કેન્દ્રીય સંચાર બ્યુરો અને વીર નર્મદ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે બે દિવસીય ‘વિકસિત ભારત @2047 ચિત્ર પ્રદર્શન’નું સમાપન NVSGU ના કુલપતિ ડૉ. કે.એન. ચાવડાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત કાર્યરત કેન્દ્રીય સંચાર બ્યુરો અને VNSGU દ્વારા આયોજિત ચિત્ર પ્રદર્શનના સમાપન સમારોહમાં કુલપતિએ ચિત્ર પ્રદર્શનની માહિતી લોકોપયોગી બની હોવાનું જણાવ્યું હતું. વિકસિત ભારત માટે સરકારની વિવિધ યોજનાઓની માહિતીની જાણકારી મેળવી પોતાના તેમજ અન્યને ઉપયોગમાં આવે એ માટે પ્રસાર કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે પોસ્ટ વિભાગના રિંકેશ જરીવાલા, પ્રેમરાજ મીણા અને યુનિવર્સિટી રોજગાર કચેરીના ચાંદની દેસાઈને તેમની કામગીરી માટે સન્માનિત કરાયા હતા. કુલપતિ અને મહાનુભાવોનું તુલસીનો છોડ અને પુસ્તક ભેટ આપી ક્ષેત્રિય પ્રચાર અધિકારી ઈન્દ્રવદનસિંહ ઝાલાએ સ્વાગત કર્યું હતુ. કાર્યક્રમ દરમિયાન પ્રશ્નોત્તરી સ્પર્ધામાં વિજેતાઓને પુરસ્કાર એનાયત કરાયા હતા. મેહુલ ફાઉન્ડેશનના કલાકારો દ્વારા મનોરંજન સાથે માહિતી અપાઈ હતી. પ્રદર્શનને સફળ બનાવવા અમૃત સોનેરી અને રોશન પટેલે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે કુલસચિવ ડૉ.આર.સી.ગઢવી, ઉપકુલસચિવ, પરીક્ષા નિયામક, એન.એસ.એસ. કોર્ડીનેટર, સંબંધિત અધિકારીઓ, વિદ્યાર્થીઓ-અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા.