આગામી ત્રણ દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના
લીલીયામાં ૩.૫ ઈંચ, અમરેલીમાં ૨.૫ ઈંચ, કોડીનારમાં ૨, ભેંસાણ, ખાંભામાં ૧.૫ ઈંચ, ધોરાજી, માંગરોળ, બગસરા, ઉના, વેરાવળ, ધારી, સાવરકુંડલામાં ૧ ઈંચ વરસાદ: ૨૪ કલાકમાં ૬૭ તાલુકાઓમાં વરસાદ
બંગાળની ખાડી અને તેની સાથે જોડાયેલા વેસ્ટ બંગાળમાં સાયકલોનીક સરકયુલેશન સર્જાર્યું છે જેની આગામી ૨૧મી જુને લો-પ્રેશરમાં પરીવર્તીત થઈ પશ્ર્ચિમ-ઉતર-પશ્ર્ચિમ તરફ આગળ વધે તેવી સંભાવના છે જેની અસરતળે આગામી ૨૮ થી ૨૧ જુન દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર રાજયમાં સારો વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના જણાઈ રહી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયનાં ૬૭ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.
હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર હાલ ઉતર બંગાળની ખાડી અને તેની સાથે જોડાયેલા પશ્ર્ચિમ બંગાળનાં વિસ્તાર પર એક સાયકલોનીક સરકયુલેશન સર્જાયુ છે જે આગામી ૨૧મી જુનનાં રોજ લો-પ્રેશરમાં પરીવર્તીત થઈ પશ્ર્ચિમ-ઉતર-પશ્ર્ચિમ તરફ આગળ વધશે જેની અસરનાં કારણે આગામી બે દિવસ કોંકણ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, બિહાર, ઉતર છતિસગઢ વિસ્તારમાં સારા વરસાદની શકયતા જણાઈ રહી છે. દરમિયાન લો-પ્રેશર બન્યા બાદ ૧૮ થી ૨૧ જુન દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક સારો વરસાદ વરસી શકે છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયમાં ૬૭ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જેમાં અમરેલીનાં લીલીયામાં ૩.૫ ઈંચ, અમરેલીમાં ૨.૫ ઈંચ, કોડીનારમાં ૨ ઈંચ, ભેંસાણ, ખાંભામાં ૧.૫ ઈંચ, ધોરાજી, માંગરોળ, બગસરા, ઉના, વેરાવળ, ધારી, સાવરકુંડલા, લાઠીમાં ૧ ઈંચ, જેતપુર, ઉમરાળા, વડીયા, તાલાલા, જામકંડોરણા, જુનાગઢ, વિસાવદર, સુત્રાપાડામાં અડધો ઈંચ જયારે માળીયા, ગારીયાધાર, તળાજા સહિતનાં સૌરાષ્ટ્રનાં અલગ-અલગ તાલુકાઓમાં જોરદાર ઝાપટા પડયા હતા. સતત વરસી રહેલા વરસાદનાં કારણે જળાશયોમાં પણ પાણીની આવક થઈ રહી છે. ફોફળ ડેમમાં ૦.૨૦ ફુટ, આજી-૨માં ૦.૩ ફુટ, ન્યારી-૧માં ૦.૩૩ ફુટ, છાપરવાડી-૨માં ૦.૯૮ ફુટ, મચ્છુ-૨માં ૦.૦૩ ફુટ, ડેમી-૨માં ૦.૧૬ ફુટ, બ્રાહ્મણી-૨માં ૦.૩૩ ફુટ પાણીની આવક થવા પામી છે. આજે સવારથી સૌરાષ્ટ્રનાં અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
વીજળી પડતા પાંચ તણાઇ જતા બે વ્યક્તિના મોત
સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં આ વર્ષે વહેલા પધારેલા મેઘરાજાએ પ્રારંભથી ભારે કૃપા વરસાવવાની શરૂઆત કરી છે. ગાજવીજ સાથે પધારેલા મેઘરાજાએ અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં એક જ દિવસમાં સાત લોકોને યમસદન પહોચાડી દીધા છે. જેમાં પાંચ લોકોના મૃત્યુ વીજળી પડવાથી જયારે બે લોકોના પૂરમાં તણાઈ જવાથી મૃત્યુ થવા પામ્યા છે. દરિયામાં માછીમારી કરી રહેલા ઉના તાલુકાના સેંજળીયા ગામના જીણા પરમાર ઉ.૩૦ અને રાજુ રાઠોડ ઉ.૪૫ પર વીજળી પડતા બંને મૃત્યુ થયાછે. દરિયામાં તણાયેલા આ બંને માછીમારોના મૃતદેહને શોધવા દરિયામાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ગિરગઢડા તાલુકાના ઈટવાયા ગામે ખેતી કરી રહેલી ત્રણ મહિલાઓ પર વીજળી ત્રાટકી હતી જેમાં વનિતાબેન રઘુભાઈ વાઘેલા નામની મહિલાનું ગીરગઢડાની સરકારી હોસ્પિટલમાં મૃત્યુ થવા પામ્યું હતુ જયારે ઈજાગ્રસ્ત બે મહિલાઓની સારવાર ચાલી રહી છે. જયારે અમરેલી જિલ્લામાં ત્રણ અલગ સ્થશને પડેલી વીજળીના કારણે બગસરાનાં ૧૫ વર્ષિય કિશોર સ્પંદન વઘાસીયાનું લાઠી તાલુકાના અકાળા ગામના ૨૩ વર્ષિય યુવતી પારસબેન સોજીત્રાનું જયારે ધારી તાલુકાના છતાડીયા ગામના ૨૨ વર્ષિય યુવતી સંગીતા મોલાડીયાનું મૃત્યુ થવા પામ્યા છે. જયારે ખેતરેથી પરત ફરી રહેલા કુંકાવાવ તાલુકાના અમરાપૂર ગામનો ખેડુત પરિવારનું બળદગાડુ નદીમાં આવેલા પૂરમાં તણાઈ ગયું હતુ દુર્ઘટનામાં કોમલ ગોવાડીયા નામની યુવતીનું મૃત્યુ થયું હતુ. જયારે આ બળદગાડામાં રહેલા અન્ય પાંચ વ્યકિતઓને બચાવીલેવાય હતા. આ બંને જિલ્લામાં ગઈકાલે પડેલા ભારે વરસાદ અને પડેલી વીજળીના કારણે આઠ પશુઓના પણ મૃત્યુ થવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
વેર્યા છે બીજ મેં તો છુટે હાથે હવે વાદળ જાણને જાણે વસુંધરા
સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસ થવા મેધરાજા મન મૂકીને વરસી રહ્યા છે ભગવાન પણ જાણે હેત વરસાવી રહ્યા હોય ત્યારે કલ્યાણપુર મથકના રમણલભાઇ ગાંજીયા નામના ધરતીપુત્ર પોતાના ખેતરમાં વાવણી વાવતા વાવતા કહે છે કે વેર્યા છે બીજ મેં તો છુટે હાથે હવે વાદળ જાણે ને જાણે વસુંધરા…….
મેઘરાજાની વહેલી ‘શ્રીકાર’ કૃપાથી ખરીફ પાકનું વાવેતર ૧૩ ટકા વધશે
દક્ષિણ – પશ્ર્ચિમ ચોમાસાના સમયસરના આગમનના પગલે દેશના મઘ્ય અને પશ્ર્ચિમ ભાગના મોટાભાગના વિસ્તારોમાં શ્રીકાર વરસાદ પડી રહ્યો છે. જેનાથી ખેતી અને વિવિધ પાકો માટે સાનુકુળ વાતાવરણ, કૃષિ વિકાસ અને મબલખ પાકનું ઉત્૫ાદન થાય તેવા સંજોગો ઉભા થયા છે. આ વર્ષે કૃષિક્ષેત્ર પર કુદરતની મહેર ઉતરવાની અને મબલખ પાકનું ઉત્પાદન થાય તેવી સંભાવના વ્યકત થઇ રહી છે. ભારતમાં બે અઠવાડિયા પહેલા શરૂ થયેલી ચોમાસુ સિસ્ટમથી આ વર્ષે ૧૬ આની થાય તેવા અણસાર વર્તાય રહ્યા છે. આંધ્ર પ્રદેશ વિસ્તારમાં સર્જાયેલા હવાના હળવા દબાણથી વાતાવરણમાં વરસાદ સાનુકુળ પરિવર્તન આવ્યું છે જેને લઇને આગામી બે દિવસમાં જ ચોમાસુ સારી રીતે સક્રિય થઇ જશે.
દેશના હવામાન વિભાગના અઘ્યક્ષ શિવાનંદ પાઇએ જણાવ્યું હતું કે હવાનું આ બીજું હળવું દબાણ દેશના પૂર્વ વિભાગમાં સર્જાયેલી ચોમાસાની પરિસ્થિતિ ઉત્તર તરફ આગળ વધે તેવું દેખાય રહ્યું છે જેને લઇને દેશના દક્ષિણ, પશ્ર્ચિમ, મઘ્ય અને અન્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ થશે ઉત્તર અને પૂર્વમાં પણ સારા વરસાદની પરિસ્થિતિ જળવાય રહેશે. આ વખતે દેશના મોટાભાગના વિસ્તારોમાં પ્રારંભિક તબકકે દેશના વાર્ષિક વરસાદના ત્રીજા ભાગનો વરસાદ થઇ ચુકયો છે જે ખેતીના ઉત્પાદન અને ગ્રામ્ય રોજગારી વધારતી ખરીફ મોસમની વાવણી માટે લાભકારક બન્યું છે આ વખતે ખરીફ પાકના વાવેતરનું પ્રમાણ ૧૩ ટકા વધવા પામશે.
ગુજરાત, બિહાર, ઝારખંડમાં ૧પ જુન મહારાષ્ટ્રમાં ૧૪ જુન અને તેલગાંણામાં ૧ર જુનને પ્રમાણમાં એક પખવાડીયા પહેલા ચોમાસાનું પ્રારંભ થઇ ચુકયું છે. પ્રથમ બે અઠવાડીયામાં જ ૩૧ ટકા જેટલો વરસાદ વરસી ચુકયો છે. દેશમાં જ મઘ્ય ભારતમાં આ વખતે સામાન્યના બદલે ડબલ વરસાદ થવા પામ્યો છે. અને ઉત્તર પૂર્વ વિસ્તારોમાં સામાન્ય રીતે હજુ વરસાદની અછત વર્તાય રહી છે. હજુ આ વિસ્તારોમાં સામાન્યથી ૪ ટકા ઓછો વરસાદ નોંધાયો છે. પરંતુ આ વખતે આ વિસ્તારમાં પણ સામાન્ય થી સવાયો વરસાદ થાય તેવું વર્તાય રહ્યું છે. આ વખતે સમયથી પહેલા શરૂ થયેલો વરસાદ કાર્ય ક્ષેત્રના વિકાસ માટે મુખ્ય આધાર બને તેવા સંજોગો ઉભા થવા પામ્યા છે.