‘અબતક’ના મોભી સતીષભાઈ મહેતાના પિતા સ્વ. શાંતિભાઈ મહેતાની વિદાયને આજે દશકો થયો
સમાજ માટે પોતાની જાત સમર્પિત કરી દેનાર વ્યકિત આપણી વચ્ચે ન હોવા છતા કયારેય ભૂલાતા નથી પર દુ:ખે દુ:ખી અને પર સુખે સુખી થનાર વ્યકિત માનસ પટ પર એક અલગ જ છાપ છોડી જતા હોય છે. વટ, વચનને ખુમારીના ત્રિવેણી સંગમ સ્વ.શાંતિભાઈ મહેતા આપણી વચ્ચે નથી તે વાતને આજે એક દશકો વિતી ગયો હોવા છતાં ગ્રામ્ય પંથકને કાયમી વિકાસના દશકામાં દોડતા કરનાર શાંતિભાઈની સ્મૃતિ સતત મન-હૃદયમાં સતત ધુમ્યા કરે છે. સેવા, સમર્પણ અને સર્વાંગી વિકાસના પ્રણેતાની કાર્યશૈલી સમાજને આપેલું તેઓનું પ્રદાન આજે પણ લોકોના હૃદયમાં અમીટ છે. આજે જયારે ગામડાઓનાં વિકાસની વાત થાય ત્યારે સૌ પ્રથમ શાંતિભાઈની યાદ આવે છે. આજે જયારે બધાને એવું લાગી રહ્યું છે કે દેશનો વિકાસ કરવો હશે તો ગામડાનો વિકાસ સૌ પ્રથમ કરવો પડશે ત્યારે શાંતીભાઈએ વર્ષો પહેલા આ વાત કરતા હતા એટલું જ આ વાતને જ તેઓએ પાયાનો સિધ્ધાંત બનાવ્યો હતો. પડધરીના સરપંચ પદે સતત ૨૦ વર્ષ સુધી સેવા આપી ત્યારે તેઓ ગ્રામ્ય પંથકના વિકાસની વાતને વળગી રહ્યા હતા. ૩૦મી જાન્યુઆરી ૨૦૦૯ના દિવસે તેઓ આ દુનિયાને અલવિદા કરી કાયમી માટે આપણી વચ્ચેથી જતા રહ્યા પરંતુ તેઓ એ આપેલા સંસ્કારોનો વારસો,દુરંદેશી, વિકાસની કેડી, ગ્રામ્પ પંથકમાં વસવાટ કરતા લોકોના જીવન ધોરણ સુધારવા માટેની સલાહ આજે પણ તેઓ સતત આપણી વચ્ચે હોવાની પ્રતિતિ કરાવી રહી છે. કોઈપણ વ્યકિત પોતાના સપના સાકાર કરવા માટે શહેર તરફ દોટ મૂકતા છે. ત્યારે એક ગર્ભશ્રીમંત મહેતા પરિવારમાં જન્મેલા શાંતિભાઈએ પોતાનો, પોતાના પરીવારનો અને પોતાના પંથકનો વિકાસ પોતાની આગવી કોઠાસુજથી પડધરી જેવા ગામડામાં બેઠા-બેઠા કર્યો.
ગ્રામ્ય પંથકને વિકાસના ટ્રેક પર મૂકવાનો સંપૂર્ણ શ્રેય જો કોઈને આપવો હોય તો ચોકકસ શાંતિભાઈને આપી શકાય.
મૂળ પડધરીના વતની અને ગ્રામ્ય પંથકમાં સખાવતી મહાજન અને ગરીબોના બેલી તરીકેની છાપ ધરાવતા સ્વ.શાંતિભાઈ ઓધવજીભાઈ મહેતાએ દાયકાઓ પૂર્વે પંચાયતી રાજની અસરકારક થકી ગામડાઓમાં લાઈટ, પાણી સફાઈ, સહિતની પ્રાથમિક સુવિધાઓ આપી સ્માર્ટ બનાવ્યા હતા. એકના અનેક કરવાના ગૂણ વાણીયાના દીકરાને ગળથુથીમાં મળે છે. આ વ્યાખ્યા સ્વ. શાંતિભાઈએ પોતાના વ્યવસાય સાથે ગામડાના વિકાસ કામોમાં પણ સારી રીતે અપનાવી જેનું પરિણામ આજે આપણે તેઓની હયાતથી નથી છતા સારી રીતે જોઈ શકીએ છીએ અને અનુભવી પણ શકીએ છીએ તેઓની હયાતી નથી તેને એક દશકો વિતી ગયો મહેતા પરિવારની સાથે ગ્રામ્ય પંથકના લોકો પણ તેમની પૂણ્યતીથીએ તેઓને યાદ કરે છે. અને ગામડાઓનાં વિકાસ માટે તેઓએ કંડારેલી કેડીને દૂર-દૂર સુધી જતી નિહાળે છે.
જીવન પર્યત તેઓ પોતાના સિધ્ધાંતોને વળગી રહ્યા હતા સેવા, સમર્પણ, સાદગી, સત્તકાર્યો, અને સંસ્કાર એમ પંચતત્વનો તેમનામાં અનોખો સંયોગ હતો. છેવાડાના માનવીને પણ પૂરતી સુવિધા મળવી જોઈએ, કયારેય ખોટુ કરવું નહીં, સમાજે સોંપેલી જવાબદારીનું ખંતપૂર્વક પાલન કરવું, પડકારોથી કયારેય ભાગવું નહી, તમામ લોકોનાં ચહેરા પર સદાય સ્મીત ચમકતું રાખવું ગામડાઓ જ ભારતનું હૃદય છે. તેવું તેઓ સ્પષ્ટ પણે માનતા હતા એટલે જ પડધરીના સરપંચ તરીકેના ૨૦ વર્ષના કાર્યકાળમાં તેઓએ પોતાની જાત ગ્રામ્ય પંથકના વિકાસ માટે સમર્પીત કરી દીધી હતી.
શાંતિભાઈએ પણ ગ્રામજનોની આ લાગણીને સંપૂર્ણ પણે ન્યાય આપીને પારિવારિક ધંધાના વિકાસ અને પરિવારની જવાબદારીની સાથે સાથે ગ્રામ સેવામાં ૨૪ કલાક પોતાની જાતને સમર્પિત કરી દીધી.
ગામમાં લાઈટ, ઘેર ઘેર નળ દ્વારા પાણીની સુવિધા, ગટરની વ્યવસ્થા ઉભી કરવામાં આવી, ગામના રસ્તા, સ્મશાન, અંતિમ વિશામા અને ગામના ચોરાથી લઈ ગામમાં વૃક્ષારોપણ, ગામ સૂશિભન અને લાઈટ, પાણી, રસ્તાની તમામ સુવિધાઓથી ગામને ખરા અર્થમાં ગોકુળીયું બનાવ્યુ હતુ.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્માર્ટ સિટી અને સ્માર્ટ ગામડાઓનો જે કન્સેપ્ટ આપ્યો છે તે ગામડાની સ્માર્ટનેસ શાંતિભાઈએ ગ્રામ્ય પંથકમાં દાયકાઓ પહેલા આપી હતી.
રોતા આવનારને હસ્તા મોઢે વિદાય આપવી, ભુખ્યાને જમાડવા, મુશ્કેલીમાં સપડાયેલાઓને મદદ કરવી, ગામમાં એવી સ્થિતિ જ ઉભી થાય કે લોકોને કોર્ટ કચેરીના ચકકરમાં ન પડવું પડે, પડધરી ગામમાં કયારેય ખાખીના આંટાફેરા ન થાય તે માટે શાંતિભાઈએ પોતાના સરપંચકાળમાં કયારેય આખી રાતની નિંદર નહોતી કરી મોડે સુધી જાગી વહેલી સવારે સુરજ ઉગે તે પહેલા શાંતિભાઈની સેવાનો ઘોડો દોડવા લાગતો હતો. ગાંધીજીની સત્ય,અહિંસા અને સરદાર વલ્લભભાઈ પટેલનું નિડર નેતૃત્વના સમન્વય જેવા શાંતિદાદાએ પડધરી અને સમગ્ર પંથકની જે સેવા કરી હતી તે આજે પણ લોકો યાદ કરે છે.
દાયકાઓ સુધી સરપંચ, જવામર્દ શાંતિદાદાને ભારતનાં ભામાશા સ્વ. દિપચંદ ગારડી પણ ખૂબજ ચાહતા હતા. તે કહેતા હતા કે, મારૂ પડધરી રૂડુ રૂપાળુ છે. તે પેરીસ જેવું છે પણ મને ખાતરી છેકે આ ગામનું સુખ શાંતિભાઈની સેવામાં જ છુપાયેલું છે. ૧૯૮૨માં પડધરીમાં દેરાસરની પ્રાણ પ્રતિષ્ઠામાં પણ દિપચંદભાઈ ગારડીએ શાંતિભાઈની સેવાનો સહારો લીધો હતો. શાંતિભાઈ હંમેશા ગામની દરેક સુવિધાઓ માટે તત્પર રહેતા, તેમને ગામમાં ઘેર-ઘેર નળ વર્ષો પહેલા પાકી શેરીઓ, સ્ટ્રીટલાઈટ, બગીચો, પશુ દવાખાનું, ચરખા કેન્દ્ર, કુવા ઉંડા ઉતારી ગામને પાણી માટે સ્વાવલંબી બનાવવું, ગર્લ્સ હાઈસ્કુલ, પુસ્તકાલય, કુતરાને રોટલા, કબુતરને ચણ, કીડીયા‚, ગીતાનગરમાં ગરીબો માટે ૨૫૦ મકાનો બનાવવાનું ઉત્તરદાયીત્વ જેવી સુવિધા શાંતિભાઈએ દાયકાઓ પહેલા ગામને આપી હતી.
ખેડુતો પાસેથી ઓછા ભાવે માલ પડાવી લેવાની વૃત્તિ સામે ખેડુતોને હંમેશા રક્ષણ આપ્યું હતુ. ખેડુતોના માલનો પોષણક્ષમ ભાવ મળી રહે તેની સદાયે શાંતિભાઈ ખેવના રાખતા હતા. ગાંધીજીના આદર્શ શાંતિભાઈના જીવનમાં ગાંધી વિચારધારા કાયમ હયાત રહી. ઈશ્વરે પણ એવા યોગ સર્જયા કે, ૩૦મી જાન્યુઆરીએ ગાંધી નિર્વાણ દિવસે જ શાંતિલાલ મહેતાએ દેહત્યાગ કર્યો. જીવનના છેલ્લા દિવસે પણ ચાર વાગ્યા સુધી માર્કેટીંગ યાર્ડની પેઢીએ કામકાજ કરીને સાંજે ઘેર આવ્યા ત્યારે બાળકોને ચોકલેટ આપી દાદાનું વ્હાલ પણ તેમણે આપ્યું હતુ. જીવનની છેલ્લી ઘડી સુધી કાર્યરત રહીને શાંતિભાઈએ જીવનમાં કર્મને જ ધર્મ બનાવવાનો આદર્શ જાળવી રાખ્યો હતો.
સાદગી તેઓના જીવનનો મૂળમંત્ર હતો પરિવારમાં અઢળક જાહોજલાલી છતા તેઓએ જીવન ભર ખાદીના વસ્ત્રો અને ખૂબજ સાદા ચપ્પલ ધારણ કરતા હતા. ગાંધીજીની વિચારધારાને વરેલા સ્વ. શાંતિભાઈએ ગાંધી નિર્વાણદિન અર્થાત ૩૦મી જાન્યુઆરીના રોજ જ દેહનોત્યાગ ર્ક્યો હતો. આજે તેઓ હયાત નથી તે વાતને એક દશકો વિતી ગયો. એક દશકો એટલે કહેવામાં માત્ર પાંચ શબ્દો પણ તેમની હયાતી વિનાનો એક એક દિવસ જન્મારા જેવો મહેતા પરિવાર તથા ગ્રામ્ય પંથકના લોકોને લાગી રહ્યો છે તેઓ સદેહ ભલે આજે આપણી વચ્ચે નથી.પરંતુ તેઓના કાર્યો આજે પણ તેઓની હયાતની સાક્ષી પૂરી રહ્યા છે.