- દીકરીઓને પગભર થવા સક્ષમ બનાવવા જિલ્લા કલેકટર પ્રભવ જોશીનું પ્રેરણાદાયી પગલું
- રૂ. 6 લાખની ગ્રાન્ટમાંથી 12 કોમ્પ્યુટરની ખરીદી કરાઈ, શિક્ષકો નિયુક્ત કરીને પ્રશિક્ષણ શરૂ પણ કરી દેવાયું
Rajkot News
રાજકોટના લોકમેળાને લોકો મનભરીને માણી છુટ્ટા હાથે ખર્ચ કરે છે. આ લોકમેળામાંથી ધંધાર્થીઓ ઉપરાંત લોકમેળા સમિતિને પણ આવક થાય છે. લોકમેળા સમિતિ આ આવકને સેવાકાર્યોમાં ખર્ચ કરે છે. આવું જ એક સેવાકાર્ય ગોંડલ બાલાશ્રમમાં શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ત્યાં રહેતી દીકરીઓ માટે કોમ્પ્યુટર કલાસ શરૂ કરવામાં આવ્યા છે.
રાજકોટના રેસકોર્સ ખાતે દર વર્ષે જન્માષ્ટમીના પર્વે લોકમેળો યોજાય છે. આ લોકમેળામાંથી લોકમેળા અમલીકરણ સમિતિને મોટી આવક થાય છે. આ આવકને લોકમેળા અમલીકરણ સમિતિના ફંડમાં જમા લેવામાં આવે છે અને ત્યારબાદ તેમાંથી અનેક સેવા કાર્યો હાથ ધરવામાં આવે છે. જિલ્લા કલેકટર પ્રભાવ જોશી એ આ વખતે જન્માષ્ટમી એ લોકમેળાનું સફળ આયોજન કર્યું હતું જેમાંથી ખૂબ મોટી આવક પણ થઈ હતી.
આ આવકમાંથી ગોંડલ બાલાશ્રમને રૂ. 6 લાખની ગ્રાન્ટ આપવામાં આવી છે. જેમાં રૂ.5 લાખના ખર્ચે અહીં 12 કોમ્પ્યુટર વસાવવામાં આવ્યા છે. જ્યારે બીજા 1 લાખના ખર્ચે અહીં કોમ્પ્યુટર શિક્ષકને નિયુક્ત કરવામાં આવ્યા છે. આ શિક્ષક દ્વારા અહીં કોમ્પ્યુટર કલાસ શરૂ કરી દેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ લોકમેળા સમિતિમાંથી ગોંડલની સિવિલ હોસ્પિટલમાં 10 બેડના શિશુ કેર સેન્ટર બનાવવા માટે ખર્ચ ઉઠાવ્યો હતો. ત્યારબાદ ઉપલેટામાં પણ તાજા જન્મેલા બાળકોની સારવાર માટે ડોક્ટરો તો ઉપલબ્ધ હોય પરંતુ અતિ આધુનિક સાધનોનો અભાવ હોય તેવું જાણવા મળતા કલેકટરે ત્યાંની કોટેજ હોસ્પિટલમાં આધુનિક શિશુ કેર સેન્ટર સ્થાપી છે. આ બન્ને શિશુ કેર સેન્ટરમાં આધુનિક વોર્મર, મોનીટર, સિરિજ પમ્પ, ફોટોથેરાપી, મોબાઈલ એક્સરે, સેન્ટ્રલ ઓક્સિજન લાઈન ઉપરાંત અનેક આધુનિક સાધનો છે.