પાંચ દિવસ ભકિત, ભજન ને ભોજનનો સંગમ જોવા મળ્યો
ભવનાથમાં સાધુ સંતોના શાહી સ્નાન બાદ ભવનાથ દાદાની મહાઆરતી થઇ મેળામાં સામાન્ય જનતાને પ્રવેશ ન મળ્યો પણ રવાડી દર્શન માટે અનેક ઉમટયા
ભક્તિ, ભજન અને ભોજનના ત્રિવેણી સંગમ સમો ભવનાથનો શિવરાત્રિનો મેળો મધ્ય રાત્રિએ પૂર્ણ ધાર્મિક અને ભક્તિ માહોલ વચ્ચે સંપન્ન થયો છે, પારંપારિક રીતે યોજાયેલ આ મેળો દિગંબર સાધુઓના શાહીસ્નાન સાથે મધ્યરાત્રીએ સંપન્ન થયેલો જાહેર કરવામાં આવ્યો છે. ગિરિવર ગિરનારની ગોદમાં ભવનાથ ક્ષેત્રમાં આદિઅનાદિ કાળથી યોજાતો આ શિવરાત્રી મેળો આ વર્ષે કોરોનાના કારણે ફક્ત પરંપરા જળવાય તે માટે સાધુ-સંતો માટે ચાલુ રાખવામાં આવ્યો હતો. જ્યારે મેળામાં અન્ય ભાવિક ભક્તજનોને પ્રવેશ ન આપવાનું તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. મહા વદ નોમના દિવસે ભવનાથ મહાદેવના મંદિરે ધ્વજારોહણ સાથે જ મેળાનો પ્રારંભ થયો હતો અને પાંચ દિવસ સુધી ભારતભરમાંથી પધારેલા સંતો, મહંતો, યોગીઓ અને તપસ્વીઓએ અહીં ધુણાને ચેતનવંતા કર્યા હતા અને અલખની ધૂન લગાવી હતી.
દરમિયાન ગઇકાલે મહાશિવરાત્રીના પાવન દિવસે ભવનાથ મહાદેવ મંદિર ખાતે વિશેષ પૂજા, અર્ચના અને આરતીના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, અને ગત સાંજના સમયે મુચકુંદ ગુફાના મહંત મહેન્દ્રાગીરી બાપુ દ્વારા એક ડમરુ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો અને ભાવિકો જોડાયા હતા.આ વખતે દર વર્ષ કરતાં સાધુ-સંતો ની સંખ્યા ઓછી હોવાના કારણે અને ભાવિક ભક્તજનોને આ મેળામાં પ્રવેશ આપવામાં આવેલ ન હોવાથી રવેડીનો રૂટ થોડો ટુંકો કરવામાં આવ્યો હતો. એ સિવાય રવેડીના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો. આ રેલીમાં ગુરુ દત્તાત્રેય, ગજાનંદ ગણપતિ અને મા ગાયત્રીની પાલખી સાથે ત્રણ અખાડાના સંતો, મહંતો આ રેલીમાં જોડાયા હતા અને આ રેલીમાં હર હર મહાદેવ, બમ બમ ભોલેનાથ ના ગગનભેદી નાદ તથા ડમરુ, શંખ, ઝાલર, ઘંટ નાદ સાથે દિગંબર સાધુઓના લાઠીદાવ, તલવાર દાવ, ભાલા દાવ અને દિગંબર સાધુઓના હેરતભર્યા અંગ કસરતના દાવો યોજાયા હતા અને તેમનો દર્શનનો લાભ ઊપસ્થિત ભાવિક ભક્તજનો એ મોટી સંખ્યામાં લીધો હતો બાદમાં રાત્રીના 12:30 વાગ્યે સાધુ-સંતો-મહંતો એ ભવનાથ મંદિરની અંદર આવેલ મૃગી કુંડમાં શાહીસ્નાન કર્યું હતું અને બાદમાં ભગવાન ભોળાનાથ ભવનાથ દાદાની મહાઆરતી યોજાઇ હતી અને આ સાથે ભવનાથનો પરંપરાગત મેળો સંપન્ન થયો હતો.
કોરોનાની મહામારીના કારણે આ વર્ષે આ મેળામાં સાધુ-સંતો સિવાય અન્ય ભાવિકજનોને મેળાના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો અને કોરાનાનું સંક્રમણ ન વધે તે માટે જિલ્લા કલેકટર દ્વારા એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું, જેનો અમલ મેળાના ચાર દિવસ દરમિયાન ખૂબ જ કડક રીતે કરવામાં આવ્યો હતો. પરંતુ ગઇકાલે બપોર બાદ મેળાના ભવનાથ વિસ્તારમાં કોઇ પણ રીતે હજારોની સંખ્યામાં લોકો ઘૂસી ગયા હતા અને કોરોનાની ગાઈડલાઈનનું ક્યાંકને ક્યાંક મોટા પ્રમાણમાં ભંગ થતો જોવા મળી રહ્યો હતો. ત્યારે પ્રબુદ્ધ લોકોમાં એ ચર્ચા ચાલી રહી છે કે, જો આ રીતે અનેક લોકો મેળામાં પ્રવેશ કરી ચૂક્યા હતા, ત્યારે તંત્રે કેમ કડક પગલાં ન ભર્યા ? અને જો આ લોકો દ્વારા જ કોરોના સંક્રમણ વધશે તો જવાબદારી કોની.? શિવરાત્રીનાં મેળામાં સામાન્ય પ્રજાને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. પરંતુ શિવરાત્રીની રાત્રે રવાડી દર્શન માટે સેંકડો લોકોએ પ્રવેશ કર્યો હતો. જેની સામે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર લાચાર બની ગયું હતું. પદાધિકારીઓ-અધિકારીઓની ભલામણ અને તેમની ગાડીઓમાં પહેલેથી જ લોકો પહોંચી ગયા હતા. મેળામાં માત્ર વીઆઇપી જ ભાવિકો નજરે પડ્યા હતા. આ ઉપરાંત દર વર્ષની જેમ મેળાનાં રૂટ ઉપર યોગ્ય વ્યવસ્થા પણ થઇ ન હતી.