ગુજરાતમાં મતદાન પૂર્ણ થયાના સપ્તાહ બાદ આચાર સંહિતામાં થોડી છૂટછાટ
લોકસભાની ચૂંટણીના ત્રીજા તબકકાના મતદાનમાં ગુજરાતની તમામ ૨૬ બેઠકો માટે ગત ૨૩મી એપ્રીલના રોજ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા બાદ ચૂંટણી પંચ દ્વારા હવે આચારસંહિતામાં સામાન્ય છૂટછાટ આપવામાં આવી છે. સરકારી અધિકારીઓ તથા કર્મચારીઓને રજા લેવાની મંજૂરી આપવામાં આવી છે.
લોકસભાની ચૂંટણીની તારીખોનું એલાન ગત ૯મી માર્ચના રોજ કરવામાં આવ્યા બાદ દેશભરમાં આદર્શ આચારસંહિતા લાગુ થ, જવા પામી છે. તમામ સરકારી કામો પર પાબંધી લાગી દેવામાં આવી છે. દરમિયાન ત્રીજા તબકકાનાં મતદાનમાં ગુજરાતની તમામ ૨૬ બેઠકો માટે મતદાન પૂર્ણ થયા બાદ નવમા દિવસે આચાર સંહિતામાં થોડી છૂટછાટ આપવામાં આવી છે.
અત્યાર સુધી તમામ સરકારી કર્મચારી કે અધિકારીઓની રજા પર પાબંધી લગાવી દેવામાં આવી હતી દરમિયાન ચૂંટણી પૂર્ણ થયા બાદ શાળા કોલેજોમાં વેકેશન શરૂ થતા કેટલાક કર્મચારીઓએ રજાની માંગણી કરી હતી જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. અને અધિકારીઓ તથા કર્મચારીઓની રજા મંજૂર કરવામાં આવી છે.
લોકસભાની ચૂંટણીનું સાતેય તબકકાનું મતદાન આગામી ૧૯મી મેના રોજ પૂર્ણ થશે ત્યારબાદ ૨૩મી મેના રોજ તમામ બેઠકોની મતગણતરી હાથ ધરવામાં આવશે અને ચૂંટણી પ્રક્રિયા ૨૭મી મેના રોજ પૂર્ણ થયા બાદ આચાર સંહિતા સતાવાર રીતે ઉઠશે