ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ તો વધ્યો, બીજી તરફ મિકસર, ગ્રાઈન્ડરથી લઈ બુટ-ચપ્પલ જેવી નાની-મોટી વસ્તુઓની હપ્તેથી ખરીદીમાં ૫૦ ટકાનો તોતીંગ ઉછાળો
કોરોના મહામારીથી આર્થિક પાસાઓ પર થયેલી અસરના કારણે લોકોની માનસિકતામાં ધરખમ ફેરફાર જોવા મળી રહ્યાં છે. લોકો ભવિષ્યની ચિંતામાં નાનામાં નાની વસ્તુઓ પણ હવે હપ્તેથી ખરીદવાનું વલણ દાખવતા હોવાનું સામે આવી રહ્યું છે. આવક ઓછી થઈ હોવા ઉપરાંત નોકરી-રોજગારી છીનવાઈ જવાનો ભય પણ લોકોની વર્તુણક પાછળ જવાબદાર છે. હાલ ક્રેડીટ કાર્ડ થકી ખરીદી કરવાનું ચલણ વધ્યું છે. મિકસર, ગ્રાઈન્ડર, રસોડાના સામાન જેવી વસ્તુની સાથો સાથ બુટ-ચપ્પલ પણ હવે લોકો હપ્તેથી ખરીદવા લાગ્યા છે.
આંકડા મુજબ કાર્ડ ઉપરના ફાયનાન્સમાં છેલ્લા એક મહિનામાં ૪૦ ટકાનો તોતીંગ વધારો જોવા મળ્યો છે. નોન બેન્કિંગ ફાયનાન્સ કંપની દ્વારા થોડા સમય પહેલા સરળતાથી કાર્ડ-ફાયનાન્સની સુવિધા લોકોને અપાતી હતી. હવે આ કાર્ડનો લોકો ભરપુર ઉપયોગ કરવા લાગ્યા છે. ફાયનાન્સીયલ બજારમાં લોકોની બદલાયેલી માનસીકતાના કારણે હડકંપ મચી જવા પામ્યો છે. ઘર ઉપયોગની સસ્તી વસ્તુઓને પણ લાંબા હપ્તા રાખીને ખરીદી થઈ રહી છે. એકંદરે ફાયનાન્સીયલ માર્કેટની દિશા અને દશા આગામી સમયમાં બદલાઈ જશે તેવું ફલીત થઈ રહ્યું છે.
વિજય સેલ્સ, સંગીતા મોબાઈલ્સ, ગ્રેટ ઈસ્ટર્ન રીટેલ અને કોહિનુર જેવા મોટા રિટેલર્સ પાસે હપ્તાથી ખરીદી કરનાર ગ્રાહકોની સંખ્યા એકાએક વધીને ૫૦ થી ૬૦ ટકા સુધી પહોંચી ચૂકી છે. અગાઉ જે વસ્તુઓ ગ્રાહકો રોકડ આપીને ખરીદી કરતા હતા તેના સ્થાને હવે કાર્ડ સ્વાઈપ કરવાનું પસંદ કરે છે. કોરોનાના કારણે ડિજીટલ પેમેન્ટ તરફ પણ લોકો વળ્યા છે. તેની સાથો સાથ હવે રોકડ આપીને વ્યવહારો કરવાની જગ્યાએ લોકો હપ્તાનો વિકલ્પ પસંદ કરતા હોવા પાછળ આર્થિક જોખમનો ડર હોવાનું પણ કારણભૂત છે. ખરીદીની પેટર્ન બદલાઈ હોવાનું થોડા સમય પહેલા સામે આવ્યું હતું. હવે ખરીદીમાં પણ રોકડ નહીં પરંતુ ૬ થી ૨૪ મહિનાનો વિકલ્પ લોકો પસંદ કરી રહ્યાં છે.
નોંધનીય છે કે, કોરોના વાયરસની મહામારીના કારણે વૈશ્ર્વિક અર્થતંત્રને ગંભીર નુકશાન થઈ રહ્યું છે. ભારતમાં ધીમીગતિએ લોકઓપન કરવામાં આવ્યું છે. પરંતુ ગત ૩ મહિનામાં આર્થિક બાબતો ડામાડોળ થઈ ગઈ છે. ઘણા લોકોની રોજગારી છિનવાઈ ગઈ છે. આર્થિક સ્થિતિ સંગીન બને નહીં તેના ડરથી લોકો તુરંત રોકડ કાઢતા નથી. જેમ બને તેમ હપ્તેથી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખતા હોય છે. જીવન જરૂરી વસ્તુઓની સાથો સાથ અનેક નાની મોટી વસ્તુઓ એવી છે કે જેમાં લોકો લાંબાગાળાનો વિકલ્પ પણ પસંદ કરવા લાગ્યા છે. ગ્રાહકોની વર્તુણકને લઈ ફાયનાન્સ કંપનીઓ આશ્ર્ચર્યચક્તિ થઈ ચૂકી છે.
હવે ચેક રિટર્ન કેસમાં ફોજદારી ગુનો નહીં લાગે?
ફાયનાન્સીયલ સેકટરના કાયદામાં કેટલાક જડમુળથી ફેરફાર થવા જઈ રહ્યાં છે. અત્યાર સુધી ચેક રિટર્ન કેસમાં દિવાનીની સાથે ફોજદારી કાયદા મુજબ પણ કાર્યવાહી થતી હતી. અલબત હવેથી ચેક રિટર્ન કેસમાં ફોજદારી કલમ નહીં લગાવવામાં આવે તેવી શકયતા છે. નેગોશીએબલ ઈન્સ્ટુમેન્ટ એકટ અંતર્ગત ચેક બાઉન્સ કેસમાં કડક કાર્યવાહી કરવામાં આવતી હતી. ચેક બાઉન્સ કેસમાં ૨ વર્ષ સુધીની સજા અથવા રકમના ૨ વર્ષ સુધીનો દંડ કરવામાં આવતો હતો. જેમાં હવે ફેરફાર થશે તેવી ધારણા છે.
આ ઉપરાંત સામાન્ય ડિપોઝીટ યોજનાના નિયમો પણ બદલાઈ શકે છે. સરફેસીની કલમ ૨૯માં એક વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. તેમાં પણ સુધારો થઈ શકે છે. રિઝર્વ બેંકની કલમ ૫૮-બી (૧)માં ખોટી જાહેરાત બદલ ત્રણ વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ છે. આ ઉપરાંત નોંધાયેલા ન હોય તેવા એનબીએફસીના મામલે પણ ૫ વર્ષ સુધીની જેલ અને રૂ૨૫ લાખ સુધીના દંડની જોગવાઈ છે. તેમાં પણ સુધારો થઈ શકે તેવા સંકેતો મળી રહ્યાં છે. સરકાર દ્વારા નાણાકીય ક્ષેત્રની કાયદાકીય જોગવાઈની પુન: સમીક્ષા માટે કવાયત હાથ ધરવામાં આવી છે.
વાહનોનું વેચાણ વધારવા હવે પાંચ અને ત્રણ વર્ષનો વીમો ફરજિયાત નહીં
થોડા સમય પહેલા ટુ-વ્હીલરની ખરીદી સાથે ૫ વર્ષ અને ફોર-વ્હીલરની ખરીદી સાથે ૩ વર્ષનો થર્ડપાર્ટી વીમો ફરજિયાત બનાવાનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણયને હવે ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓર્થોરીટી ઓફ ઈન્ડિયા (આઈઆરડીએઆઈ) દ્વારા રદ્દ કરાયો છે. મહામારીના કારણે વાહનોનું વેંચાણ ઘટી શકે તેવી વકી છે. આવા સમયે જો લાંબાગાળાના વીમા ફરજિયાત રહેશે તો વાહનોની કિંમતમાં વધારો રહેશે.
જો લાંબાગાળાના વીમાનો નિયમ જ નિકળી જાય તો વાહનની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થઈ જાય જેથી હવે માત્ર એક વર્ષનો થર્ડપાર્ટી વિમો રહે તેવો તખ્તો ઘડાયો છે. વર્તમાન સમયે તો લાંબાગાળાના વીમામાં ગ્રાહકો માટે ફલેકસીબિલ્ટી ન હોવાનું કારણ ઘડાયું છે. ભૂતકાળમાં ગ્રાહકો પર ૩ અને ૫ વર્ષના વીમાનો નિયમ થોપી બેસાડવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો હતો. ત્યારે હવે નિયમ જ પરત ખેંચી લેવાતા વાહન ખરીદવા ઈચ્છુકોને હાશકારો થયો છે.