સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરા મહાનગરોનાં મ્યુ. કમિશનર સાથે વીડિયો કોન્ફરન્સ યોજી: સ્થિતિની માહિતી મેળવી
સ્થાનીક સ્વરાજયની ચૂંટણી પૂર્ણ થયા બાદ રાજયમાં ફરી કોરોનાએ ઉથલો માર્યો છે. કોરોનાના કેસ દિન પ્રતિદિન સતત વધી રહ્યા છે. ચૂંટણીમાં દાખવેલી બેદરકારી હવે ભારે પડી રહી છે. રાજયના મુખ્ય ચાર મહાનગરોમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે ગઈકાલે સાંજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તાકીદે કોર કમીટીની બેઠક યોજી હતી. અને કોરોનાના સંક્રમણને અટકાવા જરૂરી ચર્ચા વિચારણા કરી હતી. રાજકોટ સહિતના શહેરોમાં જરૂર પડે તો કોવિડ હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારવા પણ તાકીદ કરવામાં આવી છે.
મહાનગરપાલિકા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓ દ્વારા દાખવવામાં આવેલી ભૂલો હવે પ્રજાને ભારે પડી રહી છે. સ્થાનીક સ્વરાજયની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ રાજયમાં ફરી કોરોનાએ ફેણ માંડી છે. ગઈકાલે રાજયમાં કોરોનાના 715 કેસો નોંધાયા હતા. રાજયનાં મહાનગરોમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ સંદર્ભે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોર કમિટીની બેઠકમાં ઉચ્ચ સ્તરીય ચર્ચા હાથ ધરી હતી. કોરોના શકય તેટલો ઝડપથી ફરી કાબુમાં લેવા માટે જરૂરી ચર્ચા વિચારણાઓ કરી હતી કોરોનાગ્રસ્ત વ્યકિતઓને ઝડપથી સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા કરવા, હોસ્પિટલોમાં જરૂર પડે બેડની સંખ્યા વધારવા, બાબતે રાજયની અમદાવાદ,સુરત, વડોદરા અને રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી. અને તમામ શહેરોની વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી. અને જરૂર પહે તો કોવીડ હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારવા પણ તાકીદ કરી હતી.
ચૂંટણીમાં દાખવેલી લાપરવાહીનાં કારણે કોરોનાના કેસો વધ્યા હોવાની અને હજી વધે તેવી શકયતા ગુજરાત હાઈકોર્ટ વ્યકત કર્યા બાદ રાજય સરકાર હરકતમા આવી છે. ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં હતા સતત વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે સમય મળતાની સાથે જ સાંજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોર કમિટીની બેઠક બોલાવી હતી અને કોરોનાને નાથવા જરૂરી ચર્ચા વિચારણા કરી હતી. આ બેઠકમાં રાજય સરકારનાં મુખ્ય સચિવ અનિલ મૂકિમ મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે.કૈલાશનાથન, અધિક મૂખ્ય સચિવ પંકજ કુમાર, આરોગ્ય અગ્ર સચિવ, ડો. જયંતી રવિ, કમિશનર જય પ્રકાશ શિવહરે, હારિત શુકલ સહિતના સચિવ તથા વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.