ગુંસાઇજીની આરતી-તિલક તેમજ વધાઇ કીર્તનના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં યુવા વૈષ્ણવો જોડાયા: મોટીવેશન સ્પીકર અરૂણ દવે દ્વારા વૈષ્ણવોને પુષ્ટિ માર્ગ પ્રત્યે યુવાનોને પ્રેરિત કર્યા
શહેરની સ્વામીનારાયણ ચોક પાસે આવેલી સર્વોત્તમ હવેલી ખાતે ગોયેશકુમારજી મહારાજ અને ગૌસ્વામી પરાગકુમારજીની પ્રેરણાથી વિઠ્ઠલેશ પ્રભુચરણ પ્રાગટય મહોત્સવ નિમિતે પુષ્ટિ યુવા મંથન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં યુવા વૈષ્ણવો જોડાયા હતા.
કાર્યક્રમ પ્રારંભે ગુંસાઇજીની આરતી તિલક અને વધાઇનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખાસ આ મહોત્સવમાં યુવા મંથન અંતર્ગત જાણીતા મોટીવેશન સ્પીકર અને યુવા જાગૃતિના કાર્યક્રમો યોજતા અરૂણ દવે તેના મનનીય પ્રવચનમાં આજનો યુવાન ધર્મજીવનને સાંકળીને પોતાનો સંર્વાગી વિકાસ કરીને જીવનને સફળ બનાવી શકશે તેમ જણાવ્યું હતું. સમગ્ર આયોજનમાં યુવા વૈષ્ણવ રિમલભાઇ કટારીયા, નયન મકવાણા, નિતિનભાઇ દેપાણી, પ્રકાશભાઇ મેંદપરા, રઘુરાજ સિસોદીયા, કિશનભાઇ કાલરીયા, હરેન્દ્રભાઇ નથવાણી, પરેશભાઇ સીતાપરા, આશિષ વિસપરા સહિતના વૈષ્ણવો દ્વારા કાર્યક્રમને દિપાવ્યો હતો. કાર્યક્રમને અંતે સૌ વૈષ્ણવોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. સર્વોત્તમ હવેલી દ્વારા એસ થ્રી ના માઘ્યમથી આગામી દિવસોમાં શહેરના વિવિધ વિસ્તારો સાથે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં પુષ્ટિ યુવા મંથનના સેમીનારો યોજીને દેશના યુવા ધનને સક્ષમ બનાવવામાં આવશે.
‘પુષ્ટિ યુવા મંથન’માં યુવા વૈષ્ણવોને જોડાવવા અનુરોધ:રઘુભાઇ સિસોદીયા
સર્વોત્તમ હવેલી એસથ્રીના માઘ્યમ થકી દર માસમાં બે વાર યોજાતા પુષ્ટિ યુવા મંડળમાં યુવા વૈષ્ણવોને જોડાવા રઘુભાઇ સિસોદીયા અનુરોધ કર્યો હતો. આગામી દિવસોમાં શહેરના વિવિધ ભાગોમાં આવા સેમીનારો યોજવામાં આવશે. સર્વોત્તમ હવેલી દ્વારા યોજાતા વિવિધ સેવાકિય પ્રોજેકટના ભાગરુપે યુવા વૈષ્ણવોને જોડાવા આ આયોજન કરેલ છે.
આવા કાર્યક્રમો થકી છાત્રોને ઘણું જાણવા મળે છે: જાનવી મેંદપરા
પ્રાગટય મહોત્સવ નિમિતે યોજાયેલ પુષ્ટિ યુવા મંથનના કાર્યક્રમમાં ભાગ લઇ રહેલા ધો.11 ના છાત્ર જાનવી મેંદપરાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે આવા સેમીનારો થકી છાત્રોને ઘણું શિખવા મળે છે. આજનો યુવાન ધર્મ, સંસ્કૃતિક, વિજ્ઞાન સાથે દેશ સેવાના યોગદાન સાથે પોતાનો શ્રેષ્ઠ વિકાસ કરે તે ખુબ જ જરુરી છે.