ચા, કેક, સીંગતેલ અને કપાસીયા તેલના નમૂના લેતું કોર્પોરેશન: વૈશાલીનગરમાં શ્રધ્ધા પ્રોવિઝન સ્ટોરમાંથી 8 કિલો અખાદ્ય ખજૂર અને ૧૦ કિલો નમકીનનો જથ્થો મળી આવ્યો
કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા આજે શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી ચાની ભૂક્કી, કેક, શીંગતેલ અને કપાસીયા તેલના નમૂના લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ચેકીંગ દરમિયાન વૈશાલીનગર વિસ્તારમાં શ્રધ્ધા પ્રોવિઝન સ્ટોર્સમાંથી ચેકીંગ દરમિયાન મળી આવેલ આઠ કિલો ખજૂર અને 10 કિલો નમકીનના અખાદ્ય જથ્થાનો નાશ કરી ફૂડ લાયસન્સ સંદર્ભે નોટિસ આપવામાં આવી હતી. જ્યારે માધાપર ગામમાં ખાણીપીણી અને ઠંડા-પીણાની 21 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફૂડ લાયસન્સ સંદર્ભે આઠ પેઢીઓને નોટિસ આપવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે ચેકીંગ દરમિયાન રૈયા રોડ પર શ્રધ્ધા પ્રોવિઝન સ્ટોર્સમાંથી ચાની ભૂક્કીનો નમૂનો, કોઠારીયા રોડ પર સિંદુરિયા શોપિંગ સેન્ટરમાં સિલ્વર બેકરીમાંથી વેનીલા કસાટા કેક, સ્વામિનારાયણ ચોકમાં હરિકૃષ્ણ બેકરીમાંથી બ્લેક ફોરેસ્ટ કેક, રીંગ રોડ પર ઓમ નગર સર્કલ પાસે ગેલ કોમ્પ્લેક્સમાં ગુરૂકૃપા એજન્સીમાંથી કૃપા ડબલ ફિલ્ટર શુદ્વ શીંગતેલ અને શ્રેષ્ઠ પ્રિમિયમ રિફાઇન્ડ કપાસીયા તેલનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે.
શ્રધ્ધા પ્રોવિઝન સ્ટોર્સમાંથી ચેકીંગ દરમિયાન પેકીંગ પર ઉત્પાદનની વિગતો દર્શાવ્યા વિનાનો આઠ કિલો ખજૂર અને 10 કિલો નમકીનનો જથ્થો મળી આવ્યો હતો. જેનો નાશ કરવામાં આવ્યો હતો. આજે માધાપર ગામમાં 21 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સાંઇ સેલ્સ એજન્સી, શિવ ટી એન્ડ કેક, જય ગુરૂદેવ દાળ પકવાન, ચામુંડા ફૂડ ઝોન, તિરૂપતિ ફરસાણ એન્ડ સ્વીટ માર્ટ, ગાંધી સોડા શોપ અને ન્યુ મહાદેવ પાન એન્ટ ટીને ફૂડ લાયસન્સ સંદર્ભે નોટિસ આપવામાં આવી હતી.
આ ઉપરાંત શ્રધ્ધા બેકરી, નમકીન ફૂડ, શ્રી પદ્મવતી જનરલ સ્ટોર, મોંજિનિસ કેક શોપ, લાઇફ કેર ફાર્મસી, ગોપાલ આઇસ્ક્રીમ એન્ડ સ્વીટ માર્ટ, સુરેશ નમકીન, રાજ જનરલ સ્ટોર, સંજીવની મેડિસિન્સ, શ્રીનાથજી પ્રોવિઝન સ્ટોર્સ, સનરાઇઝ સુપર માર્કેટ, સુરેશ નમકીન એન્ડ આઇસ્ક્રીમ પાર્લર અને શ્યામ ટી એજન્સીમાં ચેકીંગ હાથ ધરાયું હતું.