ભાજપ શાસિત કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક અને જનરલ બોર્ડની બેઠકમાં મંજૂરી અર્થે રજૂ કરવામાં આવેલી દરખાસ્તો અંગે નિર્ણય લેતા પૂર્વે કોર્પોરેટરોની સંકલન બેઠક મળે છે. જેમાં દરખાસ્તો મંજૂર કરવી કે નામંજૂર કરવી તેના અંગે નિર્ણય લેવામાં આવતા હોય છે. આજે બપોરે કોર્પોરેટરોની સંકલન બેઠકમાં ભારે હોબાળો સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. કમલમમાંથી કોર્પોરેટરો માટે ચૂપ રહેવાના ભેદી આદેશો છૂટ્યા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 63 દરખાસ્ત મૂકવામાં આવી હતી. જેમાં વોર્ડ નં.4માં ડામર કામ માટેની દરખાસ્તમાં ભાવ 28 ટકા જેવો ડાઉન આવ્યો હતો.
અલગ-અલગ વિસ્તારોમાં પેવરના કામમાં મોટો ડિફરન્સ, પાંચ લાખથી વધુનું કામ ટેન્ડર વિના મંજૂર કરી દેવાયા હોવાની પણ ફરિયાદો ઉઠી: એલ-1ના બદલે એલ-2ને ઝોનલ મેશનરી કોન્ટ્રાક્ટ આપવાની ઘાલમેલ: ભાજપના જ કોર્પોરેટરોમાં ભારે નારાજગી
જ્યારે બીજી તરફ વોર્ડ નં.18માં જ એક સરખા એટલે પેવર કામના કોન્ટ્રાક્ટ આપવામાં 32 ટકા જેટલી તોતીંગ ઓન આવતા કોર્પોરેટરો ચોંકી ઉઠ્યા હતા અને એક કામમાં 60 ટકા ભાવ ફેરની દરખાસ્ત નામંજૂર કરવા માટે પણ અંદરખાને ગણગણાટ શરૂ કર્યો હતો. જો કે, તેઓનું કશું ચાલ્યું ન હતું. વોર્ડ નં.5માં શાળા નં.72નું નવું બાંધકામ કરવા માટે પ્રતિચોરસ ફૂટ 17,500નો ખર્ચ મંજૂર કરવાની દરખાસ્ત આવી હતી. જેના પર ભારે ઉગ્ર ચર્ચા બાદ દરખાસ્ત નામંજૂર કરવાના બદલે પેન્ડિંગ રાખવામાં આવી હતી.
બીજી તરફ કોર્પોરેશનમાં પાંચ લાખથી વધુના કામ ટેન્ડર પ્રસિદ્વ કર્યા વિના કરવામાં આવતા નથી. આ રાજ્ય સરકારની ગાઇડલાઇન છે. છતાં તેનો ખૂદ શાસકો દ્વારા ઉલાળીયો કરવામાં આવ્યો છે. દિવાળી ઉત્સવની ઉજવણીનો ખર્ચ રૂ.70 લાખ જેવો હતો. આ દરખાસ્તમાં કમિશનર દ્વારા પણ એવું નોટીંગ કરવામાં આવ્યું છે કે કામ ટેન્ડર વિના આપવામાં આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટી પાસે માત્ર ખર્ચ મંજૂર કરવાની સત્તા છે. પૈસા ચૂકવવાની સત્તા કમિશનર પાસે છે. છતાં માત્ર ઉપરવટ જઇને દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે.
વર્ષ-2023-2024ના ઝોનલ મેશનરી, ઝોનલ રસ્તાકામ અને ઝોનલ ડ્રેનેજના કામનો કોન્ટ્રાક્ટ એલ.-1 પાર્ટીને આપવામાં આવતો હોય છે. પરંતુ એક એજન્સી એકથી વધુ વોર્ડમાં એલ-1 હોવા છતાં કામ રઝડે તેવું ખોટું બહાનું આગળ ધરીને એલ-2 કે એલ-3ને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આજે સંકલન બેઠકમાં કોર્પોરેટરોની નારાજગી રિતસર ચરમસીમાએ પહોંચી જવા પામી હતી. છતાં તેઓ માટે કમલમમાંથી એક લીટીમાં આદેશ છૂટ્યો હતો કે હાલ સ્થિતિ જોતા મોઢા ન ખોલવા અને શાંતિથી વહિવટ આગળ ચલાવવો દેવો.