શહેરમાં મહામારીથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સોડીયમ હાઈપો ક્લોરાઈટ દવા તથા પાણીના મિશ્રણનો એકથી વધુ વખત છંટકાવ
હાલ સમગ્ર વિશ્વમાં કોવીડ-૧૯ના કારણે મહામારી ફેલાયેલ છે. આ મહામારીને નાથવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ કામગીરી અંગે માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ જણાવે છે કે, ભારતભરમાં રાજકોટ પ્રથમ એવું શહેર છે કે જેમાં શહેરના નાના મોટા તમામ વિસ્તારોમાં સોડીયમ હાઈપો ક્લોરાઈટ દવા અને પાણીનું મિશ્રણ કરી, પ્રોટેક્ટર ટાઈપના ૧૮ મશીનો દ્વારા શહેરના તમામ રોડ રસ્તા અને શેરી ગલીઓ સેનીટાઇઝ કરવાની કામગીરી થોડા સમય પહેલા શરૂ કરવામાં આવેલ. છેલ્લા ૧૫ દિવસમાં આ મશીનો દ્વારા શહેરના જુદા જુદા રસ્તા, શેરીઓમાં દવાનો છંટકાવ કરવામાં આવેલ છે. તેની સાથોસાથ જુદી જુદી સરકારી, અર્ધ સરકારી કચેરીઓ અને જાહેર સામાજિક સંસ્થાઓ જેમ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ઇઅઙજ સ્વામિનારાયણ મંદિર-કાલાવડ રોડ, બહુમાળી ભવન, જીલ્લા સેવા સદન-૩, જીલ્લા પંચાયત કચેરી, જૂની કલેકટર કચેરી, પોલીસ કમિશનરની કચેરી, એસ. પી. ઓફીસ, પોલીસ હેડ ક્વાટર્સ, એસ. આર.પી. કેમ્પ-ઘંટેશ્વર, પ્રદ્યુમન પાર્ક, જી.એસ.ટી. ઓફીસ ભવન-રેસકોર્ષ, ઇન્કમટેક્સ ઓફીસ ભવન-રેસકોર્ષ, ઇન્કમટેક્સ ઓફીસ ભવન-ગીરનાર ટોકિઝની બાજુમાં, માર્કેટીંગ યાર્ડ-બેડી, માર્કેટીંગ યાર્ડ-આર.ટી.ઓ.ની બાજુમાં, આર. એન્ડ બી. ઓફીસ-હરિહર ચોક, દુરદર્શન કેન્દ્ર-આજીડેમ, આર. એન્ડ બી. ઈજનેર કચેરી-યાજ્ઞિક રોડ, રાજકોટ એરપોર્ટ વિસ્તાર તથા એરપોર્ટ કોલોની વિસ્તારમાં હાઈ ક્લીયરન્સ બુમ સ્પ્રેયર સેનિટાઈઝરની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે.
આ ઉપરાંત, શહેરના હોટસ્પોટ સમાન જંગલેશ્વર તથા તેની આજુબાજુના વિસ્તાર અને શહેરમાં અન્ય જે કોઈપણ જગ્યાએ કોરોનાના કેસ જણાયેલ છે ત્યાં વારંવાર સેનિટાઈઝરની કામગીરી કરવામાં આવેલ છે. અને જ્યાં સુધી જરૂર જણાશે ત્યાં સુધી આ સેનિટાઈઝરની કામગીરી ચાલુ રાખવામાં આવશે.
હાલ, વોર્ડ નં.૪,૫,૬ થી ૧૭ના તમામ રોડ રસ્તા શેરી ગલીઓમાં સંપૂર્ણ પણે સેનિટાઈઝરની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. જયારે વોર્ડ નં.૧,૨,૩ તથા ૧૮ના થોડા વિસ્તારોની કામગીરી બાકી છે. જે આગામી દિવસોમાં પૂર્ણ કરવામાં આવશે.
અંતમાં, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદય કાનગડએ જણાવેલ કે, આજદિન સુધીમાં શહેરના ૧૮ વોર્ડના લગભગ ૯૦%થી વધુ વિસ્તારો સેનિટાઈઝર કરવામાં આવેલ છે. અને આગામી દિવસોમાં માર્કેટ વિસ્તારોમાં પણ સેનિટાઈઝરની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.