પ્રિ-મોન્સુન કામગીરીમાં અધિકારીઓને જવાબદાર ભૂમિકા નિભાવવા પ્રાદેશિક નગરપાલિકા નિયામક વ્યાસની તાકીદ
આગામી ચોમાસાને અનુલક્ષીને સંભવિત કુદરતી આફતો સામે સુસજ્જ કરવા જિલ્લા કલેકટરઅરૂણ મહેશ બાબુની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સુનની કામગીરી અંગે બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સુન કામગીરી અંગેની બેઠક યોજાઈ હતી.
1 જૂનથી જિલ્લાના દરેક તાલુકા મથકે રાઉન્ડ ધી કલોક કંટ્રોલ રૂમ શરૂ કરવા કલેકટરએ જણાવ્યું હતું. રાજકોટ ગ્રામ્ય અને પોલીસ વિભાગને કાયદો અને વ્યવસ્થા જાળવવા, વાયરલેસ સિસ્ટમ, રેસ્ક્યુના સાધનો અને તાલીમબધ્ધ માનવબળ સ્ટેન્ડ બાય રાખવા પણ જણાવ્યું હતું. આ ઉપરાંત ડમ્પર, ડી- વોટરીંગ પંપ, બુલડોઝર, જનરેટર, લાઈફ જેકેટ સહિતના સાધનોની ચકાસણી કરીને કોઈ સાધન હાલ ઉપલબ્ધ ન હોય તો મેળવી લેવા માટે આજથી તૈયારી શરૂ કરવા જણાવ્યું હતું.જિલ્લા આરોગ્ય અધિકારીને પાણીજન્ય રોગો ન ફેલાય તે માટે જરૂરી આગોતરા પગલાં લેવાનું સુચન કર્યું હતું. સાથો સાથ દવાનો જથ્થો પુરતાં પ્રમાણમાં છે તે નિશ્ચિત કરી લેવા જણાવ્યું હતું.
તેમજ અન્ન અને નાગરિક પુરવઠા અધિકારીને ફુડ પેકેટ માટે વિવિધ એજન્સીઓ અને સંસ્થાઓનું લિસ્ટ અપડેટ કરવા કહ્યું હતું. આ તકે નગરપાલિકાના પ્રાદેશિક નિયામક વ્યાસે સર્વે અધિકારીઓને જણાવ્યું હતું કે, પ્રિ-મોન્સુન કામગીરીમાં જવાબદારીભરી ભૂમિકા નિભાવવા દરેક અધિકારીઓને સૂચના આપી હતી. મુશ્કેલીના સમયમાં સાથે મળીને કામ કરવાની ભાવનાને કેળવી વિવેક બુધ્ધિનો ઉપયોગ કરી વિશ્વાસલક્ષી પરિણામો આપવા પર તેમણે ભાર મુકયો હતો. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.આર.ધાધલ, મહાનગર પાલિકા, સિંચાઈ, માર્ગ અને મકાન, ખેતીવાડી, પશુપાલન, આરોગ્ય સહિતના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.