21મી સદી જ્ઞાનની સદી તરીકે ઓળખાય છે: ડો.ગિરીશભાઇ ભીમાણી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હર હંમેશ વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ ભવિષ્ય માટે તેને ઉપયોગી કાર્ય કરે છે. ત્યારે વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત વિષયમાં સંશોધન કરતા વિદ્યાર્થીઓ અસરકાર અને હેતુપૂર્ણ સંશોધન કરી શકે તે માટે પાંચ દિવસીય રેસિડેન્શિયલ રિસર્ચ મેથોડોલોજી કોર્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રિસર્ચ ફોર રિસર્જન્સ ફાઉન્ડેશન, નાગપુરના સંયુકત ઉપક્રમે તા.21 થી 25 સપ્ટેમ્બર રેસિડેન્શિયલ રિસર્ચ મેથોડોલોજી કોર્સનું આયોજન સ્ટેટેસ્ટિક ભવનના ઓડિટોરીયમમાં કરાયું હતું. જેમાં વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત વિષયમાં સંશોધનકર્તા 100 જેટલા સહભાગીઓ ભાગ લીધો હતો.ગત દિવસે સમાપન સત્રમાં રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.ગીરીશભાઇ ભીમાણી અને ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના અમીબેન ઉપાધ્યાય, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના લલીતભાઇ પટેલ, આરએનઆરએફના ડિરેકટર પ્રો.રાજેશ બીનીવાલે અને ભારતીય શિક્ષણ મંડળ સૌરાષ્ટ્ર પ્રાંતના સુરેશ નાહટા ઉપસ્થિત રહયા હતા.

તેમજ સમાપન કાર્યક્રમનું સંચાલન કોર્ષના કો-ઓર્ડિનેટર તરીકે પ્રો.રમેશ કોઠારી (પ્રોફેસર, બાયોસાયન્સ ભવન)એ કર્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.ગીરીશભાઇ ભીમાણીએ જણાવ્યું કે પાંચ દિવસ દરમિયાન તમે જે જ્ઞાન મેળવ્યું છે તે તમારા પુરતું સીમીત ન રાખતા અન્યને આપજો. જ્ઞાન દરેક પાસે હોય છે તેનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવો જોઇએ. કારણ કે આ 21મી સદી છે અને આ જ્ઞાનની સદી તરીકે ઓળખાય છે. મુખ્ય અતિથી રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ જણાવ્યું હતું કે આપણો દેશ યુવાઓથી ભરેલો છે. આપણો દેશ વિશ્ર્વગુરૂ બનવા તરફ આગળ વધી રહયો છે ત્યારે તેમાં સંશોધન ખૂબ ઉપયોગી થવાના છે. યુવાનોમાં તેમજ ખાસ કરી સંશોધકોમાં કંઈક કરી બતાવવાનો થનગનાટ અને ઉત્સાહ રહેલ છે. આ સદીની શરૂઆતમાં ભારતે સંશોધનો તેમજ વિવિધ વિજ્ઞાન ક્ષેત્રે અદ્ભૂત સિદ્ધિઓ પ્રાપ્ત કરી વિશ્ર્વનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું છે, એવામાં હજુ પણ જો શ્રેષ્ઠ અને કૌશલ્યો યુક્ત સંશોધનો થયા કરે તો સમગ્ર વિશ્વમાં ભારત પોતાનો ડંકો વગાડી શકે છે.  આ કોર્ષમાં જોડાનાર સહભાગીઓને પ્રો. રાજેશ બી. બિનીવાલે (ડિરેકટર જનરલ આરએફઆરએફ), પ્રો. બી.એ.ચોપાડે (નેશનલ પ્રેસિડન્ટ અનુસંધાન પ્રકોસ્ટ-બીએસએમ, નવી દિલ્હી), પ્રો. ડી.જી. કુબેરકર(પ્રોફેસર એન્ડ હેડ, નેનો સાયન્સ ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી), પ્રો. એસ.કે. વૈદ્ય (પ્રોફેસર એન્ડ હેડ, મેથેમેટીકસ ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી) અને ડો. રમેશ કોઠારી (પ્રોફેસર, બાયોસાયન્સ ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી) સહિતના નિષ્ણાંતો સહભાગીઓને અસરકારક અને હેતુપૂર્ણ સંશોધન માટે તેની કાર્યપદ્ધતિ અંગે માહિતગાર કર્યા હતા. તેમજ વિવિધ સંશોધન પદ્ધતિના વિષયો વિવિધ સાધનો દ્વારા શીખવવામાં આવ્યા હતા.

આ કોર્ષનો લાભ વધુને વધુ વિધાર્થીઓને મળી રહે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.ગીરીશ ભિમાણી તેમજ રજીસ્ટાર અમિત પારેખ પણ આયોજનમાં સહભાગી બન્યા હતા. કોર્ષના કો-ઓર્ડિનેટર તરીકે પ્રો.રમેશ કોઠારી (પ્રોફેસર, બાયોસાયન્સ ભવન) તેમજ કોર્ષની આયોજન સમિતિમાં પ્રો.મનીષ શાહ, પ્રો.નિકેશ શાહ, પ્રો.કિશોર આટકોટીયા, પ્રો.અતુલ ગોસાઇ, ડો.રંજન ખુંટ, ડો. હરીકૃષ્ણ પારેખ, ડો.તૃપેશ પેથાણી, ડો.જીજ્ઞા ટાંક, ડો. મીતલ કનેરીઆ, ડો.જલ્પા રાંક, ડો.કવન અંધારીયા, ડો.દિશા રાંક સહિતના જોડાયા હતા. ભારતીય શિક્ષણ મંડળ-સૌરાષ્ટ્ર પ્રાંતના સુરેશ નાહતા, ડો.રુશીરાજ ઉપાધ્યાય, ડો.હરેશ બાંભણિયા, ડો.દિપક મશરૂ અને બીનાબેન દેત્રોજા તેમજ આરએફઆરએફના પ્રો.રાજેશ બીનીવાલ, રશ્મી સુર્યવંશી, ડો.મૃણાલ યાવલકર અને અંકિત કાલકોતવારની ટીમનો પણ સહયોગ મળ્યો હતો.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.