ગુજરાતે 3 સુવર્ણ સાથે કુલ 10 ચંદ્રક હાંસલ કરી ભવ્ય જીત મેળવી
36મા રાષ્ટ્રીય ખેલ અંતર્ગત રાજકોટમાં આજે સ્વિમિંગની વિવિધ સ્પર્ધાઓમાં નવા બે રેકોર્ડ સર્જાયા હતા. 100 મીટર ફ્રી સ્ટાઇલ મહિલાઓની સ્પર્ધામાં ગુજરાતની માના પટેલએ સિલ્વર મેડલ પ્રાપ્ત થયો હતો. આજે વિજેતા ખેલાડીઓને રાજ્યકક્ષાના વાહન વ્યવહાર મંત્રી અરવિંદભાઈ રૈયાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અને મેયર પ્રદિપભાઈ ડવે ચંદ્રકો એનાયત કર્યા હતા.
તરણની સ્પર્ધાઓમાં કર્ણાટક રાજ્યે સૌથી વધુ 19 સુવર્ણ, 8 રજત તથા 12 કાંસ્ય મળીને કુલ 39 ચંદ્રકો જીત્યા છે. જ્યારે કેરળએ બીજા ક્રમે પાંચ સુવર્ણ તો સર્વિસિસની ટીમે ચાર સુવર્ણ જીત્યા છે. ગુજરાતની ટીમે 3 સુવર્ણ, પાંચ રજત તથા 2 કાંસ્ય મળીને કુલ 10 ચંદ્રકો જીત્યા છે.100 મીટર બેકસ્ટ્રોક મહિલાઓની સ્પર્ધા પંજાબની ચાહત અરોરાએ 1 મિનિટ 14.42 સેક્ધડમાં પૂર્ણ કરીને, જૂના 1 મિનિટ 17.35 સેક્ધડના રેકોર્ડને તોડીને નવો રેકોર્ડ બનાવ્યો અને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો.
100 મીટર ફ્રી સ્ટાઇલ મહિલાઓની સ્પર્ધામાં ભારે કટોકટી વચ્ચે આસામની શિવાંગી શર્માએ છેલ્લા 25 મીટરના અંતરમાં માના પટેલને ઓવર ટેક કરીને સુવર્ણ ચંદ્રક જીતી લીધો હતો. જ્યારે 0.38 સેક્ધડથી પાછળ રહેલી માનાને રજત ચંદ્રક પ્રાપ્ત થયો હતો જ્યારે કર્ણાટકની ઋજુલા એસ.એ કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.100 મીટર ફ્રી સ્ટાઇલ પુરુષોની સ્પર્ધામાં કર્ણાટકના હરિ નટરાજે 2015નો જૂનો 50.97 સેક્ધડનો રેકોર્ડ તોડીને 50.41 સેક્ધડનો નવો રેકોર્ડ બનાવ્યો હતો અને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. દિલ્હીના વિશાળ ગ્રેવાલે રજત તો સર્વિસિસના આનંદ એ.એસ.એ કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.4 બાય 100 મિડલે મિક્સ સ્પર્ધામાં તમિલનાડુની ટીમે સુવર્ણ, કર્ણાટકની ટીમે રજત જ્યારે ગુજરાતની ટીમે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.