ભારતમાં સ્વાધીનતા અને પરાધીનતા વચ્ચે જબરી સંતાકુકડી ! ગણતંત્ર-દિને કોનો વિજય-વાવટો લહેરાશે ? પ્રધાન કહે છે કે, શાસનનું કામ નેતાઓ ઉપર છોડી દો… એક રેલીનું પોસ્ટર બોલે છે: પરાધીનતાએ સ્વાધીનતાના હાથ પગ બાંધી લીધા છે અને ગરીબોના હોઠોને બૂરી રીતે સીવી લીધા છે!
આપણા દેશની કમજોરી: મરણ પથારીએ પડખાં ફરતાં અર્થતંત્રને જબરી કરકસરની જરૂર છે ત્યારે ટોચના રાજકર્તાઓ નિજી વાહવાહ અને વિકાસની પાખંડી ડંફાશો માટે ગરીબોની ભૂખ સંતોષાઈ જાય એટલો રાક્ષસી ખર્ચ કર્યા કરે છે ! આમઆદમી જાગશે ત્યારે સ્વાર્થમાં અંધ નેતાઓએ નાસવું પડે તો નવાઈ નહી: ભૂખ્યાજનોના જઠરાગ્નિ જાગશે ત્યાર ખંડેરની ભસ્મકણીયે નહી રહેવા પામે અને પૂન: સ્વાધીન નૂતનવર્ષ તેમજ પ્રજાસતાક દિન ઉજવાશે !
કસુંબલ મિજાજના રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ એમના દેશકાળમાં લખેલા કાવ્યો આજના દેશકાળમાં યાદ કરીએ તો એવો જ ખ્યાલ આપે છે કે, એમના દેશકાળમાં આપણા દેશવાસીઓની જે વેદના હતી તે અત્યારે સ્વાધીનતા સાંપડયા પછી પણ જેમની તેમ તો ઠીક, પરંતુ એનાથી ઘણી રીતે વધી છે અને વકરી છે.
ઈસુ ખ્રિસ્તનું નવુ વર્ષ હવે સારીપેઠે ઢૂંકણું રહ્યું છે તે ટાંકણે એક અજબ જેવો પ્રશ્ર્ન ઉઠે છે. તે ટાંકણે એક અજબ જેવો પ્રશ્ર્ન ઉઠે છે કે, આપણો દેશ એને સ્વાધીનતા સાંપડી તે વખતે જેટલો સ્વાધીન હતો એટલા સ્વાધીનતા આજે આ દેશની પ્રજા એના સાચા સ્વરૂપમાં ભોગવી શકે છે ખરી?
અત્યારે તો જાણે એવો ખ્યાલ ઉપસે છે કે, પરાધીનતાએ માથું ઉંચકીને સ્વાધીનતાના હાથ પગ બાંધી લીધા છે અને એનું મોં તથા બંને હોઠ મજબૂત રીતે સીવી લીધા છે.
જાણે સંતાકુકડી ચાલે છે બંને વચ્ચે…
થોડા વખત પહેલા કેન્દ્રના કાયદાપ્રધાન શ્રી રવિશંકર પ્રસાદે એવું કહી નાખ્યું હતુ કે, દેશના શાસનનું અને સુકાનનું કામ નેતાઓ પર છોડી દો… તેમણે અદાલતો-ન્યાયાલયોને અનુલક્ષીને આ ટકોર કરી હતી, જેનામાં પ્રજાનો વિશ્ર્વાસ ટકી રહ્યો છે!
નવીદિલ્હીના એક અહેવાલ મુજબ કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે ન્યાયપાલીકાએ ગવર્નન્સનું કામ એ લોકો પર છોડી દેવું જોઈએ જેમને ખૂદ જનતાએ આ કામ માટે પસંદ કર્યા છે. એનએચઆરસીનાં એક કાર્યક્રમમાં બોલતા રવિશંકર પ્રસાદે આ નિવેદન આપ્યું હતુ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કેકેટલીક કોર્ટમાં શાસનની જવાબદારી સંભાળવાની પ્રવૃત્તિ હું જોઈ રહ્યો છું કોર્ટના આ વલણ પર ચિંતનની જરૂર છે. તેમણે પોતાની શકિતઓ માટે જવાબદારીનો સામનો કરવો પડશે. શાસનની જવાબદારી તેમની હોવી જોઈએ જેઓ શાસન કરવા માટે ચૂંટાઈને આવ્યો છે.
તાજેતરમાં આપણા દેશમાં એવી સ્ફોટક ઘટનાઓ બની અને હજુ બની રહી છે તે એવો ખ્યાલ આપે છે કે, આપણી સરકારોના નિરંકુશ અને ચૂંટણી લક્ષી તથા રાજગાદીલક્ષી રાજકારણે માઝા મૂકી છે. રાષ્ટ્રના હિતોની કોઈને પરવા નથી આવી છીછરી માનસિકતાને કારણે આપણા દેશના સર્વાંગી વિકાસને કલ્પનામાં ન આવે એવો લૂણો લાગ્યો છે. અને અર્થતંત્ર મરણપથારીએ હોય અને માંડ માંડ પડખાં ફરી શકે એટલુ (કેન્સરના છેલ્લા સ્ટેજમાં હોય એટલું) રોગગ્રસ્ત બન્યું છે. એને ઉગારવા અને ફરી બેઠુ કરવા માટે તમામ ખોટા ખર્ચ બંધ કરીને જબરી કરકસર કરવાનું અનિવાર્ય બન્યું છે. આર્થિક કટોકટીએ દેશના વેપાર ધંધા અને ઉદ્યોગ આલમને ચિંતામાં મૂકયા છે. હજુ વિકટ સ્થિતિ સર્જાવાની આગાહીઓ થઈ રહી છે.
ઓછામાં પૂરૂ રોજગાર-ધંધાનું પ્રમાણ દિવસે દિવસે ઘટતું રહ્યું છે, આગેવાન અર્થશાસ્ત્રીઓ અને અભ્યાસીઓ રાજનેતાઓની બેદરકારીને અને અણ આવડતને અતિ ગંભીર બાબત ગણાવે છે !
‘ચેતતા નર સદાય સુખી’ની કહેવતને કેન્દ્ર સરકાર તેમજ રાજયોની સરકારોએ અભેરાઈએ ચઢાવી છે.
આ બધામાં સૌથી વધુ ગંભીર બાબત સ્વાધીનતા ઉપર નિરંકુશા રાજનેતાઓની તેમજ રાજકર્તાઓની ‘બેહુદી તરાપ’ છે.
રાજકર્તાઓ અને શાસનકર્તાઓએ એક પછી એક નિરંકુશ પગલાં લઈને પરાધીનતાના દોજખમાં ધકેલ્યા કરી છે.
સરકારોએ પ્રજાને પીડતા પગલાઓ લઈને અને આડેધડ નિયમો તેમજ ધારાધોરણો લાદીને માનવગૌરવને તેમજ સ્વાધિનતાને બેહુદા ઝટકા માર્યા કર્યા છે. કરવેરાનો બોજ આમઆદમી ન ખમી શકે એટલો વધાર્યે જતી સરકાર અને નેતાઓ નિજી વાહવાહ અને વિકાસની નરી ડંફાસો માટે કરોડો ગરીબોની ભૂખ સંતોષાઈ જાય એટલો રાક્ષસી ખર્ચ કર્યે જ જાય છે. એમના પાખંડી મળતીયાઓ એમની પ્રશંસા કરતા રહે છે. અને પોતે ગરીબોનો ભાગ ખાઈ જતા રહે છે !
રાષ્ટ્રધર્મ પ્રમાણિક પણે બજાવવાને બદલે તેઓ તેમના ખિસ્સાં ભરવાનો અધર્મ આચર્યા કરે છે… કોઈ પૂછનાર નથી ‘બોળી બામણીના ખેતર’જેવી આ દેશની વર્તમાન હાલત છે !
વડાપ્રધાન શ્રી મોદી અને તેમની સરકાર દેશમાં જબરૂ પરિવર્તન લાવવાનો દાવો કરે છે,. પણ ચૂંટણીઓ હાર્યે જાય છે એમાંથી તેઓ બોધપાઠ લે અને એકાધિકારવાદને ત્યાગીને શકય હોય ત્યાં સુધી સંઘર્ષનાં રાજકારણને બદલે સામૂહિક વિચાર વિમર્શ કરીને સર્વસંમતિ ભર્યું શાસન ચલાવે, તે રાષ્ટ્રના વિકાસને વેગ આપશે. વિપક્ષોને નિંદયા કરીને પોતાને જ સારા તથા સાચા ચિતરવાની નીતિ રીતિ સરવાળે પ્રજાતંત્રમાં લોકોના વિશ્ર્વાસને ડગમગાવશે એ ડહાપણભર્યું નહિ ગણાય અને સારા શાસનની છાપ નહિ ઉપસાવે છે એ નિર્વિવાદ છે.
વાજપેયી સહિતા વરિષ્ઠ નેતાઓએ કંડારેલી કેડી પર મોદી સરકાર ચાલે એમ કોણ નહિ માને ? રામમંદિરના નિર્માણની ગતિવિધિઓ સવા અબજ ભારતીયોને સંતોષે અને રામરાજયનો અનુભવ કરાવે તો સરકારને ધન્યવાદ ! તમામ ભારતીયોનું ભારતીય સંસ્કૃતિ અને ભારતીય સંસ્કાર અનુસાર ભારતીયકરણ (ઈન્ડીઅનાઈઝેશન) થાય તો અહી આપોઆપ રામરાજયનો અનુભવ થવા લાગશે !’
‘અબતક’નો મત છે કે, વહેલામાં વહેલી તકે ભારતમાં સાચી સ્વાધીનતાનો ઉદય થાય, માનવ ગૌરવ પ્રસ્થાપિત થાય અને પરાધીનતા સર્જતા કાયદાકાનૂન, નીતિ નિયમો અને ધારાધોરણો દૂર થાય. આની સાથે એમ પણ કહેવુ પડે કે, આમ આદમી જાગશે ત્યારે નપાવટ નેતાઓએ ઘડીનાય વિલંબ વિના નાસવું પડશે. ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે ત્યારે ખંડેરમાં ફેરવાશે મહેલાતો અને એની ભસ્મકણી પણ નહિ પામી શકાય અને ત્યારે જ સ્વાધીન નૂતનવર્ષ તથા સાચા અર્થમાં સ્વાધીન પ્રજાસત્તાક દિન ઉજવશે આ દેશમાં સવા અબજ જેટલી જનસંખ્યામાંથી કોઈનેય કોઈ જાતની પરાધીનતા નથી ખપતી !