ટ્રી વિભાગના છ કર્મચારીઓને કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા કોર્ટના અન્ય ૧૭ જેટલા કર્મચારીઓને સલામતિના કારણોસર કોવિડ રિપોર્ટ કરવામાં આવ્યા છે. આ સંજોગોમાં કોર્ટ કાર્યવાહી પુન શરૂ કંઇ રીતે કરવી તે અંગે વિસ્તૃત ચર્ચા બાદ તા.૧૭ જુલાઇથી કોર્ટ કાર્યવાહી ચાલુ કરવા અંગે નિર્ણય કરવામાં આવનાર છે.
અનલોક જાહેર થયા બાદ સમગ્ર રાજયમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. તેમ છતાં કોર્ટ સિવાયના તમામ ક્ષેત્ર ચાલુ થઇ ગયા હોવાથી કોર્ટ કાર્યવાહી ચાલુ કરવાની વકીલોની માગને ધ્યાને રાખી હાઇકોર્ટના મુખ્ય ન્યાયધિશ દ્વારા આભાષી કોર્ટ શરૂ કરવા માટે પરિપત્ર બહાર પાડયો છે. ગઇકાલથી રાજયની સેશન્સ અને જ્યુડીશ્યલ કોર્ટ શરૂ થઇ છે ત્યારે રજીસ્ટ્રી વિભાગના ૧૭ જેટલા કર્મચારીઓને કોરોનાના શંકા સ્પદ જણાતા ત્રણ દિવસની મુદત પડી છે.