- વડીલોની સેવા સાથે વહાલુડીના વિવાહ ,ગાર્ડી એવોર્ડ અને રકતદાન કેમ્પ સહિતના સેવા કાર્યોની સતત વહેતી સરવાણી
- સંસ્થા દ્વારા કરાતા સેવા કાર્યોની વિગત આપવા અનુપમભાઈ દોશી સહિતના સભ્યોએ લીધી અબતકની મુલાકાત
પોતાના સંતાનો અને સગાવહાલાઓથી તરછોડાયેલા નિરાધાર-નિ:સહાય વડીલ માવતરોનો આનંદાશ્રમ એટલે કે સર્મપણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતી રૂક્ષ્મણીબેન દીપચંદભાઈ ગારડી ‘દીકરાનું ઘર’ વૃધ્ધાશ્રમ-ઢોલરા તેના વડીલવંદના અને અવિરત સેવાયાત્રાના 26 વર્ષ પૂર્ણ કરી રહયું છે.
’દીકરાનું ઘર’ વૃધ્ધાશ્રમની 26 વર્ષની અવિરત સેવા સફરની માહીતી આપતા સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી મુકેશ દોશી, મૌલેશભાઈ ઉકાણી, શિવલાલભાઈ આદ્રોજા, પ્રતાપભાઈ પટેલ, વલ્લભભાઈ સતાણી, ડો. નિદતભાઈ બારોટ, ધીરૂભાઈ રોકડે જણાવયું છે કે 27મી સપ્ટેમબર 1998 ના રોજ ભારતભામાશા સ્વ. દીપચંદભાઈ ગારડી, સ્વ. ઉર્મિલાબેન રામચંદ્ર શુકલ અને પૂર્ણિમાબેન જોષીના શ્રીદાનથી રાજકોટ શહેરથી 14 કિલોમીટર દૂર નાના એવા ધરતીપુત્રોના ગામ ઢોલરા ગામમાં ત્રણ એકર જમીનમાં ‘દીકરાનું ઘર’ વૃધ્ધાશ્રમની સ્થાપના અને શરૂઆત સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી મુકેશ દોશી અને સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવી હતી અને કાંતિકારી સંત પૂજય સ્વામી સચિદાનંદજીના શુભહસ્તે ખુલ્લું મૂકવામાં આવેલ. વૃધ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી પરંતુ સમાજની વરવી વાસ્તવિકતાનો સ્વીકાર ક રીને સમાજજીવનની કડવી વાસ્તવિકતા સમાન ’દીકરાનું ઘર’ વૃધ્ધાશ્રમમાં અસંખ્ય નામી-અનામી દાતાઓના સહકાર અને શ્રીદાનથી અદ્યતન સાધન સુવિધાથી સજજ અલ્ટ્રા મોર્ડન સુવિધા ધરાવતા વિશાળ પરિસરમાં સંપૂર્ણ હવા ઉજાસવાળા વાતાવરણમાં અને સાનિધ્ય ધરાવતા વડીલો માટેના નિવાસસ્થાનના રૂમ, કોટેજ, ભારતમાતા મંદીર, મંગલેશ્વર મહાદેવનું મંદીર, સેન્ટ્રલી એર કંડીશન ઓડીટોરીયમ, પુસ્તકાલય, રીકીએશન ઝોન, ફોટો ગેલેરી, ધ્યાન કુટીર, મીની આઇસીયુ યુનીટ, સ્ટાફ કવાટર, સ્ટોર રૂમ, ડાયનીંગ હોલ, ગાર્ડન, પ્રવેશદ્વાર, રમત-ગમતનું મેદાન સહિતની તમામ સુવિધાઓ સંસ્થાના માવતરોના આનંદદાયક જીવનનિર્વાહ માટે સંસ્થા દ્વારા કરવામાં આવી છે. કોઈ પણ પ્રકારની સરકારી સહાયવગર સંપૂર્ણપણે સમાજના શ્રીદાનથી ચાલતી સંસ્થામાં નિવાસ કરતા વડીલો પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. સંસ્થાના તમામ વડીલો ભૌતિક સુવિધાઓ સાથે શહેરશ્રેષ્ઠીઓ, દાતાઓની હુંક. કાર્યકર્તાઓની લાગણી અને પ્રેમભાવ સાથે પારીવારિક વાતાવરણ વચ્ચે પોતાની પાછોતરી જીંદગી આનંદથી પસાર કરી રહ્યા છે.
’દીકરાનું ઘર’ વૃધ્ધાશ્રમની અવિરત વિવિધ સેવાકીય પ્રવૃતિઓ અંગે માહીતી આપતા સંસ્થાના અનુપમ દોશી, સુનિલ વોરા, નલિન તન્ના, હસુભાઈ રાચ્છ, કિરીટભાઈ આદ્રોજા, હરેશભાઈ પરસાણા, વસંતભાઈ ગાદેશા, ઉપેનભાઈ મોદી જણાવે છે કે દીકરાનું ઘરના કર્મઠ, સમર્પિત, નિવડેલા-કસાયેલા દેવદુર્લભ કાર્યકર્તાઓની ટીમ સંસ્થાના વડીલ માવતરોની પોતાના સગા દીકરા-દીકરીઓ અને પરિવારજનોની જેમ સારસંભાળ, કાળજી અને સેવાચાકરીમાં કયારેય કોઈ કચાશ નથી રાખતા અને દીકરાનું ઘર’ વૃધ્ધાશ્રમ એ આનંદાશ્રમ બની રહે તેની સતત કાળજી રાખે છે આમ વડીલ માવતરોની ભાવવંદના સાથે જરૂરતમંદ છાત્રોને શિષ્યવૃત્તિ, થેલેસેમીક બાળકો માટે રકતદાન કેમ્પ તેમજ સાઇકલ વિતરણ, સીનીયર સીટીઝનો માટે પાનખરનો મેળો, વિધવા બહેનોને સિલાઈ મશીન વિતરણ, તહેવારોમાં મીઠાઈ-ફરસાણ વિતરણ, મેડીકલ સાધન સહાય, ભાગવત સપ્તાહ, સહિતના ધાર્મિક કાર્યકૂમો, કોરોનાના કપરા સમયમાં રાહત રસોડું, પ્લાઝમાં બ્લડની વ્યવસ્થા, કીટ વિતરણ, ચક્ષુદાન દેહદાન-જનજાગૃતિ અભિયાન સહિતની વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે.
શહેરમાં સાહિત્યિક પ્રવૃતિને વેગ મળે, સાહિત્યિક પ્રવૃતિમાં શહેરીજનો રસ લેતા થાય તેવા શુભાશયથી આઠ વર્ષથી ‘સાહિત્ય સેતુ’ નામની સંસ્થા શરૂ કરવામાં આવી છે જેમાં કવિ સંમેલનો, સર્જક મિલન, કાવ્યપઠન, સાહિત્યકારોનું સન્માન, પુસ્તક વિમોચન, સાહિત્યિક સ્પર્ધાઓ થઈ રહી છે એટલું જ નહિં વાંચનપ્રવૃતિને વેગ મળે, નવી યુવા પેઢી વાંચતી થાય તે માટે ત્રણ વર્ષથી રસિકભાઈ મહેતા પુસ્તક પરબ શરૂ કરવામાં આવેલ છે.
સંસ્થા દ્વારા છેલ્લા છ વર્ષથી પ્રતિવર્ષ ડીસેમ્બર મહિનામાં માતા-પિતા વિહોણી કે પિતાની છત્રછાયા ગુમાવેલ 22
દીકરીઓના જાજરમાન લગ્નોત્સવ વહાલુડીના વિવાહ યોજવામાં આવે છે જેમાં અત્યાર સુધીમાં 138 દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા છે અને વહાલુડીના વિવાહ બ્રાન્ડ નામ બની ગયેલ છે આ વર્ષે પણ આગામી 29 ડીસેમ્બર રવિવારના રોજ વહાલુડીના વિવાહ-7 યોજાનાર છે.
સંસ્થાના વડીલોને વર્ષમાં બે વાર તિર્થઘામોની મુલાકાતે જાત્રાએ લઇ જવામાં આવે છે. સંસ્થાના વડીલોએ હવાઇ મુસાફરી, દરિયાઈ મુસાફરી, તેમજ શતાબ્દી સહિતની ટ્રેન અને સ્પેશ્યલ બસમાં ભારતના તમામ તીર્થ સ્થળોની યાત્રા કરી ચૂક્યા છે.
26 વર્ષની સુદીર્ઘ સેવાયાત્રામાં સંસ્થાની તમામ જરૂરીયાતો અને પ્રકલ્પો માટે સંત, સતી અને શૂરાની ભૂમિના નામી-અનામી ઉદારદિલ દાતાઓ તેમજ સમાજશ્રેષ્ઠીઓ, અધિકારીઓ-પદાધિકારીઓ, સેવાભાવી સ્વજનો અને પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડીયાનો સૌ કોઈનો હરહંમેશ સાથ-સહકાર, સ્નેહ-હુંકુ, પ્રેરણા, પ્રોત્સાહન, માર્ગદર્શન તેમજ આશિર્વાદ મળતા રહ્યા છે .
સંસ્થામાં રહેતા વડીલોની નિત્ય પ્રત્યક્ષ દિલથી સેવા કરતા સંસ્થાનાં ગૃહપતિ તરીકે કાર્યરસ્ત દંપતિ વિરમગામ તાલુકાના સચાણા ગામના વતની પ્રફુલભાઈ પરીખ અને સ્વ. પન્નાબેન પરીખ વડીલોને દરરોજ નાસ્તો તેમજ ભોજનની વ્યવસ્થા સંભાળતા જગદીશ પાલીવાલ, 108 જેવું કામ કરતા હરેશભાઇ દવે, સફાઇકાર્ય સંભાળતા કંકુબેન આ તમામની સેવાની નોંધ લઇને 26 વર્ષ પૂર્ણ થવાના અવસરે આભાર સહ અભિનંદન આપીએ છીએ.
સંસ્થાની તમામ પ્રવૃતિમાં સદા તત્પર રહેતા સેવાભાવી મૂકસેવકો હરીશભાઈ હરીયાણી, જીતુભાઈ ગાંધી, શૈલેષભાઇ દવે, હસુભાઈ શાહ, વગેરે હરહંમેશ કાર્યરત રહે છે.
‘દીકરાનું ઘર’ વૃધ્ધાશ્રમની પ્રવૃતિ અંગે વિશેષ માહિતી-પૂછપરછ માટે સંસ્થાના મુકેશ દોશી 982507772પ, અનુપમ દોશી 9428233796, સુનિલ વોરા 98રપર17320, નલિન તન્ના
9825765055 નો સંપર્ક સાધવા જણાવાયું છે ત્યારે સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતિ રૂક્ષ્મણીબેન દીપચંદભાઈ ગારડી વૃધ્ધાશ્રમ દીકરાનું ઘર વૃધ્ધાશ્રમને 26 વર્ષ પૂર્ણ થતા અનુપમભાઈ દોશી, નલીનભાઈ તન્ના, સુનિલભાઈ વોરા, હસુભાઈ શાહએ અબતકની મુલાકાત લીધી હતી. અને સંસ્થા દ્વારા કરાતા સેવાકાર્યોની વિગતો આપી હતી.