સિસ્ટર નિવેદિતા શૈક્ષણીક સંકુલના સુવર્ણ જયંતી મહોત્સવનો સમાપન સમારંભ તથા સૂવર્ણજયંતી સંભારણા વિશેષાંકના વિમોચનનો કાર્યક્રમ ગુજરાત રાજયના પૂર્વ મુખ્ય સચિવ પ્રવીણભાઈ લહેરીની અધ્યક્ષતામાં તેમજ ગુજરાત કેળવણી પરિષદનાં પ્રમુખ તથા કેળવણી વિમર્શ સામયીકના તંત્રી મનસુખભાઈ સલ્લાના અતિથિવિશેષ યોજાયો.
કાર્યક્રમના અધ્યક્ષ પ્રવિણભાઈ લહેરીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે આપણે ત્યાં સમયને અલગ અલગ રીતે માપીએ છીએ ઈ.સ.નું વર્ષ બે દિવસ પહેલા પૂરૂ થયું આપણે ત્યાં પચાસ વર્ષે પૂરા થાય ત્યારે તેની સુવર્ણ જયંતી ઉજવીએ છીએ ૫૦ વર્ષ એવો સમયગાળો છે, જયારે પૂર્ણ વિકાસ થાય, પ્રફુલ્લીત થાય અને ટોચ પર પહોચે ૫૦ વર્ષ પુરા કરવા અને ચોકકસ આદર્શ સાથે પૂરા કરવા તે ભગીરથ કામ છે.
કાર્યક્રમમાં અતિથિવિશેષ મનસુખભાઈ સલ્લાએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે ૫૦ વર્ષ એટલે એક આયુષ્ય કહેવાય એક સમયે મનુષ્યનું આયુષ્ય ૫૦ વર્ષ ગણાતું . કોઈ સંસ્થા ૫૦ વર્ષ પુરા કરે તે મહત્વનું નથી. પરંતુ સિસ્ટર નિવેદિતા શૈક્ષણિક સંકુલે જે રીતે વિકાસ કર્યો મૂલ્યોની જાળવણી કરી અને સંઘર્ષો કર્યા તે માટે સન્માન આપીએ છીએ. પોતાની પાસે કોઈ સુવિધા ન હતી. પૈસા પણ નહતા ત્યારે સ્વામી આત્મસ્થાનંદજીએ કહેલ એક જ વાકય નઠાકુર તમારી સંભાળ લેશેથના સહારે ઉષાબહેન અને ગુલાબભાઈ જાનીએ શિક્ષણની સાધના શરૂ કરી. ૫૦ વર્ષની સાધના અખંડ પણે ચાલી.
કાર્યક્રમમાં સિસ્ટર નિવેદિતા શૈક્ષણિક સંકુલના સંસ્થાપક ગુલાબભાઈ જાનીએ જણાવ્યું કે સંસ્થાના મૂળભૂત ચાર પાયા છે. મૂલ્યશિક્ષણ, પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ, સહશિક્ષણ અને માતૃભાષા દ્વારા શિક્ષણ, માધ્યમ ગુજરાતી હોવા છતાં ઉત્તમ અંગ્રેજી ભણાવવામાં અમે માનીએ છીએ. શિક્ષણમાં મૂલ્યશિક્ષણ ખૂબજ મહત્વનું છે.
૫૦ વર્ષ પહેલા બાલમંદિરથી સંસ્થાની શરૂઆત થઈ અને આજે શિક્ષણ જગતમાં અમારી વિશિષ્ટ મુદ્રા કંડારી છે. આ કાર્યક્રમના અધ્યક્ષ લહેરી સાહેબે જરાત રાજયના મુખ્ય સચિવ તરીકે ઉત્કૃષ્ટ સેવા આપી છે.સરકારી નોકરીમાંથી નિવૃત થયા પછી વધારે પ્રવૃત્ત થયા છે. અતિથિવિશેષ મનસુખભાઈ સલ્લાનો પરિચય આપતા જણાવ્યું કે કેળવણીકાર કેવાં હોવા જોઈએ, તેનું મનસુખભાઈ સલ્લા જીવંત દ્રષ્ટાંત છે. કેળવણી ક્ષેત્રે સમાજને નવો દ્રષ્ટિકોણ આપ્યો છે. અંતમાં જાની સાહેબે જણાવ્યું કે મેં અને ઉષાબહેને જે કાંઈ કર્યું છે તે માત્ર સ્વાન્ત સુખાય કર્યું છે. કોઈપણ જાતની અપેક્ષા વગર કર્યું છે.
આજના કાર્યક્રમમાં સંસ્થાનો ૫૦ વર્ષનો ઈતિહાસ, વિવિધ વિભાગોની પ્રવૃત્તિઓ, મહાનુભાવોની મુલાકાત વગેરેનો સંકલીત ગ્રંથ સુવર્ણ જયંતી સંભારણા વિશેષાંકનું વિમોચન મહાનુભાવોના વરદ હસ્તે કરવામાં આવેલ. આઉપરાંત ઉષાબહેન જાની અમૃત મહોત્સવ ૭૫ પુસ્તિકાઓનું ડિજિટીલાઈઝેશન, ડિજિટીલાઈઝડ સમુદગાર ત્રૈમાસિક નિવેદિતામ સમાચાર પત્રિકા તેમજ સિસ્ટર નિવેદિતા પ્રકાશનનાં પ્રકાશનોની વેબસાઈટનું ઉદઘાટન પણ મહાનુભાવોએ રિમોટ કન્ટ્રોલથી કર્યું સુવર્ણ જયંતી વર્ષની ઉજવણીના મહત્વનાં ભાગરૂપે સંસ્થામાં કાર્યરત આચાર્યો, શિક્ષકો, વહીવટી કર્મચારીઓ અને સેવકગણ સહિત ૫૦ જેટલા કર્મચારીઓનું રોકડ પુરસ્કાર,શીલ્ડ અને ગાંધીજીનું સત્યના પ્રયોગો પુસ્તક મહાનુભાવોના હસ્તે ભેટ આપી સન્માન કરવામાં આવ્યું.