પંજાબ નેશનલ બેન્ક કૌભાંડનો મુખ્ય આરોપી નીરવ મોદી યુકેમાં હોવાની ખાતરી થઈ છે. યુકે ઓથોરિટી દ્વારજ  આ વાત કન્ફર્મ કરવામાં આવી કે નીરવ મોદી તેમના દેશમાં જ છે. ત્યારપછી હવે સીબીઆઈ પ્રત્યાર્પણની અરજી આગળ વધારશે.

નોંધનીય છે કે પીએનબી કૌભાંડ સામે આવ્યા પછી નીરવ મોદી ઘણી વાર તેની જગ્યા બદલી ચૂક્યો છે. થોડા સમય પહેલાં જ એવું જાણવા મળ્યું હતું કે નીરવ મોદીએ સિંગાપોરની નાગરિકતા મેળવવા માટે પણ અરજી કરી હતી પરંતુ સિંગાપોરની સરકારે તેને નાગરિકતા આપવાની ના પાડી દીધી હતી.

સીબીઆઈ દ્વારા પીએનબી કૌભાંડમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં મેહુલ ચોકસી અને નીરવ મોદી સામે કેસ દાખલ કર્યો છે. કૌભાંડનો ખુલાસો થતાં જ બંને દેશ છોડીને ભાગી ગયા છે. ભારતીય તપાસ એજન્સી દ્વારા નીરવ મોદી અને મેહુલ ચોકસીને ભારત લાવવાનો સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. મેહુલ ચોકસી એન્ટીગુઆમા હોવાની અને તેને ત્યાંની નાગરિકતા પણ મળી ગઈ હોવાનું સામે આવ્યું છે. એન્ટીગુઆ સરકારે પણ આ વાતનો ખુલાસો કર્યો છે. ત્યારપછી ઈડીએ સંયુક્ત રાષ્ટ્ર સંઘના ભ્રષ્ટાચાર વિરુદ્ધ સંમેલન અંતર્ગત મેહુલ ચોકસીના પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.